Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૮૯
સ્વરૂપનો પરિચય થાય છે; પણ જો તેનું અતિક્રમણ ન કરવામાં આવે તો સ્વરૂપની અનુભૂતિ થઈ શકતી નથી.
ગાથા-૯૦
સાંકડી નાની ગુફામાં જવું હોય અને માથે પાણીનું બેડું હોય, બેડું ભલે સોનાનું હોય, તોપણ તેને બહાર મૂકીને જવું પડે છે; તેમ ચૈતન્યગુફામાં પ્રવેશ કરવા માટે, સૂક્ષ્મ સ્વરૂપપ્રદેશમાં જવા માટે, શુભ ભાવના સ્થૂળ ઉપયોગરૂપ સોનાનું બેડું બહાર મૂકવું જ પડે છે. શુભાશુભ ભાવ છેદાતાં જ મોક્ષરૂપી કાર્ય નીપજે છે. જીવે શુભાશુભ ભાવ કર્યાં તેથી અનંત કાળથી રખડ્યો છે, પણ જો તે શુભાશુભ ભાવને છેદે તો મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. કર્મનો બંધ શુભ અને અશુભ પરિણામોથી થાય છે, શુદ્ધ પરિણામોથી જ એ બન્નેનો મૂળમાંથી ક્ષય થાય છે.૧
સંસારસમુદ્રથી પાર ઉતારવાવાળો, મોક્ષપ્રાપ્તિ કરાવવાવાળો એકમાત્ર શુદ્ધોપયોગ જ છે, શુભાશુભ ઉપયોગ નહીં. શુદ્ધ આત્મસ્વભાવમાં થતી એકાગ્રતા તે શુદ્ધોપયોગ છે. જેવો શુદ્ધ સ્વભાવ છે તેવો જાણ્યા વગર, એની શ્રદ્ધા કર્યા વગર તેમાં એકાગ્રતા થઈ શકે જ નહીં. જીવ શુદ્ધાત્માને અનુભવપૂર્વક જાણે અને શ્રદ્ધે અને તેમાં જ સંપૂર્ણ એકાગ્રતા કરે તો કેવળજ્ઞાન અને અતીન્દ્રિય સુખ પ્રગટે છે.
આમ, મોક્ષપ્રાપ્તિ માટે શુદ્ધોપયોગ પ્રગટ કરવો, અર્થાત્ અવસ્થાને સ્વદ્રવ્યના અવલંબનમાં ટકાવવી એ જ સાચો પુરુષાર્થ છે. ચિત્તને આત્મભાવમાં સ્થાપી જે જે કર્મના ઉદય ભોગવવા પડે તે સર્વ સાક્ષીભાવે વેદાય, અર્થાત્ ચિત્ત ઇષ્ટ-અનિષ્ટ ભાવથી રહિત શુભાશુભ ભાવથી રહિત થાય તે જ સત્પુરુષાર્થ છે. ચિત્તને આત્મભાવમાં એકાગ્રપણે સ્થાપીને શુભાશુભ વૃત્તિનો નિરોધ કરવો એ જ સત્ય પુરુષાર્થ છે. કર્મના ઉદય અનુસાર ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ સર્જાયા કરે છે, પરિવર્તનો આવ્યા કરે છે, તેને જાણવાનું પણ ચાલુ જ હોય છે; પરંતુ તેમાં જીવ જો ઇષ્ટ-અનિષ્ટનો ભાવ ન કરે તો મોક્ષસ્વભાવ પ્રગટ થયા વગર રહે નહીં.
આમ, શિષ્યના સંશયનું સમાધાન કરતાં શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં ફરમાવે છે કે કર્મ જેનાથી બંધાય છે એવા શુભાશુભ ભાવમાં જીવની પ્રવૃત્તિ અનંત કાળથી છે, તેથી જ અનંત કાળ વીત્યો છતાં મોક્ષ થયો નથી. અત્યાર સુધી જે કાળ વીત્યો છે તે શુભાશુભ ભાવના કારણે છે, પણ તે ભાવનો નાશ થઈ શકે છે. શુભાશુભ ભાવ છેદવાથી મોક્ષસ્વભાવ પ્રગટે છે. શુભાશુભ ભાવ છેદી શુદ્ધ ભાવમાં વર્તતાં મોક્ષની ૧- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ધવલા', પુસ્તક ૧૨, ખંડ ૪, ભાગ ૨, સૂત્ર ૮-૩, પૃ.૨૭૯
'कम्मबंधो हि णाम सुहासुहपरिणामेहिंतो जायदे, सुद्धपरिणामेहिंतो तेसिं दोण्णं पि णिमूलक्खओ ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org