________________
ગાથા-૯૧
૧૨૯ છે, માટે સિદ્ધનાં જ્ઞાન અને સુખ નિત્ય છે.
આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે મોક્ષ છે, તે કાયમ રહે છે તથા મોક્ષમાં જીવને અનંત, અવિનાશી, અતીન્દ્રિય જ્ઞાન અને સુખ હોય છે. આ અનંત જ્ઞાનસુખમય શાશ્વત પદ વિષે અન્ય દર્શનોના મત ભિન્ન ભિન્ન પ્રકારના છે. સિદ્ધદશા અનંત જ્ઞાન-સુખમય અને શાશ્વત છે. અન્ય દર્શનો આ અભિપ્રાયથી વિરુદ્ધ માન્યતા ધરાવે છે. તેઓ મોક્ષસ્વરૂપનું અન્યથા પ્રરૂપણ કરે છે. તે આ પ્રમાણે –
ન્યાય-વૈશેષિક દર્શન પ્રમાણે મુક્ત અવસ્થામાં જીવાત્મામાં જ્ઞાનાદિ ગુણ નથી હોતા. તેના મત પ્રમાણે બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર - એ આત્માના નવ વિશેષ ગુણો છે, જેનો નાશ થતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. યદ્યપિ જ્ઞાન આદિ આત્માના ગુણ છે, કિંતુ એ ગુણ આત્માથી ભિન્ન છે અને સમવાય સંબંધથી આત્મામાં રહે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી જ આ ગુણોનો આત્મામાં સદ્ભાવ છે અને મોક્ષમાં આ ગુણોનો પૂર્ણપણે અભાવ થઈ જાય છે.
ન્યાય-વૈશેષિક દર્શન ગુણ અને ગુણીમાં સર્વથા ભેદનો સ્વીકાર કરે છે. તેના મત પ્રમાણે ગુણીમાં ગુણ સમવાય સંબંધથી રહે છે. તે સમવાય નિત્ય, વ્યાપક અને એક છે. નૈયાયિકો-વૈશેષિકો આત્માને તેના જ્ઞાન-સુખાદિ ગુણોથી ભિન્ન માને છે અને આત્મામાં જ્ઞાનાદિની ઉત્પત્તિ શરીરાશ્રિત માને છે. તેથી જ, તેમના મત પ્રમાણે મુક્તિમાં શરીરનો અભાવ થઈ જતો હોવાથી, મુક્તાત્મામાં જ્ઞાન-સુખાદિ ગુણોનો પણ અભાવ માનવો જ પડે છે.
ન્યાય-વૈશેષિક દર્શનના મત અનુસાર મોક્ષમાં આત્મા મન અને દેહથી અત્યંત વિમુક્ત થઈ જાય છે અને સતુમાત્ર રહે છે. તેના મત મુજબ મોક્ષ એ આત્માની અચેતન અવસ્થા છે, કારણ કે ચૈતન્ય એનો એક આગંતુક ધર્મ છે, એનું સ્વરૂપ નહીં. આત્મા પોતાના તાત્ત્વિક સ્વરૂપમાં ચેતન નથી, ચૈતન્ય આત્માનો આગંતુક ધર્મ છે. ચેતના તેનું સ્વરૂપ નથી, એ તેનો આકસ્મિક ગુણ છે. જ્ઞાન એ કંઈ આત્માનો સ્વભાવ નથી, તેથી આત્મા અચેતન અથવા જડસ્વરૂપી છે. નૈયાયિકો-વૈશેષિકોએ આત્માનો જ્ઞાનાદિ ગુણ સાથે સમવાય સંબંધ સ્વીકાર્યા પછી પણ એનું જડત્વરૂપે સ્વતંત્રપણું સ્વીકાર્યું છે. તેઓ માને છે કે આત્મામાં ચેતનાનો સંચાર ત્યારે જ થાય છે કે જ્યારે તેનો મન જોડે, મનની ઇન્દ્રિયો જોડે અને ઇન્દ્રિયોનો બાહ્ય વસ્તુઓ જોડે સંપર્ક થાય છે. આવો સંપર્ક જો ન થાય તો આત્મામાં ચૈતન્યનો ઉદય જ થાય નહીં. તેથી જ આત્મા જ્યારે શરીરથી મુક્તિ મેળવે છે ત્યારે તેમાં જ્ઞાનનો અભાવ થઈ જાય છે.
નૈયાયિકો-વૈશેષિકોના મત પ્રમાણે મોક્ષ એ દુઃખના આત્યંતિક ઉચ્છેદની અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org