________________
૧૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શોધ કરે છે, અંતરમાં ઊંડો ઊતરે છે; પરંતુ પોપટિયો જ્ઞાની તો ચિત્તપરિવર્તન થયા પહેલાં પોતે સમ્યજ્ઞાની છે એવી કલ્પનામાં રાચવા માંડે છે. તે શાસ્ત્રમાં આપેલી માહિતી મુખપાઠ કરે છે, પરંતુ વાસ્તવમાં તે કશું જ જાણતો નથી. જે સ્વયંને જાણતો ન હોય તે બીજું શું યથાર્થપણે જાણી શકવાનો હતો? તે આત્માની વાતો કરે છે, પણ તેનું દર્શન તેને થયું હોતું નથી. તે પોતાની અંદર જરાક ડોકિયું કરે તો તેને સમજાય કે પોતામાં તો કંઈ જ્ઞાન છે જ નહીં! બધું ખાલીખમ છે! પરંતુ પુસ્તકિયા જ્ઞાનને પકડીને બેઠો હોવાથી તેને એવો ભ્રમ રહે છે કે ઘણું બધું જાણું છું.' આ “ જાણું છું, હું સમજું છું' એવો ભ્રમ ધૂળની જેમ તેના મનના દર્પણને ઢાંકી દે છે. પછી એમાં સત્યનું દર્શન ક્યાંથી થાય? જે તત્ત્વને તે ઓળખાતો નથી, પણ જેના વિષે માત્ર સાંભળ્યું છે, વાંચ્યું છે, તે અંગેની ગોખેલી માહિતીને જ તે જ્ઞાન માની લે છે; પરંતુ તે વિભાવભાવમાં રાચી રહ્યો હોવાથી તેનું સર્વ જાણપણું અજ્ઞાન જ છે. શ્રીમદ્ લખે છે –
જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે.”
ધર્મ કોઈ વૈચારિક શોધ નથી પણ આત્મચિકિત્સા છે, સ્વયંનો ઉપચાર છે. ધર્મ કોઈ તત્ત્વજ્ઞાનની શુષ્ક વાતો નથી પણ અંત:ચક્ષુને ખોલવાનો માર્ગ છે. ધર્મ આંખ ઉઘાડવાની વિધિ છે. આંખ ઊઘડી જાય તો જે છે તેનું સહેજે દર્શન થાય છે. માત્ર સિદ્ધાંતોને રટવાથી આંખ નથી ઊઘડતી, તે માટે ચિત્તનું આમૂલ પરિવર્તન આવશ્યક છે. પોતાના અંતરના ઊંડાણમાં જતાં જ્ઞાનનો સ્રોત પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર જે દિશા ચીંધે તે તરફ મુખ કરીને, શબ્દો જેની પ્રેરણા આપે તે તરફ પ્રયાણ કરવામાં આવે તો જ ધર્મ કર્યો કહેવાય.
આમ, સત્ય ઉપરછલ્લા વિચારથી નહીં પણ આત્મપ્રાપ્તિની પ્રજ્વલિત તૃષાથી જ મળે છે. પિપાસાથી જ્યારે પ્રાણ વ્યાકુળ બને છે ત્યારે જ સત્યની પ્રાપ્તિનો અવસર આવે છે. જ્યાં ઊંડી તરસ છે, ઉત્કટ ઝંખના છે, પ્રબળ અભીપ્સા છે, ત્યાં જ પ્રાપ્તિ થાય છે. કુતૂહલમાં સત્ય પ્રાપ્ત કરાવવાની શક્તિ નથી. કૌતુકમાં એવું જોમ નથી કે તે પ્રાણને હોડમાં મૂકી શકે, પણ અભીપ્સા હોય તો બધું હોડમાં મૂકી શકે છે. જ્યાં સુધી સત્યની કિંમત પ્રાણથી અધિક નથી અંકાતી, જ્યાં સુધી તેને માટે પોતાનું બલિદાન નથી અપાતું, ત્યાં સુધી તેનો દાવો પણ કઈ રીતે કરી શકાય? જો સત્ય ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬૮-પ૬૯ (પત્રાંક-૭૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org