Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૮
૨૧૯ તોપણ તે દુઃખી થશે નહીં.
જીવ નિરંતર કર્મવિપાક અનુસાર નાટકોના પાઠ કરી રહ્યો છે. સારાં કર્મોનો સંચય કરે તો તેને દેવ, રાજા, ધનવાન આદિના પાઠ કરવા મળે છે અને ખરાબ કર્મો કરે તો તેને નારક, તિર્યંચ, ગરીબ, રોગી, મૂર્ખ આદિના પાઠ કરવા પડે છે. હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું' એવી સમજના અભાવે આ પાઠોને તે પોતાનું સ્વરૂપ માની સુખી-દુઃખી થાય છે. કર્મોદયથી તેની ઇચ્છાનુસાર પાઠ મળી જાય તો તે પોતાને સુખી માને છે અને પોતાને ગમતો પાઠ ન મળે તો તે પોતાને દુઃખી માને છે. તે પ્રાપ્ત થયેલાં સગાં, પરિવાર, સંપત્તિ આદિમાં મારાપણાનો ભાવ કરે છે. જ્યારે આવી ચેતન-અચેતન ગમતી વસ્તુઓનો વિયોગ થાય છે અથવા અણગમતી વસ્તુઓનો સંયોગ થાય છે ત્યારે તે દુઃખી થાય છે. દુ:ખથી છૂટવા તત્કાલીન અવસ્થા પલટાય એવું તે ઇચ્છે છે અને એ બદલવાનો પ્રયત્ન પણ કરે છે. પોતે ઇચ્છેલા સંયોગો અને સામગ્રી મળતાં તે પોતાને સુખી માને છે અને તેને સાચવવાની ચેષ્ટા કરે છે. પ્રાપ્ત અવસ્થાઓ પૂર્વસંચિત કર્મોના કારણે છે. આ તથ્યથી અજાણ જીવ સંયોગોની અનુકૂળતા મળી જાય તો અહંકાર કરે છે અને પ્રતિકૂળતા મળતાં વિષાદ કરે છે. અહંકાર અને વિષાદયુક્ત પરિણામો દ્વારા તે નવાં નવાં કર્મોનું ઉપાર્જન કરી, ફરી ફરી નવા નવા દેહ ધારણ કરે છે. આ ચક્ર અનંત કાળથી ચાલ્યા જ કરે છે.
આ ચક્ર તૂટે તો શાશ્વત સુખની પ્રાપ્તિ થાય એવું ભાન ન હોવાથી જીવે આ ચક્ર તોડવાનો ઉપાય કદી વિચાર્યો નથી અને તેનો વિચાર કર્યો હશે તો પણ તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો નથી. પોતે કોણ છે તે જાણવાની ચેષ્ટા પણ તેણે કરી નથી. જો તે પોતાને જાણી લે તો પછી કર્મના કારણે મળેલી પર્યાયોમાં તેને અહંભાવ કે મમત્વભાવ થતા નથી, ગમે તેવી બાહ્ય અવસ્થા હોય પણ તે દુ:ખી થતો નથી. નાટકના પાત્રનો જો અભિનય જ કરવાનો છે, તો પછી ગમે તે પ્રકારનો પાઠ ભજવવાનો આવે તેમાં શું ફરક પડે? ભિખારીનો વેશ હોય કે શ્રીમંતનો વેશ હોય, પણ એ તેને સુખી કે દુઃખી કરી શકે નહીં, કારણ કે તે પોતે જાણે છે કે આ તો માત્ર અભિનય જ છે - વેશ જ છે, પોતે એ વેશથી ભિન્ન છે; તેથી તેને સુખ-દુઃખ, રાગ-દ્વેષ થતાં નથી અને પરિણામે નવાં કર્મોનો બંધ થતો નથી, જૂનાં કર્મો તેનું ફળ આપી ખરી પડે છે અને તે આત્મા પોતાના અસલી રૂપમાં આવી જાય છે.
આમ, જ્યાં સુધી જીવ પોતાની સાચી ઓળખાણ કરતો નથી ત્યાં સુધી તૃષ્ણા નિર્મૂળ થઈ શકતી નથી; ભય, લોભ, સંતાપ આદિથી ચિત્ત પ્રસ્ત રહે છે અને તેથી સમતા રહેતી નથી. ચિત્તવૃત્તિનું નિરીક્ષણ કરતાં જણાશે કે જ્યારે અવિકારી, શુદ્ધ, જ્ઞાયકસ્વરૂપ સાથે જીવનું અનુસંધાન હોય છે ત્યારે બહારનાં બનાવો, પરિસ્થિતિઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org