Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૨૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વોત્તમ, અનંત, અતીન્દ્રિય સુખમાં બિરાજતાં સદા જયવંત વર્તે છે. અનંત સુખ આદિ અનંત ગુણ સહિત સર્વ સિદ્ધાત્માઓ મોક્ષમાં સદાકાળ રહે છે. મોક્ષ અખંડ અને અવિનાશી આનંદ આપે છે, માટે સિદ્ધાત્માઓ તેમાં નિરંતર નિવાસ કરે છે. જો મોક્ષ સર્વોત્તમ આનંદકારી ન હોત તો ત્યાં જીવ સિદ્ધ પરમાત્મા તરીકે સદા રહે નહીં. મોક્ષમાં જો પરમાનંદ ન હોય તો સિદ્ધ પરમાત્માઓ તેને સદાકાળ શા માટે સેવે? ત્યાં અનંત અપાર સુખ છે, તેથી તેઓ મોક્ષને સેવે છે.
અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખ એ આત્માનો સ્વભાવ છે. આ સ્વભાવનું પૂર્ણ પ્રગટવું તે જ મોક્ષ છે. કર્મનાં આવરણનો અભાવ થવાથી સ્વાભાવિક જ્ઞાન અને સુખ પૂર્ણપણે પ્રગટ થાય છે. સિદ્ધ ભગવાનનાં જ્ઞાન અને સુખ બને અનંત અને અવિનાશી છે. સિદ્ધ ભગવાનનાં અતીન્દ્રિય જ્ઞાન અને સુખ વિષે આચાર્યશ્રી કુંદકુંદદેવ લખે છે –
જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે |
સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે !' જેમ સૂર્યને આકાશમાં રહેવા માટે કોઈ થાંભલાના ટેકાની જરૂર પડતી નથી, તેને ઉષ્ણતા માટે અથવા પ્રકાશ માટે કોઈ કોલસા કે તેલની જરૂર પડતી નથી, પોતાના તેવા સ્વભાવથી જ તે નિરાલંબપણે ઉષ્ણતા અને પ્રકાશ સહિત આકાશમાં રહેલો છે; તેમ સુખ અને જ્ઞાન જેનો સ્વભાવ છે એવા આત્માને અતીન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપ પરિણમવા માટે કોઈ ઇન્દ્રિયવિષયોની પરાધીનતા નથી. તે બધાની અપેક્ષા વગર સ્વભાવથી જ પોતે સ્વયમેવ દિવ્ય જ્ઞાન-આનંદની શક્તિવાળો છે. સિદ્ધ ભગવંતો કોઈના અવલંબન વગર સ્વયમેવ પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે પરિણમનારા દિવ્ય સામર્થ્યવાળા આત્મા છે.
અહીં કોઈને શંકા થાય કે સિદ્ધનાં જ્ઞાન અને સુખ ચેતનધર્મ હોવાથી રાગ આદિની જેમ અનિત્ય હોવાં જોઈએ. તેમનાં જ્ઞાન અને સુખને નિત્ય માનવાં અસંગત છે. આ શંકાનું સમાધાન એ છે કે જ્ઞાન અને સુખનો જો સિદ્ધમાં નાશ થતો હોય તો જ તેમનાં જ્ઞાન અને સુખને અનિત્ય માની શકાય. જ્ઞાનની હાનિ જ્ઞાનાવરણીયના ઉદયથી થાય છે અને સુખનો નાશ અશાતા વેદનીયના ઉદયથી જે બાધા થાય છે તેના કારણે થાય છે. પરંતુ સિદ્ધ ભગવંતમાં સહજ જ્ઞાન અને સુખના નાશનાં ઉક્ત બને કારણોનો અભાવ જ છે, તેથી તેમનાં જ્ઞાન અને સુખનો નાશ થતો જ નથી; તો તેને અનિત્ય કેમ કહેવાય? વળી, જે ચેતનધર્મ હોય તે રાગ આદિની જેમ અનિત્ય જ હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી. દ્રવ્યત્વ-અમૂર્તત્વ આદિ ચેતનધર્મો છે છતાં તે નિત્ય ૧- આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૬૮નો ગુર્જરાનુવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org