Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
८८
‘શ્રી આત્મસિદ્ધિ, શાસ્ત્ર' - વિવેચન
તો શુભ કર્મ પણ સંપૂર્ણપણે ત્યાગવા યોગ્ય છે. શુભ અને અશુભ બને છેદાય ત્યારે મોક્ષસ્વભાવ પ્રગટે છે.
દીવાસળી પેટાવીને આજુબાજુનું બધું બાળી શકાય છે, તેમ શુભ ભાવોથી અશુભ ભાવો બાળી શકાય છે. સંસાર સંબંધી વિચારો તોડવા માટે શુભ વિચારનો અને તે માટે શુભ ક્રિયાનો આશ્રય લેવો આવશ્યક છે. જીવ જો શુભ ભાવમાં હોય તો તે સ્વરૂપનો નિર્ણય કરી શકે છે, સ્વરૂપનું ઘોલન કરી શકે છે અને તેથી સ્વરૂપનો મહિમા વધે છે, રસ જામે છે; માટે તેની ઉપયોગિતા છે. પરંતુ બીજાને બાળવા ઉપરાંત દીવાસળી પોતે પણ બને છે, બળીને ખાખ થઈ જાય છે; તેમ સ્વરૂપલક્ષી પુરુષાર્થમાં શુભ ભાવો પ્રથમ અશુભ ભાવોને ક્ષીણ કરે છે અને પછી પોતે પણ ક્ષય પામે છે; અર્થાત્ યથાર્થ પુરુષાર્થ થતાં શુભ વિચાર પણ ક્રમશઃ ક્ષીણ થતાં જાય છે અને અંતે નિર્વિચાર સ્થિતિ આવે છે, ઉપયોગ નિર્વિકલ્પ થઈ સ્વરૂપસ્થ થાય છે.
નાવમાં બેસીને જીવ સામા કિનારે જાય છે ત્યારે નાવ સાધનરૂપ બને છે, પરંતુ સામા કિનારે જઈ જો નાવને છોડવામાં ન આવે તો તે બાધારૂપ બને છે. જો ત્યાં પહોંચીને નાવને છોડવામાં ન આવે તો ગંતવ્ય સ્થળે પહોંચાતું નથી, આખી યાત્રા નિષ્ફળ જાય છે. જેમ નાવને પહેલાં પકડવાથી અને પછી છોડવાથી ગંતવ્ય સ્થળે પહોંચાય છે, તેમ શુભ ભાવ અશુભ ભાવથી નિવૃત્ત થવા માટે જરૂરી છે, પણ ઉપયોગને અંતર્મુખ કરતી વખતે તે પણ છૂટી જાય છે.
મંદિરનાં પગથિયાં ચઢવામાં આવે તો દેવનાં દર્શન થાય. પગથિયાં ઉપર પગ મૂકતાં પણ આવડવું જોઈએ અને તેના ઉપરથી પગ લેતાં પણ આવડવું જોઈએ. તેને પકડવું જેટલું અનિવાર્ય છે, તેટલું જ તેને છોડવાનું પણ અનિવાર્ય છે. પગથિયાં પકડતાં આવડે પણ છોડતાં ન આવડે તો તે ચૂકી જાય છે. જીવ મંદિરના દ્વાર સુધી પહોંચી જાય પણ જો છેલ્લા પગથિયાને છોડતાં ન આવડે તો તે મંદિરમાં પ્રવેશ કરી શકતો નથી. જો તેને પગથિયાં છોડતાં ન આવડે તો તે મંદિરથી હજાર માઇલ દૂર હોય, હજાર ઈંચ દૂર હોય કે છેલ્લા પગથિયા ઉપર હોય - કંઈ જ ફરક પડતો નથી; કારણ કે દેવનાં દર્શન આ બધી જગ્યાએથી સંભવિત જ નથી. ત્યાં ઊભા રહી જવાથી મંદિરમાં પ્રવેશ થતો નથી, ભીતર જવાતું નથી. તે બહાર જ રહી જાય છે. આત્મદેવના દર્શનથી તે વંચિત જ રહે છે.
કેળાના રક્ષણ માટે તેની છાલ આવશ્યક છે, પણ જ્યારે કેળાનો ઉપયોગ કરવો હોય ત્યારે છાલ કાઢી નાખવી પડે છે અને એમાં જ તેની સાર્થકતા છે. તેવી જ રીતે જેમ શુભ ભાવની આવશ્યકતા છે, તેમ તેનાથી પાર થવાની પણ આવશ્યકતા છે. શુભ ભાવ સહાયક પણ છે અને બાધક પણ છે. તેનાથી સ્વરૂપની નિકટ અવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org