Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હતી તે પ્રકારે જુદી જુદી જણાય છે; તેમ અજ્ઞાન-અંધકારના કારણે જડ-ચેતનની ભિન્નતા જણાતી નથી, પરંતુ જ્ઞાનપ્રકાશ પ્રગટતાં આત્મા સર્વ પરસંયોગથી અને વિકારોથી પ્રગટ ભિન્ન ભાસે છે. નિર્મળ જ્ઞાનજ્યોતિ ઉત્પન્ન થતાં જ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી પરમાં એકતારૂપ ભાંતિ અદૃશ્ય થઈ જાય છે. આત્મજ્ઞાનરૂપ અનુપમ દીપકથી મહામોહરૂપ અંધકાર દૂર થાય છે અને શુદ્ધ ચિતૂપનાં દર્શન થાય છે.
અંધકાર અનાદિથી હોય તોપણ પ્રકાશનું એક કિરણ તેનો તરત નાશ કરી દે છે. એક ઓરડામાં હજારો વર્ષ જૂનું અંધારું હોય અને ત્યાં જો દીવો પ્રગટાવવામાં આવે તો તે અંધારું તત્પણ નષ્ટ થઈ જાય છે. પ્રકાશ માટે તરતના થયેલા કે જૂના અંધકારમાં કોઈ ફરક નથી પડતો. એક દિવસનો અંધકાર હોય કે કોટી વર્ષનો અંધકાર હોય તો પણ પ્રકાશ તેને તત્ક્ષણ ટાળી દે છે. પ્રકાશનું એક કિરણ પણ અંધકારને દૂર કરી દે છે. અજ્ઞાન પણ અંધકાર જેવું જ છે. તે કેટલું પણ ગાઢ હોય અને તે ગમે તેટલું જૂનું હોય તોપણ જ્ઞાનના એક કિરણ સામે તે ટકી શકતું નથી.
જ્ઞાની પુરુષો કહે છે કે “અજ્ઞાન ગમે તેટલું ગહન હોય પણ તેના ગહનપણાની ચિંતા ન કરો. તમારામાં અનંત પ્રકાશની સંભાવના છે, અનંત પ્રકાશ પ્રગટાવવાની ક્ષમતા છે. અમારામાં પણ પૂર્વે અજ્ઞાન હતું. અમે પુરુષોનાં વચન ઉપર શ્રદ્ધા રાખી તેમણે દર્શાવેલી વિધિ અનુસાર પ્રયત્ન કર્યો અને અમારો અજ્ઞાનાંધકાર દૂર થયો. એ જ સંભાવના તમારામાં પણ છે. જે જ્ઞાનજ્યોતિ અમારામાં પ્રગટી છે, તે તમારામાં પણ પ્રગટી શકે એમ છે. સર્વ જીવની વિરાટતા તો સરખી જ છે. તમે હાલ વટવૃક્ષનું નાનકડું બી છે, પણ વર્તમાન અપૂર્ણ અવસ્થાનું લક્ષ છોડી વટવૃક્ષના વિરાટ સ્વરૂપનું મનન કરો. તમારા આત્યંતિક ઊંડાણમાં આ પળે પણ તે જ છે જે તમારી આત્યંતિક ઊંચાઈમાં કોઈ દિવસ પ્રગટ થશે. તેથી પર્યાયમૂઢતા ટાળો, તમારી જ્ઞાનજ્યોતિ પ્રગટાવો. જ્ઞાનપ્રકાશ દ્વારા અજ્ઞાન-અંધકાર હટાવી પૂર્ણતા પ્રાપ્ત કરો અને તે માટે આત્મવિશ્વાસ કેળવી ઉત્સાહથી સ્વકાર્યમાં લાગી જાઓ.'
સાધક સ્વને જાણવા પોતાના વાસ્તવિક સ્વરૂપની સમજણ મેળવી, ભેદજ્ઞાનના પ્રયોગ વડે તે સ્વ અને પરનું ભિનપણું સ્પષ્ટપણે જાણે છે. તે સ્વરૂપ સાથે અનુસંધાન જોડતો-વધારતો જાય છે. જે પર છે તેનાથી તે દૂર થવા લાગે છે અને જે સ્વ છે તેમાં ક્રમે ક્રમે તે પ્રતિષ્ઠિત થતો જાય છે. પછી કોઈ ક્ષણે જ્યારે સાધનાનું તાપમાન વરાળબિંદુ સુધી પહોંચી જાય છે ત્યારે વિસ્ફોટ થાય છે અને કર્મકૃત અવસ્થાઓ અને ભાવો સાથેની એકતારૂપ અજ્ઞાનનો અનાદિનો ઘોર અંધકાર દૂર થાય છે અને અપૂર્વ જ્ઞાનપ્રકાશનો અનુભવ થાય છે. આ પ્રકાશમાં જે જણાય છે તે સત્ય છે. આમ, જ્ઞાનના એક ક્ષણના પ્રકાશથી જન્મોજન્મનો અજ્ઞાન-અંધકાર ઓગળી જાય છે. ઉપાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org