Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૮૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેને શ્રીગુરુના ન્યાયયુક્ત સમાધાનથી જીવનું સ્વરૂપ અર્થાત્ જીવનું હોવાપણું, ત્રિકાળ ટકવાપણું, કર્મનું કરવાપણું, કર્મફળનું ભોગવવાપણું તથા કર્મથી મુક્ત થવાપણું - એ પાંચ પદનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જણાયું છે. પરંતુ મોક્ષના ઉપાયનો નિર્ણય કરવામાં હજી તેને મુશ્કેલી પડે છે. મોક્ષના ઉપાયના મતભેદોમાં ગૂંચવાઈ ગયો હોવાથી તે કોઈ સાચા કલ્યાણકારી ઉપાયનો નિર્ણય કરી શકતો નથી, માટે તે મૂંઝાઈને શ્રીગુરુને વિનંતીપૂર્વક કહે છે કે જીવાદિનું જ્ઞાન તો મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડતું હોય તો જ તે કાર્યકારી છે, તેથી કૃપા કરીને મને મોક્ષનો ઉપાય સમજાવો. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે કે –
“આ ગાથામાં ભવ્ય જિજ્ઞાસુ શિષ્યની મોક્ષમાર્ગ સમજવાની ઉત્કંઠા કેટલી પ્રબળ છે, તે સહજતાએ પ્રગટ થાય છે, કારણ તેનામાં અત્યારે કોઈ મન-રોગ નથી, તેમજ ઇહલોક, પરલોક સંબંધી સુખનો કોઈ વિકલ્પ નથી, પરંતુ માત્ર મોક્ષઅભિલાષ વર્તે છે. શિષ્યનું ઉપાદાન વધુ ને વધુ બળવત્તર થતું જાય છે, તે સ્પષ્ટ દેખાય છે અને જ્યારે જીવની આ પ્રકારની દશા હોય, ઉત્કૃષ્ટ મુમુક્ષતા હોય, ત્યારે જ શ્રીગુરુની દેશનારૂપ અમૃતતુલ્ય વાણીથી બોધબીજની પ્રાપ્તિનો લાભ થાય છે.”૧
આમ, શિષ્યને આત્મકલ્યાણની ઉત્કંઠા છે, સ્વરૂપ પ્રત્યે પ્રેમ છે. તેને મોક્ષની યાત્રામાં જોડાવું છે, તેથી તે ઉત્સાહપૂર્વક મોક્ષના ઉપાયનો નિર્ણય કરવા પ્રયત્નશીલ છે. તે આત્માર્થીના ગુણોથી યુક્ત છે, અર્થાત્ તેનામાં જે કષાયની ઉપશાંતતા છે તે તેના મતાઝહરહિતતા, મધ્યસ્થતા, વિનય, સરળતા વગેરે ગુણો દ્વારા પ્રગટ થાય છે. મોક્ષપ્રાપ્તિના ઉપાય માટેની તેની તાલાવેલી તથા સંસારથી છૂટવાની તેની કામના દ્વારા તેનો સંવેગ-નિર્વેદ પ્રગટ થાય છે. શ્રીગુરુ પાસે પોતાની મૂંઝવણ રજૂ કરવી અને તેના સાચા સમાધાનની શ્રીગુરુ પાસે યાચના કરવી એ તેની શ્રીગુરુ પ્રત્યેની આસ્થા પ્રગટ કરે છે. જેમ દીકરી મોટી થતાં તેના માટે સારાં વર-ઘર શોધવાની વિચારણા અને ચિંતામાં મા-બાપને ઊંઘ ન આવે, તેમ પોતાની ચિત્તવૃત્તિને સ્વરૂપરૂપી વર-ઘર પ્રાપ્ત થયું ન હોવાથી શિષ્યને ચિંતા જાગી છે. તે અજ્ઞાન અને અજ્ઞાનજન્ય દુઃખને સદંતર નિર્મૂળ કરવા માંગે છે, તેથી તે દઢ લગનીથી તત્ત્વના યથાર્થ નિર્ણયની દિશામાં પ્રયત્નો કરતો રહે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘તેથી એમ જણાય છે, આ સંસાર અપાર;
તરી શકાએ કેમ એ? એવો થાય વિચાર. ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, “આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ. ૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org