Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૩
૧૫૫
મોક્ષનું કારણ માને છે. ભક્તિસંપ્રદાયોમાં મુખ્ય એવા રામાનુજ, મધ્વ, વલ્લભ અને નિબાર્ક એ બધાના મત પ્રમાણે ભક્તિ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. શૈવો જ્ઞાન-કર્મને સમુચ્ચયપણે મોક્ષના કારણ તરીકે સ્વીકારે છે. જૈન દર્શન પણ જ્ઞાન-કર્મ, અર્થાત્ જ્ઞાન અને ક્રિયાને સમુચ્ચયપણે જ મોક્ષના કારણ તરીકે માને છે. આમ, જગતમાં અનેક મત-દર્શનો પ્રવર્તે છે અને તેઓ સહુ મોક્ષનો ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે. શ્રીમદ્ લખે છે –
આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ એ મતભેદો કંઈ કંઈ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલોક વિચાર કરીએ.
કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે; કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે. કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે; કેટલાક ક્રિયાને કહે છે; કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે.
એ ધર્મમતસ્થાપકોએ એમ બોધ કર્યો જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞવાણીરૂપ અને સત્ય છે. બાકીના સઘળા મતો અસત્ય અને કુતર્કવાદી છે; પરસ્પર તેથી તે મતવાદીઓએ યોગ્ય કે અયોગ્ય ખંડન કર્યું છે. વેદાંતના ઉપદેશક આ જ બોધે છે; સાંખ્યનો પણ આ જ બોધ છે. બુદ્ધનો પણ આ જ બોધ છે; ન્યાયમતવાળાનો પણ આ જ બોધ છે; વૈશેષિકનો આ જ બોધ છે; શક્તિપંથીનો આ જ બોધ છે; વૈષ્ણવાદિકનો આ જ બોધ છે; ઇસ્લામીનો આ જ બોધ છે; અને ક્રાઇસ્ટનો આ જ બોધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શો વિચાર કરવો ?”
આમ, મોક્ષનો સ્વીકાર કરનાર અનેક દર્શનો અને ધર્મમતો પ્રવર્તે છે અને સહુ પોતપોતાની માન્યતા અનુસાર તેનો ઉપાય બતાવે છે. જ્ઞાનમાર્ગને માનવાવાળા કહે છે કે જ્ઞાનમાર્ગ જ સાચો માર્ગ છે, અર્થાત્ શાસ્ત્રોનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મતવાળાઓ શાસ્ત્રોનો અભ્યાસ તથા તેની ચર્ચા કરતાં જોવામાં આવે છે. ક્રિયામાર્ગને માનવાવાળાઓનું કહેવું છે કે જ્ઞાનમાર્ગ કઠિન માર્ગ છે, દુરારાધ્ય છે, તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનકો છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો જીવને ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી; તેથી ક્રિયામાર્ગ જ સર્વસુલભ માર્ગ છે. તેમના મત પ્રમાણે બાહ્ય દૈહિક ક્રિયાઓરૂપ તપનો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૯૯-૧૦૦ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org