Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થયેલો નિહાળીને તથા શિષ્યની સત્પાત્રતા જોઈને તેમનું અંતઃકરણ પ્રસન્નતા અનુભવે છે. તેમના મુખમાંથી શિષ્ય માટે આશીર્વચન સરી પડે છે કે “જેવી રીતે તને પાંચ પદની પ્રતીતિ થઈ, તેવી જ રીતે મોક્ષના ઉપાયની પ્રતીતિ પણ તને સુલભતાથી થશે. તારામાં ભવ્યતાનો તથા પ્રકારનો પરિપાક થયો હોવાથી, ભદ્રિક અને જિજ્ઞાસુ વૃત્તિ ઉત્પન્ન થઈ હોવાથી, મોક્ષની તમન્ના જાગી હોવાથી, આધ્યાત્મિક દૃષ્ટિ ખીલી હોવાથી તેને સહજપણે મોક્ષનો ઉપાય પણ સમજાશે.' શિષ્યની તત્ત્વજિજ્ઞાસા એટલી બધી પ્રબળ છે કે તેને મોક્ષનો ઉપાય સમજવામાં જરા પણ કઠિનતા નહીં અનુભવાય, તેથી ‘તને મોક્ષનો ઉપાય સહજતાથી અવશ્ય પ્રતીત થશે' એમ કહી શ્રીગુરુ તેને ઉત્સાહિત કરે છે.
શ્રીગુરુ આ રીતે નિષ્કારણ કરુણાથી શિષ્યને ધીરજ બંધાવે છે, પ્રેરણા આપે છે. જ્યાં સુધી શિષ્યનું કાર્ય પૂર્ણતાને ન પામે ત્યાં સુધી શ્રીગુરુ દરેક પ્રકારે સહાય કરતા જ રહે છે. તેઓ શિષ્યને ડગલે ને પગલે અમૂલ્ય માર્ગદર્શન આપે છે, થાકી જાય ત્યારે ટેકો આપે છે, નિરાશા ઘેરી વળે ત્યારે પ્રોત્સાહિત કરે છે, પડી ભાંગે ત્યારે હૂંફ આપે છે. આ રીતે શિષ્યને અધ્યાત્મયાત્રામાં નિરંતર આગળ વધવાની પ્રેરણા અને શક્તિ શ્રીગુરુ આપતા જ રહે છે. શ્રીગુરુનો કેવો ઉપકાર! કેવી અસીમ કૃપાધારા! તેઓ શિષ્યને સમજાવે છે કે “મોક્ષમાર્ગ અનાદિથી અનવ્યસ્ત હોવાથી વિકટ ભાસે છે, પરંતુ તું ઉત્સાહથી કાર્ય કરતો રહે. ઉત્સાહને મંદ ન કર. તારી અમાપ શક્તિને કામે લગાડ. ઉત્સાહ અને ધૈર્યથી મોક્ષના ઉપાયનું રહસ્ય સમજવા આગળ વધ. અનંતો ઉત્સાહ અને અનંતી ધીરજ, અનંતો ઉમંગ અને અનંતી પ્રતીક્ષા સહિત સતત જાગૃત રહી અભ્યાસ ચાલુ રાખશે તો અવશ્ય સફળતા મળશે જ.'
આમ, આત્માનાં પ્રથમ પાંચ પદોની શંકાઓનાં સમાધાન થયા પછી શિષ્યના અંતરમાં પ્રગટેલી નિઃશંકતા જોઈને શ્રીગુરુને ખાતરી થાય છે કે આ ભવ્ય જીવ છે, તેની કાળલબ્ધિ પાકી છે, તે મંદકષાયી થયો છે, તેને માત્ર મોક્ષની અભિલાષા હોવાથી તે લક્ષે જ તે સર્વ સમાધાન સાંભળે છે, તેને દેશનાલબ્ધિ પ્રગટી છે, તેને કર્મની લઘુતા પણ થઈ છે. આ બધા સમવાય ભેગા થયા છે, માટે શિષ્યને મોક્ષના ઉપાયની પ્રતીતિ થવાની નિશ્ચિતતા છે એમ શ્રીગુરુને લાગ્યું હોવાથી તેમણે શિષ્યને આશીર્વાદ આપતાં “થાશે' એમ કહ્યું છે. આ શબ્દના પ્રયોગથી શિષ્યની પરમાર્થમાર્ગ પામવાની તાલાવેલી અને ઉપાદાનની યોગ્યતા પ્રગટ થાય છે. આવા રુચિપૂર્વકના શ્રવણથી માત્ર મોક્ષના ઉપાયની પ્રતીતિ જ નહીં, સાક્ષાત્ મોક્ષ થાય છે. જીવ રુચિપૂર્વક શ્રવણ કરે તો તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરે છે. આચાર્યશ્રી પદ્મનંદિસ્વામી ‘પદ્મનંદિ પંચવિંશતિઃ'માં જણાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org