Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૪
૧૬૫ પરંતુ મોક્ષપ્રાપ્તિના ઉપાય સંબંધી તેમની માન્યતામાં ફરક આવે છે. સહુ પોતપોતાની માન્યતાનો આગ્રહ રાખે છે અને તેથી પોતે બતાવેલ જાતિ અને વેષને જ મુક્તિસાધક માને છે. અહીં જાતિ એટલે પુરુષ, સ્ત્રી આદિ જાતિ. દિગંબરમત સ્ત્રીનો તથા નપુંસકનો મોક્ષ સ્વીકારતો નથી, જ્યારે શ્વેતાંબરમત તેમનો મોક્ષ સ્વીકારે છે. વેષ એટલે બાહ્ય લિંગ. તે વિષે પણ બન્ને વચ્ચે મતભેદ પ્રવર્તે છે. દિગંબરમત વસ્ત્રરહિતતાને એટલે કે નગ્નતાને જ સાધુપણાના મુખ્ય અંગ તરીકે સ્વીકારે છે, જ્યારે શ્વેતાંબરમત સફેદ કપડાં સાથે સાધુપણું સ્વીકારે છે. વળી, શ્વેતાંબરો ગૃહસ્થવેષે તથા અન્ય લિંગે, અર્થાત્ અન્ય દર્શનના અનુયાયીનો પણ મોક્ષ માને છે. જ્યારે દિગંબરો જૈન દિગંબર સાધુ સિવાય બીજા કોઈનો મોક્ષ સ્વીકારતા જ નથી. આ બન્ને સંપ્રદાયોની જાતિ-વેષ વિષયની માન્યતા તથા તેના સમર્થનમાં તેઓ જે દલીલ કરે છે તે હવે વિસ્તારથી વિચારીએ કે જેથી શિષ્યની મૂંઝવણ અને શ્રીગુરુનું સમાધાન (ગાથા ૧૦૭) યથાર્થપણે સમજી શકાય.
“કઈ જાતિમાં મોક્ષ છે' (સ્ત્રીમુક્તિ વિષે મતાંતર) દિગંબરોની એવી માન્યતા છે કે પુરુષનો જ મોક્ષ ઘટે છે, સ્ત્રી તથા નપુંસકનો નહીં. શ્વેતાંબરોની એવી માન્યતા છે કે પુરુષ, સ્ત્રી તથા નપુંસક ત્રણેની તે જ ભવે મુક્તિ સંભવિત છે. પોતાના મતના સમર્થન અર્થે બન્ને સંપ્રદાયો તર્કયુક્ત દલીલો કરે છે. અહીં વિચારણા અર્થે ત્રણ ત્રણ દલીલો આપવામાં આવી છે. શ્વેતાંબરમતના વિભાગમાં દિગંબરમતની માન્યતા આપી શ્વેતાંબરો તે દલીલને કઈ રીતે અયથાર્થ ઘટાવે છે તે દર્શાવ્યું છે. તે જ પ્રમાણે દિગંબરમતના વિભાગમાં શ્વેતાંબરમતની માન્યતા આપી દિગંબરો તે દલીલને કઈ રીતે અયથાર્થ ઘટાવે છે તે દર્શાવ્યું છે.
શ્વેતાંબરમત
(૧) દિગંબરમતની માન્યતા મુજબ સ્ત્રીને ચારિત્ર (સંયમવ્રતરૂપ દીક્ષા) હોતું જ નથી, કારણ કે આચેલક્ય(નિર્વસ્ત્રપણા)રૂપ મૂળ ગુણ વિના ચારિત્ર ન સંભવી શકે અને સ્ત્રી તો અચેલક થઈ શકે જ નહીં. આનો ઉત્તર આપતાં શ્વેતાંબરો કહે છે કે -
જો એમ કહીએ કે સ્ત્રીને લજ્જા મટતી નથી, માટે તે અચેલક ન થઈ શકે, તેથી તેને ચારિત્ર હોય નહીં, પરંતુ એમ કહેવું યોગ્ય નથી, કારણ કે ફક્ત નગ્નતા એ જ ચારિત્રનું અંગ નથી. જો વિધિપૂર્વક ધર્મોપકરણોને ધારણ કરવામાં આવે તો ચારિત્રનો ભંગ થતો નથી.'
જો એમ કહીએ કે સ્ત્રીના શરીરમાં બહુ સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે, તેના ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રી અધ્યાત્મ મત-પરીક્ષા', શ્લોક ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org