________________
ગાથા-૯૧
૧૩૩
અને આત્માને સુખ-દુ:ખ રહેતાં નથી અને તેથી જ તે જીવ મુક્ત કહેવાય છે એમ મીમાંસકો કહે છે. પરંતુ આત્મા પોતે જ સુખસ્વરૂપ છે અને પદાર્થનું જે સ્વરૂપ હોય તેનો અત્યંત ઉચ્છેદ સંભવતો નથી, કેમ કે એ રીતે તો સર્વત્ર અવ્યવસ્થા થઈ જાય. જો મોક્ષમાં સુખનો અભાવ હોય તો તે પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલા સર્વ પ્રયત્ન પણ અર્થ વગરના થઈ જાય.
સાંખ્ય દર્શનના મત અનુસાર ચૈતન્યમાત્ર આત્માનું સ્વરૂપ છે અને તેમાં સ્થિત થવું તે જ આત્માનો મોક્ષ છે. પ્રકૃતિ તથા પુરુષમાં ભેદજ્ઞાન ન હોવાથી બંધ થાય છે અને પ્રકૃતિ તથા પુરુષમાં ભેદજ્ઞાન થઈ જવાથી પુરુષ પોતાના શુદ્ધ સ્વરૂપ ચૈતન્યમાત્રને પ્રાપ્ત કરી લે છે. આનું જ નામ મોક્ષ છે. સાંખ્ય દર્શન મોક્ષમાં પુરુષની ચિન્માત્ર-અવસ્થિતિ માને છે. આ અવસ્થામાં પુરુષ સુખ અને દુઃખથી સર્વથા અતીત હોય છે, કારણ કે સુખ અને દુઃખ તો માત્ર બુદ્ધિની વૃત્તિઓ છે.
સાંખ્યમત મુજબ વિશુદ્ધ ચૈતન્ય જ મુક્તાવસ્થામાં શેષ રહે છે. જ્ઞાન-સુખાદિ એ નૈયાયિકમત પ્રમાણે આત્માના ગુણ હોવા છતાં તેની ઉત્પત્તિ શરીરાશ્રિત હતી; તેથી શરીરના અભાવમાં જેમ તેણે તે ગુણોનો અભાવ માન્યો છે, તેમ સાંખ્યમત પ્રમાણે પણ જ્ઞાન, સુખાદિ પ્રાકૃતિક ધર્મો હોવાથી પ્રકૃતિનો વિયોગ થતાં એ ગુણો મુક્તાત્મામાં રહેતા નથી અને પુરુષ માત્ર શુદ્ધ ચૈતન્યરૂપ જ રહે છે; એટલે પુરુષને જ્યારે કૈવલ્યલાભ થાય છે ત્યારે તે માત્ર શુદ્ધ ચૈતન્યરૂપ રહે છે એમ સાંખ્યોએ માન્યું છે.
સાંખ્યમત અનુસાર જ્ઞાન અને ચૈતન્યમાં ભેદ છે. જ્ઞાન પુરુષનો ધર્મ કે ગુણ નથી, કિંતુ પ્રકૃતિનું કાર્ય છે, અર્થાત્ જ્ઞાન અચેતન પ્રકૃતિનું કાર્ય હોવાથી તે પ્રકૃતિરૂપ જ છે. પુરુષનું સ્વરૂપ તો ચૈતન્યમાત્ર છે. સાંખ્યનો આ મત ન્યાયયુક્ત નથી, કારણ કે પદાર્થોને તે જ જાણી શકે છે કે જે ચેતન હોય. એક ઘટને બીજો ઘટ જાણી શકતો નથી, કારણ કે ઘટ અચેતન છે; તેથી જ્ઞાન અચેતન પ્રકૃતિનો ધર્મ સિદ્ધ થતો નથી, કિંતુ ચેતન આત્માનો ધર્મ સિદ્ધ થાય છે. જ્ઞાન, દર્શન આદિ આત્માના ગુણોનું સંવેદન પ્રત્યક્ષ થાય છે. તેનાથી પણ એમ સિદ્ધ થાય છે કે જ્ઞાન આદિ અચેતન નથી, પણ ચેતન છે. સાંખ્યોનું કહેવું છે કે યદ્યપિ જ્ઞાન સ્વયં ચેતન નથી, પણ ચેતન આત્માના સંસર્ગથી ચેતન જેવું પ્રતીત થાય છે; જેમ અગ્નિના સંસર્ગથી લોખંડનો ગોળો પણ અગ્નિ જેવો પ્રતીત થવા લાગે છે. પરંતુ જો ચેતનના સંસર્ગથી અચેતન વસ્તુ પણ ચેતન થઈ જતી હોય તો શરીર પણ ચેતન થવું જોઈએ, કારણ કે ચેતન આત્માનો સંસર્ગ શરીરની સાથે પણ છે જ. તેથી જ્ઞાન આદિ અચેતન નથી, પણ આત્માનો સ્વભાવ કે ધર્મ છે.
આત્મા અને ચૈતન્ય ગુણી-ગુણ હોવાથી અભેદ જ છે અને તે ચૈતન્ય જ્ઞાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org