________________
૧૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અવ્યાબાધ, અર્થાત્ કોઈથી પણ બાધા-પરાભવ પામે તેવી નથી. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ તથા અનંત વીર્ય એકસમયમાત્ર માટે પણ નાશ પામતાં નથી, તે સર્વ અખંડપણે નિરંતર રહે છે. આગામી સર્વ કાળમાં સિદ્ધ ભગવંતને તે જ રૂપે રહેવાપણું છે. સિદ્ધપણું પામવાની ક્ષણે સર્વ પ્રકારે સર્વ કર્મ ક્ષય થયાં છે. તેમનું આગામી સર્વ ક્ષણો માટે એકરૂપપણું છે, તેમાં કોઈ ભેદ નથી; તેથી સિદ્ધ ભગવંત સદાકાળ તે જ રૂપે રહે છે. સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયમાં પોતાના સર્વ કર્મ ક્ષય કરવારૂપ અર્થને સિદ્ધ કરી, ઊર્ધ્વગતિ કરી, તેઓ લોકના અંતે પોતાના સ્વરૂપમાં રહે છે. એ જ પ્રકારે પ્રથમ સમયથી આરંભીને સદાકાળ માટે તેઓ સ્વરૂપમાં રહે છે. સિદ્ધ ભગવાન નિરંતર પોતાના સ્વભાવમાં જ રહે છે.
આમ, સર્વ કર્મનો ક્ષય થવાથી દેહાદિ સંયોગોનો આત્યંતિક વિયોગ થાય છે, અર્થાત્ દેહાદિ ફરી કદી પણ પ્રાપ્ત ન થાય એવો વિયોગ થાય છે. વળી, તે મોક્ષપદ શાશ્વત પદ છે. ત્યાંથી કદી ફરી જન્મ-મરણરૂપ સંસારમાં આવવું પડતું નથી, ત્યાં આત્માનું અનંત સુખ ભોગવાય છે. સર્વ કર્મોથી મુક્ત થયેલ આત્મા ઊર્ધ્વગમન કરી, લોકાએ જઈ સ્થિર થાય છે અને ત્યાં સિદ્ધાલયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત અનંત સમાધિસુખ ભોગવતાં તે આત્મા અનંત કાળ સુધી સ્વસ્વભાવરમણતામાં જ સ્થિર રહે છે. એકાંત ભાવે સર્વ ક્લેશો જેમના નષ્ટ થયા છે તેવા મુક્ત જીવો સર્વ કાળ માટે સચ્ચિદાનંદ દશામાં રહે છે.'
તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય; સંસારની આ ચાર ગતિ દુઃખથી ભરેલી છે, પણ સિદ્ધ ગતિ સંસારની આ ચાર ગતિથી વિલક્ષણ છે. તેમાં માત્ર સુખ હોય છે અને સર્વ પીડાનો આત્યંતિક ઉચ્છેદ થયેલો હોય છે. આ સ્થિતિમાં આત્યંતિક દુઃખનિવૃત્તિ અને આત્માના અનંત, અવ્યાબાધ, અલૌકિક સુખની પ્રાપ્તિ હોય છે. જ્યાં દુઃખનું નામ પણ નથી અને સુખ જ સુખ - અનંત સુખ છે, તે સિદ્ધદશા છે.
દુઃખનાં કારણોથી રહિત સિદ્ધ ભગવાનનું સુખ અપૂર્વ અને અતીન્દ્રિય છે. સિદ્ધ પરમાત્માનું સુખ અનંત, અપરિમિત, અતીન્દ્રિય, આત્મોત્પન, અવ્યાબાધ અને અનુપમ છે. તે સુખ સંસારના વિષયોથી અતીત, સ્વાધીન, અવ્યય, અવિનાશી છે. જે આત્માની ઉપાદાનશક્તિથી સિદ્ધ છે એટલે કે આત્માથી જ ઉત્પન્ન થયેલ છે, અતિશયવાળું છે, બાધારહિત છે, વિશાળ છે, હાનિ અને વૃદ્ધિથી રહિત છે, પાંચ ઇન્દ્રિયના વિષયોથી રહિત છે, નિર્દક છે, અન્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત છે, અનુપમ છે, અનંત છે, અપાર છે, સર્વ કાળ રહેનાર છે, ઉત્તમ છે તથા અનંત સારયુક્ત છે એવું પરમ સુખ ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, “તત્ત્વાર્થસાર', અધિકાર ૮, શ્લોક ૪૯
'कर्मक्लेशविमोक्षाच्च मोक्षे सुखमनुत्तमम् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org