________________
ગાથા-૯૧
૯૭
વિકલ્પ ઊઠે છે. અહીં સંસારનો કે શરીરભોગનો રાગ નથી. રાગરૂપી લાકડાં તો બળીને ખાખ થઈ ગયાં છે. તેની રાખ આત્મધ્યાનની આંધીથી ઊડીને વીખરાઈ ગઈ છે. હવે સૂક્ષ્મ રાગનો પણ અભાવ થતો જાય છે અને સ્વભાવમાં સ્થિરતા વધતી જાય છે. ચેતનામાં સ્થિરતા થવાના કારણે આત્મિક આનંદ વધતો જાય છે.
ચેતનામાં વધતી સ્થિરતાના કારણે કર્મપ્રકૃતિઓની સ્થિતિ અને અનુભાગ ક્ષીણ થતાં જાય છે. સાતમા ગુણસ્થાનથી આગળ વધતી વખતે કેટલાક જીવ રાગાદિના પૂર્વસંસ્કારોનું ઉપશમન કરે છે, જ્યારે કેટલાક જીવ રાગાદિનો ક્ષય કરે છે. પહેલા પ્રકારના જીવ દસમા ગુણસ્થાનને પાર કરી અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનમાં પહોંચે છે. દબાયેલ પૂર્વસંસ્કાર તેને ત્યાં ટકવા દેતા નથી અને તે પુનઃ નીચેના ગુણસ્થાનમાં આવી જાય છે. જ્યારે બીજા પ્રકારના જીવ આત્મધ્યાનની ગહનતા દ્વારા શુક્લધ્યાનના પ્રથમ ચરણ દ્વારા રાગસંસ્કારોને મિટાવતા આગળ વધે છે અને મોહનીય કર્મનો સર્વથા નાશ કરી કષાયરહિત એવા બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
મોહનીય કર્મના ક્ષયના માર્ગે આગળ વધતો જીવ શુક્લધ્યાનમાં એકાગ્ર થઈને મોહનીય કર્મને ક્ષય કરવા સમર્થ એવી ક્ષપકશ્રેણી માંડી, સતત વધતી જતી પરિણામની વિશુદ્ધિની અખંડ ધારા વડે મોહનો ક્ષય કરી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ક્ષપકશ્રેણીએ શુક્લધ્યાનમાં મગ્ન રહેતાં વીર્ય, ઉલ્લાસ અને પરિણામની ઉજ્વળતા એટલી બધી વૃદ્ધિ પામે છે કે અંતર્મુહૂર્તમાં સર્વ મોહનીય કર્મનો ક્ષય થવાથી ક્ષીણમોહ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. અહીં શુક્લધ્યાનની અધિક ગહનતા પ્રાપ્ત થાય છે અને શુક્લધ્યાનના બીજા પાયા વડે શેષ ત્રણ ઘાતી કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો પણ નાશ થાય છે.
આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મો મુખ્ય છે. આથી એ ચારનો ક્ષય થયા પછી જ બાકીનાં ચાર અઘાતી કર્મોનો સર્વથા ક્ષય થઈ શકે છે. ચાર ઘાતી કર્મોમાં પણ મોહનીય કર્મ પ્રધાન છે અને મોહનીય કર્મનો ક્ષય થયા પછી જ અન્ય ત્રણ ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થઈ શકે છે. મોહનીયનો ક્ષય થવાથી શુદ્ધ આત્માના અનુભવની અખંડ ધારાના બળ વડે અંતર્મુહૂર્તમાં જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ ઘાતી કર્મોનો એકસાથે ક્ષય થાય છે. તેના ફળસ્વરૂપે આત્મામાં વિશુદ્ધ જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. તે જ સમયે પ્રધાન, અનંત, પરિપૂર્ણ, આવરણરહિત, અજ્ઞાનતિમિરરહિત, વિશુદ્ધ અને લોકાલોકપ્રકાશક એવા કેવળજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોના ક્ષયથી કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થાય છે.
જેમ મેઘપટલથી આચ્છાદિત સૂર્ય પોતાના પ્રચંડ પ્રકાશરૂપ સહજ સ્વરૂપથી રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org