Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રહિત નિરાકુળ અનંત સુખ અનુભવે છે.
સિદ્ધ ભગવાનને કષાયોનો સંપૂર્ણ અભાવ છે. તેમને ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ આદિ વિભાવભાવમાંથી કાંઈ જ હોતું નથી. ભગવાનને કંઈ અનિષ્ટ લાગતું જ નથી; તો ભગવાન કોના ઉપર ક્રોધ કરે? સિદ્ધ ભગવાનથી ઉત્કૃષ્ટ કોઈ છે નહીં. ઇન્દ્રો પણ તેમને નમે છે અને ઇષ્ટ ફળ પામે છે. ભગવાનને બીજાને નીચા બતાવી પોતાને ઊંચા બતાવવાનું કોઈ કારણ જ નથી અને ભગવાનને સર્વ જીવો દ્રવ્યસ્વભાવે પોતાની સમાન જ જણાય છે; તો ભગવાન શા માટે અભિમાન કરે? ભગવાનને અન્ય કોઈ ઇષ્ટ નથી કે અન્યનું કોઈ પ્રયોજન નથી; તો ભગવાન શા માટે માયા કરે? ભગવાનને સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે, સર્વ પ્રયોજન સિદ્ધ થયાં છે, કરવા યોગ્ય કોઈ કાર્ય બાકી નથી રહ્યા; તો સંપૂર્ણ કૃતકૃત્ય ભગવાન કોઈ વસ્તુનો પરિગ્રહ કરી શા માટે લોભ કરે? સંપૂર્ણ જગતના જાણનાર ભગવાન માટે કોઈ વસ્તુ આશ્ચર્યકારક પણ નથી અને સોહામણી પણ નથી; તો ભગવાન શા માટે હાસ્ય કરે? ભગવાનને કોઈ પરપદાર્થમાં પ્રીતિ નથી; તો ભગવાનને રતિ શા માટે થાય? સિદ્ધ ભગવાનને કોઈ સંયોગ દુઃખદાયક નથી; તો ભગવાન અરતિ શા માટે કરે? કોઈ કોઈનું બૂરું કરી શકે એમ નથી; તો ભગવાનને ભય શાનો? કોઈ ઇષ્ટ વિયોગ કે અનિષ્ટ સંયોગ નથી; તો ભગવાન કોનો શોક કરે? ભગવાનને સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ સહિત પ્રત્યક્ષ ભાસે છે, પરંતુ ભગવાન માટે તે કોઈ સૂગ કે અણગમાનું કારણ નથી; તો ભગવાનને જુગુપ્સા શા માટે હોય? અવેદી તેમજ અશરીરી સિદ્ધ ભગવાનને કામવાસનાનો અભાવ હોવાથી તેમને સ્ત્રી સાથે, પુરુષ સાથે કે સ્ત્રી-પુરુષ બન્ને સાથે રમવાનું કોઈ પ્રયોજન નથી; તો ભગવાનને પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદરૂપ ભાવ ક્યાંથી હોય? આ રીતે બધા કષાય અને કષાયનાં કારણોનો નાશ થયો હોવાથી, સિદ્ધ પરમાત્માને દુ:ખનો તથા દુઃખનાં કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ અનુપમ અખંડિત સર્વોત્કૃષ્ટ આનંદ સહિત અનંત કાળ પર્યત સિદ્ધાલયમાં બિરાજે છે. ભગવાનને દુઃખ અને દુઃખનાં કારણોનો નાશ થયો છે, તો પછી આવા ભગવાન સંપૂર્ણ સુખી શા માટે ન હોય?
અન્ય રીતે પણ સિદ્ધાત્મામાં અનંત સુખની સિદ્ધિ થઈ શકે છે. મુક્તના અનંત સુખની સિદ્ધિ માટે અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - ઉપશમસુખનો ક્યાંક અત્યંત પ્રકર્ષ હોવો જોઈએ, કારણ કે તે સુખમાં તરતમતા એટલે ન્યૂનાધિકપણું જોવા મળે છે. જે તરતમતાવાળું હોય છે, તેની ચરમ સીમા - તેનું ઉત્કૃષ્ટપણું પણ હોય જ છે. જેમ કે બોર, લીંબુ, સફરજનમાં પરિમાણ તરતમતાવાળું છે અને ઉત્તરોત્તર પ્રકર્ષ પામતું છે. તો પરિમાણનો ક્યાંક - ગગનમાં અત્યંત પ્રકર્ષ પણ રહેલો જ છે. તેમ ઉપશમસુખનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org