________________
૧૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્વરૂપનો નિર્ણય થયો હોવાથી તેને ભૌતિક સુખની મહત્તા હોતી નથી. તેને પરિગ્રહનું કોઈ પ્રયોજન હોતું નથી. તે જાણે છે કે સુખી જીવનનું રહસ્ય છે - અપરિગ્રહ. પોતાની પાસે શું શું છે એ સમૃદ્ધિનું માપ નથી, પણ પોતાને શેના શેના વગર ચાલે છે એ ખરી સમૃદ્ધિનું મા૫ છે. સંસારમાં બધું અનિત્ય હોવાથી શાશ્વત સુખના ઇચ્છુક એવા આત્માર્થીને તે પ્રત્યે મોહ થતો નથી. તેને સંસારનાં કાર્યોમાં વહ નથી. તેની આસક્તિ મોળી પડતી જાય છે. તેના રાગ-દ્વેષના તાંતણા લાંબા ખેંચાતા નથી. વિષયમાં લાભ નહીં પણ એકાંતે નુકસાન છે એવું સમજાયું હોવાથી પંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય છે. તેને તે પ્રત્યે વૈરાગ્ય જાગે છે, નીરસપણું લાગે છે. વિષયોની અસારતા અને સંયોગોની નશ્વરતા દઢ થઈ હોવાથી પર પ્રત્યે તે ઉદાસીન થાય છે. દુર્લભ પણ ક્ષણભંગુર એવા મનુષ્યદેહમાં એકમાત્ર આત્માનો અનુભવ જ તેને કર્તવ્યરૂપ લાગે છે. તેનો પોકાર હોય છે કે “મને મોક્ષ સિવાય કંઈ પણ જોઈતું નથી. ધન-ધાન્ય, ઘર, સ્ત્રી, પુત્ર, મિત્ર, વિષયસામગ્રી આદિ કંઈ જોઈતું નથી. ત્રણ લોકના પ્રલોભનો પણ મારા અંતરમાંથી ઊઠેલા આ અવાજને દાબી શકશે નહીં.' તેનું મનોબળ એવું તો દઢ હોય છે કે તેને વૈભવ, સંપદાદિ પ્રાપ્ત થયાં હોય તોપણ તે પ્રત્યે ઉપેક્ષા જ વર્તે છે. તેને તેની પ્રાપ્તિમાં સદ્ભાગ્ય નથી લાગતું. દુર્લભ મનુષ્યભવ પામીને ધન-સંપત્તિ મેળવવામાં કે પદ-પ્રતિષ્ઠા મેળવવામાં તેને ધન્યતા નથી લાગતી. એકાંત દુઃખથી ભરેલા વિષમ સંસારમાં શ્રીગુરુના બોધનું શ્રવણ કરવા મળે એને જ તે પોતાનું સદ્ભાગ્ય માને છે. મોક્ષના ઉપાયની સમજણ મળતાં તે ધન્યતા અનુભવે છે. તે બીજી બધી ચિંતા છોડીને મોક્ષના ઉપાયના ચિંતનમાં જ રત રહે છે.
બહિર્દષ્ટિ જીવને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં, કીર્તિ આદિમાં પ્રેમ છે, તેથી તે સઘળું મળતાં પોતાને ભાગ્યશાળી માને છે. સંસારમાં જેની કિંમત છે તેની વાત કરવાસાંભળવામાં તેને ઉમળકો આવે છે. તેવી વાત તે ઊછળી ઊછળીને કરે છે. પોતાના શરીરના, લક્ષ્મીના, માલ-મિલકતના, મોટાઈના, સત્તાના કોઈ વખાણ કરે તો તેને પ્રેમથી સાંભળે છે. તેમાં રુચિ હોવાથી પોતાના વખાણ સાંભળતાં તે કંટાળતો નથી, પણ તે હોંશ સહિત સાંભળે છે અને તેમાં તેને મીઠાશ લાગે છે. પરંતુ આત્માર્થી શિષ્યને મોક્ષમાં રુચિ હોવાથી તેને ધન, દેહ, સ્ત્રી, પુત્રાદિની વાતોમાં રસ પડતો નથી. તે મોક્ષના ઉપાયની સમજણ મળવાથી પોતાને ભાગ્યશાળી માને છે, તેથી મોક્ષનો ઉપાય સમજવા તે વારંવાર શ્રીગુરુના બોધનું શ્રવણ-મનન કરે છે. તે વિચારે છે કે ‘આત્મકલ્યાણનો માર્ગ બતાવનાર શ્રીગુરુનો અતિ દુર્લભ સમાગમ મળ્યો છે અને તેમાં પણ જો મને ભવબંધનથી મુક્ત થવાના ઉપાયનું શ્રવણ કરવા મળે તો તેના જેવું સૌભાગ્ય શું?' આમ, કલ્યાણવાંછુ શિષ્ય મોક્ષના ઉપાયની સમજણથી પોતાના સદ્ભાગ્યનો ઉદય થશે એમ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org