Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૧
૧૧૧
અહીં કોઈ એમ દલીલ કરે કે પ્રધ્વંસાભાવ એ ખરશૃંગની જેમ તુચ્છ હોવાથી ઉદાહરણ ન બની શકે, એવી કોઈ વિદ્યમાન વસ્તુને ઉદાહરણરૂપે બતાવવી જોઈએ જે કૃતક છતાં અવિનાશી હોય; તો તેનું સમાધાન એમ છે કે ઘટનો પ્રશ્ચંસાભાવ એ ખરશૃંગની જેમ સર્વથા અભાવરૂપ નથી તુચ્છરૂપ નથી, કારણ કે ઘટના વિનાશથી વિશિષ્ટ એવું વિદ્યમાન પુદ્ગલદ્રવ્ય જ ઘટપ્રÜસાભાવ કહેવાય છે.
-
મોક્ષ કૃતક હોવાથી શાશ્વત નથી એ શંકાનું સમાધાન બીજી રીતે પણ થઈ શકે છે. સંશયકર્તાએ મોક્ષને કૃતક કહ્યો છે અને કૃતક હોવાથી મોક્ષ અનિત્ય હોવો જોઈએ એવું તેનું અનુમાન છે; પણ મોક્ષનો અર્થ એટલો જ છે કે જીવથી કર્મોનું સર્વથા છૂટાં પડી જવું. કર્મપુદ્ગલનું આત્મપ્રદેશથી સર્વથા ખરી જવું, છૂટા થવું એ જ જીવનો મોક્ષ છે. એટલે પ્રશ્ન એ થાય છે કે કર્મપુદ્ગલો જીવથી માત્ર છૂટાં પડી ગયાં, તેથી જીવમાં એવું શું થઈ ગયું કે જેથી મોક્ષને કૃતક કહેવામાં આવે છે? અત્યાર સુધી મોક્ષ કૃતક છે એ વાત સાચી છે એમ માનીને તેનો ખુલાસો કરવામાં આવ્યો, પણ ખરેખર પ્રશ્ન તો એ છે કે જીવમાંથી કર્મપુદ્ગલનો સંયોગ નષ્ટ થઈ જવાથી એવું તો શું બન્યું છે કે જેથી મોક્ષને કૃતક કહેવામાં આવ્યો છે? આકાશમાં સંયોગ સંબંધે રહેલા ધડાનો નાશ થઈ જવાથી આકાશમાં કંઈ પણ નવું ઉત્પન્ન થાય છે? જેમ આકાશમાં રહેલા ઘડાને મુદ્ગરથી ફોડી નાખવામાં આવે તો આકાશમાં કશી જ નવી વિશેષતા આવતી નથી, તેમ કર્મને તપસ્યાદિ વડે નષ્ટ કરવામાં આવે તો જીવમાં પણ કશું જ નવું ઉત્પન્ન થતું નથી; તેથી મોક્ષને એકાંતે કૃતક કહેવાય નહીં. કર્મના સંયોગનો નાશ થવાથી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, પણ જીવમાં કશું જ નવું ઉત્પન્ન થતું નથી, એટલે મોક્ષને એકાંતે કૃતક માની શકાય નહીં.
આકાશમાં રહેલ ઘડાનો નાશ થાય છતાં સ્વયં આકાશ તો તેવું ને તેવું જ રહે છે. મુગરથી ઘડો ભાંગી નાખવામાં આવે તો ઘટાત્મક આવરણ ખસી જતાં કાંઈ આકાશ મોટું થઈ જતું નથી. તેમ જ્ઞાનાદિથી કર્મનો નાશ થઈ જતાં, કર્મનું આવરણ હટી જતાં આત્મામાં કાંઈ જ અધિક થતું નથી. એનું જે અનંતસુખાદિમય સ્વરૂપ છે તે માત્ર પ્રગટ થાય છે. જેમ વાદળાં ખસી જવાથી ઝળહળતો સૂર્ય પ્રકાશે છે, તેમ કર્મનાં આવરણો ખસી જવાથી આત્માના સકળ ગુણો પ્રકાશે છે, તેથી મોક્ષ એકાંત કૃતક છે જ નહીં. મોક્ષ એ કોઈ એકાંતે ઉત્પન્ન થનારી વસ્તુ નથી. માત્ર કર્મથી અલગ થવું એ જ આત્માનો મોક્ષ છે. આત્મામાં કોઈ નવીન વસ્તુ ઉત્પન્ન થતી નહીં હોવાથી તેનો અંત આવવાની શક્યતા પણ રહેતી નથી.
અત્રે કોઈ એમ દલીલ કરે કે કર્મના વિનાશને મોક્ષ કહ્યો, પણ જેમ મુદ્ગરથી ઘટનો વિનાશ થાય છે તેથી વિનાશ કૃતક કહેવાય છે; તે જ પ્રમાણે તપસ્યાદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org