Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જરા પણ ભિન્ન હોય એમ કોઈ પણ યુક્તિથી સિદ્ધ થઈ શકતું નથી. યથાર્થપણે વિચારવામાં આવે તો જણાય છે કે ચૈતન્ય તે જ જ્ઞાન છે અને જ્ઞાન તે જ ચૈતન્ય છે; એમ બને અભેદ હોવાથી ઘાતી કર્મનો ક્ષય થતાં તરત જ, જે સમસ્ત દ્રવ્યોને તેનાં સર્વ ગુણ-પર્યાય સહિત સર્વદા અવગાહી રહેલું છે એવું કેવળજ્ઞાન પ્રગટે છે. તે આત્માને જો કે અઘાતી કર્મોનો સંગ રહે છે. તેથી દેહયુક્ત અવસ્થા હોય છે. છતાં પણ ઘાતી કર્મોના ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે અને દેહાદિ સંયોગોનો આત્યંતિક વિયોગ થયા પછી સિદ્ધ અવસ્થામાં પણ તે અનંત જ્ઞાનાદિ ટકી રહે છે.
આમ, મોક્ષમાં જ્ઞાન તથા સુખ નથી એમ ન્યાય-વૈશેષિક, મીમાંસા, સાંખ્ય દર્શનો કહે છે; પરંતુ આ પૂર્ણશુદ્ધ કૃતકૃત્ય દશામાં અનંત જ્ઞાન અને અતીન્દ્રિય સુખ અવશ્ય છે. સિદ્ધદશામાં પ્રત્યેક સમયે અનંત સુખનો ભોગવટો છે. સદેહદશામાં પણ જ્ઞાની નિજાનંદની મસ્તી માણતા હોય છે, તો પૂર્ણપવિત્ર શુદ્ધ નિરાવરણ સિદ્ધ અવસ્થા પ્રગટ્યા પછી જીવ જો અલૌકિક આનંદ અનુભવે નહીં તો એ સિદ્ધદશા શું કામની? જો પોતાના જ્ઞાન ગુણથી વિખૂટા પડી જડ બની જવાનું હોય તો એવો કયો ડાહ્યો માણસ તે માટે પુરુષાર્થ કરે? જ્ઞાન અને આનંદશૂન્ય જીવન એ તો ખરેખર દુર્ભાગ્યમય જીવન છે. મુક્ત આત્માનું જીવન જ જ્ઞાનાનંદમય હોય છે. આ તથ્યને શ્રીમદે પ્રસ્તુત ગાથામાં “નિજ અનંત સુખભોગ' દ્વારા દર્શાવી અત્યંત સરળ અને સુગમપણે મુક્તાવસ્થામાં જ્ઞાન, આનંદાદિનો અભાવ માનનારા ન્યાય આદિ દર્શનોની માન્યતાનું નિરસન કર્યું હોવાનું જણાય છે. તે જ પ્રમાણે શ્રીમદે “સિદ્ધ મોક્ષ શાશ્વત પદે' દ્વારા આત્માની શાશ્વત મોક્ષસ્થિતિનો નિર્દેશ કરી, અદ્ભુત કૌશલ્યથી મોક્ષાવસ્થામાં જીવનો સર્વથા અભાવ માનનારા બૌદ્ધ દર્શનના મતનું નિરસન કર્યું હોવાનું જણાય છે.
બૌદ્ધ દર્શન અનુસાર નિર્વાણ નિરોધરૂપ અવસ્થા છે. તૃષ્ણાદિ લેશોનો નિરોધ થઈ જવો તે જ નિર્વાણ છે. નિર્વાણ પછી વ્યક્તિત્વનો સર્વથા અભાવ થઈ જાય છે. જે પ્રકારે આગની પ્રજ્વલિત જ્વાળાઓ બુઝાઈ ગયા પછી આગનું અસ્તિત્વ હોતું નથી, તે જ પ્રકારે નિર્વાણ પ્રાપ્ત થયા પછી જીવનું અસ્તિત્વ હોતું નથી. જે પ્રકારે દીપક ત્યાં સુધી જ બળતો રહે છે, જ્યાં સુધી તેનામાં તેલ અને દિવેટની સત્તા છે અને તેનો નાશ થતાં જ દીપક શાંત થઈ જાય છે; તે જ પ્રકારે જીવ ત્યાં સુધી જ રહે છે,
જ્યાં સુધી તૃષ્ણા અને ક્લેશો છે અને તેનો નાશ થતાં જીવ શાંત થઈ જાય છે; અને આ જ નિર્વાણ છે. આમ, બૌદ્ધમતમાં નિર્વાણને દીપકના બુઝાવા સમાન બતાવવામાં આવ્યું છે. જેમ દીપક બુઝાઈ જવાથી કંઈ શેષ રહેતું નથી, તે જ પ્રકારે નિર્વાણ પ્રાપ્ત થયા પછી પણ કંઈ અવશિષ્ટ રહેતું નથી.
બૌદ્ધોએ આપેલ દીપનિર્વાણનું દૃષ્ટાંત ન્યાયયુક્ત નથી, કારણ કે દીપકનો સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org