Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છુટકારો થાય છે. શુક્લધ્યાનના ચોથા ચરણ દ્વારા તે અયોગી કેવળી ભગવાન ચાર અઘાતી કર્મોનો નાશ કરી તથા ત્રણ શરીરને છોડી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. શરીર અને જન્મ-મરણથી રહિત થઈ તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે. તેઓ સિદ્ધશિલા ઉપર પોતાના અનંત આનંદધામમાં શાશ્વત પદે બિરાજે છે.
આ પ્રમાણે જીવનો આધ્યાત્મિક વિકાસ થાય છે. તેનાં સર્વ બંધનો છેદાઈ જાય છે અને તે પરમ સિદ્ધિને પામે છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો આત્માની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રહેતો નથી. સર્વ કર્મોનો સર્વથા નાશ થતાં, આત્મા ઊર્ધ્વગતિ કરી લોકના અંત સુધી જાય છે. તે જ્યારે સર્વ કર્મમલથી રહિત થાય છે ત્યારે એક જ સમયમાં ઊર્ધ્વગમન કરીને લોકાંતે સિદ્ધશિલા ઉપર સ્થિત થઈ જાય છે. સિદ્ધ થયેલ જીવ ત્યાં સુધી જ જાય છે. લોકાંતે જઈને અટકી જાય છે. તેની આગળ જતા નથી. તેનાથી વધુ ઉપર જઈ શકતા નથી.
અહીં એવો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે જીવ ઊર્ધ્વગમન કરી ઉપર જાય છે તો પછી લોકાંતે શા માટે અટકી જાય છે? હજી તો તેની આગળ અનંત આકાશ આવેલું છે. આગળ અનંત અલોકાકાશ છે. લોકનું આકાશ હોય કે અલોકનું આકાશ હોય, બન્નેમાં કોઈ તફાવત નથી. આકાશદ્રવ્ય તરીકે બન્ને એકસરખા છે. તો પછી જીવ હજી આગળ, અલોકમાં શા માટે જતો નથી? લોકના અગ્રભાગે કેમ અટકી જાય છે?
- આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે - અનંત અલોકના કેન્દ્રમાં પરિમિત ક્ષેત્રવાળો લોક છે. લોકના આકાશને લોકાકાશ અને લોકની બહારના આકાશને અલોકાકાશ કહેવાય છે. અલોકમાં ફક્ત આકાશ જ છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલપરમાણુ આદિ એક પણ દ્રવ્ય નથી. એ બધું માત્ર લોકમાં જ છે. લોકાકાશમાં જ ગતિસહાયક ધર્માસ્તિકાયદ્રવ્ય છે, સ્થિતિસહાયક અધર્માસ્તિકાયદ્રવ્ય છે, આત્મદ્રવ્ય છે, પુદ્ગલદ્રવ્ય છે અને કાળ છે.
કોઈ પણ મનુષ્ય જ્યારે તિચ્છલોકના અઢી દ્વીપમાંથી કર્મક્ષય કરી મોક્ષે જાય છે ત્યારે તે આત્માને ધર્માસ્તિકાયદ્રવ્ય ગતિમાં સહાય કરે છે. જ્યાં સુધી ધર્માસ્તિકાયદ્રવ્ય છે ત્યાં સુધી જ જીવ ગતિ કરે છે અને અંતે અધર્માસ્તિકાયદ્રવ્યની સહાયથી ત્યાં સ્થિત થઈ જાય છે, તેનાથી આગળ તે આત્મા જઈ શકતો નથી. આગળ ગતિ સહાયક ધર્માસ્તિકાયદ્રવ્ય જ નથી એટલે એ લોકના અગ્રભાગે જઈને સ્થિર થઈ જાય છે.
આત્મા લોકારથી ઉપર જતો નથી, કારણ કે ત્યાં અનુકૂળ નિમિત્તનો અભાવ છે. તે અલોકમાં ગતિ કરતો નથી, કારણ કે ત્યાં ગતિસહાયક ધર્માસ્તિકાયદ્રવ્યનો અભાવ છે. ઊર્ધ્વગતિથી આત્મા લોકાંતે જઈને અટકે છે, કેમ કે આગળ અલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org