Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૫
૧૮૫ કરતાં કોઈ પણ ચીજ અધિક લાગતી હોય તો હજી સત્યની પ્યાસ જ નથી લાગી, હજી તેની શોધનું શુભ મુહૂર્ત પણ નથી આવ્યું. તેથી પોતાના પ્રાણની બાજી લગાવી શકે એટલી તૃષા ઉત્પન્ન કરવી ઘટે છે અને તો જ પરમ તૃપ્તિનો આસ્વાદ મળે છે. કિંમત ચૂકવતી વખતે જે અચકાય છે તે પ્રાપ્તિથી વંચિત રહી જાય છે.
જીવ શાસ્ત્રો વાંચે છે, પ્રવચનો સાંભળે છે, છતાં તે સત્ય તરફ વળતો નથી. તેનું વાંચવું-સાંભળવું એ માત્ર બૌદ્ધિક ધાંધલ જ રહે છે. અભીસાના અભાવમાં તે પોતાની શક્તિઓને જગાડી શકતો નથી. બૌદ્ધિક ઘોંઘાટ એટલો ઉપરછલ્લો હોય છે કે તેનાથી અંતરની સુષુપ્ત શક્તિઓ જાગૃત નથી થતી. તેની શક્તિ એકત્રિત થઈ સર્જક નથી બની શકતી. બૌદ્ધિક ધાંધલથી સંતોષાઈ જવાથી હું જે માનું છું એ જ સત્ય છે' ઇત્યાદિ દુરાગ્રહાદિ ભાવો પોષાય છે. તેને પોતાની સમજણનું અભિમાન રહે છે. દુરાગ્રહના કારણે એકાંત પકડાઈ જાય છે તથા શુષ્કતા, અતિપરિણામીપણું, સ્વચ્છેદાદિ દોષો ઉત્પન્ન થઈ ઉગ્રતાને પામે છે. દાર્શનિક માન્યતાઓનાં ખંડન-મંડનમાં તેની શક્તિ વેડફાઈ જાય છે. વૈરાગ્યાદિ ગુણો દઢ થયા પહેલાં દર્શનોની ચર્ચામાં પડવાથી ચિત્તનું સમાધાન થવાને બદલે વિક્ષેપ વધે છે અને તત્ત્વનો યથાર્થ નિર્ધાર થઈ શકતો નથી. ઘાંચીના બળદની જેમ વાદવિવાદ તેને કશે પણ લઈ જતો નથી. ખંડન-મંડન આદિ બૌદ્ધિક કુશળતામાં જીવન વ્યર્થ વહી જાય છે. આ રીતે જ્યાં સુધી જીવમાં અભીપ્સા નથી જાગતી ત્યાં સુધી કંઈ જ સક્રિય નથી થતું, કોઈ ગતિ નથી થતી; ઊલટું ક્યારેક અનિષ્ટ પરિણામ પણ પ્રાપ્ત થાય છે. જે માત્ર વિચારને જ સ્પર્શે છે, તેનાથી સત્ય અસ્પૃશ્ય જ રહી જાય છે. તે શાબ્દિક જ્ઞાન વડે વિદ્વાન કે વક્તા બની શકે છે, પણ સાધક કે જ્ઞાની બની શકતો નથી. સત્ય માટેની અભીપ્સા હોય તો જ સત્યની અપૂર્વ યાત્રા શરૂ થાય છે.
પ્રસ્તુત ગાથા ઉપરથી એમ જણાય છે કે શિષ્યમાં આવું આત્માર્થીપણું છે. તે સ્વાનુભવની અદમ્ય રુચિ ધરાવે છે. તે તત્ત્વની માત્ર બૌદ્ધિક સમજથી સંતુષ્ટ નથી થઈ જતો. તે શ્રીગુરુ સાથે જે ચર્ચા કરે છે તેનું પ્રયોજન વાદવિવાદ કે માહિતી ભેગી કરવાનું નથી, પરંતુ તે દ્વારા તેણે આત્મિક લાભ મેળવવો છે, અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવો છે. તે મોક્ષપ્રાપ્તિને જ લાભ ગણે છે, માત્ર બાહ્ય જાણકારીને લાભ ગણતો નથી, કારણ કે તે જાણે છે કે જાણકારી તો સાધન છે, સાધ્ય નહીં. તે માને છે કે મોક્ષનો ઉપાય જાણ્યા વિના માત્ર પાંચ પદનું સ્વરૂપ જાણવાથી કોઈ લાભ નથી. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કૃત, યોગબિન્દુ', શ્લોક ૬૭
'वादांश्च प्रतिवादांश्च, वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org