Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન જ આશ્રય કરવો યોગ્ય છે, કારણ કે તપથી કર્મની નિર્જરા થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મતવાળાઓ દેહદમન તથા ચીવટપૂર્વક દૈહિક ક્રિયાઓ કરતાં જોવામાં આવે છે. ભક્તિમાર્ગવાળાઓ એમ કહે છે કે ભક્તિ એ મોક્ષનો સરળ માર્ગ છે. ક્રિયામાર્ગે અસ-અભિમાન, વ્યવહાર-આગ્રહ, સિદ્ધિમોહ, પૂજા-સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહે છે તથા જ્ઞાનમાર્ગ અત્યંત દુરારાધ્ય છે, તેથી ભક્તિ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. તેમના મત મુજબ પ્રભુના ચરણોમાં અનુરક્ત રહેવું, તેમનાં ગુણગાન કરવા અને પોતાનું સર્વસ્વ અર્પણ કરવું એ ભક્તિ છે. આ મતવાળાઓ અન્ય સર્વ માર્ગના નિષેધપૂર્વક પ્રભુનું પૂજન, અર્ચન, કીર્તન, સ્તવન કરતાં જોવામાં આવે છે.
આમ, ભિન્ન ભિન્ન ધર્મમતો મોક્ષનો ભિન્ન ભિન્ન ઉપાય બતાવતા હોવાથી મોક્ષના યથાતથ્ય ઉપાયનો નિર્ણય કરી શકાતો નથી. ધર્મમતોની અનેકતા અને તેમના બતાવેલા ઉપાયોમાં ભિન્નતા તો છે, તે ઉપરાંત અન્ય મતના નિષેધપૂર્વક પોતાના મત અનુસાર પ્રવર્તન કરવાથી જ મોક્ષપ્રાપ્તિ છે, અન્યથા નહીં - એમ દરેક મત આગ્રહપૂર્વક કહે છે, તેથી અવિરોધ ઉપાયનો નિર્ણય કરવામાં જિજ્ઞાસુને અત્યંત મુશ્કેલી નડે છે. અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે –
અભિનંદનજિન દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેવ;
મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ.૧ અહીં જણાવ્યું છે તેમ જુદા જુદા ધર્મમતના અનુયાયીઓને મોક્ષના ઉપાય વિષે પૂછતાં તેઓ કહે છે કે “અમારા મત પ્રમાણે વર્તવાથી જ મોક્ષની પ્રાપ્તિ થશે.' સહુ પોતપોતાના મતની વિશેષતાનું સ્થાપન કરતાં કહે છે કે “અમારું દર્શન, અમારો મત તે જ મોક્ષપ્રાપ્તિનો અચૂક માર્ગ છે.' પોતાની માન્યતા સ્થાપવા માટે તેઓ પોતાની વાતને જ સાચી કહે છે અને બીજાની વાત સાચી છે જ નહીં એમ કહે છે. મતાહથી તેમની વિચારશક્તિ કુંઠિત થઈ જાય છે, પરિણામે તેઓ એ સ્વીકારવા તૈયાર જ થતા નથી કે અન્ય મતમાં પણ સત્ય હોઈ શકે. તેઓ પોતાનાં મત-દર્શન દ્વારા નિર્દિષ્ટ ક્રિયાકાંડ કે સાધનાપદ્ધતિનો આગ્રહ સેવી અન્યને પણ તે માર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજ એક પદમાં કહે છે –
જોગીએ મિલીને જોગણ કીધી, જતીઓં કીધી જતણી; ભગતે પકડી ભગતાણી કીધી, મતવાસી કીધી મતણી. રામ ભણી રહેમાન ભણાવી, અરિહંત પાઠ પઠાઈ;
ઘર ઘરને હું ધંધે વિલગી, અલગી જીવ સગાઈ. ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી અભિનંદન ભગવાનનું સ્તવન, કડી ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org