Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૦
૮૩
મારા શુદ્ધ જ્ઞાનભાવમાં રાગ-દ્વેષ નથી' એવું ભેદજ્ઞાન તે ધર્મ છે. ભેદજ્ઞાન દ્વારા પર સાથેનું તાદાભ્ય તૂટે છે અને સ્વ સાથેનું ઐક્ય સધાય છે. જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા થતી જાય છે, તેમ તેમ રાગ-દ્વેષ ટળતા જાય છે. આ રીતે ધર્મની ક્રિયાના બળ વડે વિકારી ક્રિયાનો નાશ થાય છે. જ્ઞાનમાં સ્થિર રહેવારૂપ ક્રિયા વધતાં વધતાં તે જ્ઞાનમાં જ પૂર્ણસ્થિરતા થાય છે. આ દશાને મોક્ષપદ કહે છે.
આમ, શરીરની જડ ક્રિયાઓથી અને શુભાશુભ ભાવરૂપ ચૈતન્યની વિકારી ક્રિયાથી ધર્મ થતો નથી. આ વાત એક દષ્ટાંત વડે સમજી શકાશે. સત્સંગમાં જવાની ભાવના થવાથી જીવ ઘરેથી સત્સંગમાં ગયો. ત્યાં નીચે મુજબ ક્રિયાઓ થઈ – ૧) શુભ ભાવ થયો તે ચેતનની વિકારી ક્રિયા છે. ૨) શરીરનું ક્ષેત્રમંતર થયું તે જડની ક્રિયા છે. ૩) આત્માના પ્રદેશોનું ક્ષેત્રાંતર થયું તે ચેતનની વિકારી ક્રિયા છે. ૪) સત્શ્રવણ પ્રત્યેનું લક્ષ તે શુભભાવરૂપ ચેતનની વિકારી ક્રિયા છે.
આ ચાર ક્રિયાઓ કરવામાં આવે ત્યાં સુધી ધર્મ થતો નથી. જડની ક્રિયા, આત્મપ્રદેશોની ક્ષેત્રમંતરરૂપ ક્રિયા અને શુભભાવરૂપ વિકારી ક્રિયા - આ સર્વ ક્રિયાથી ધર્મની ક્રિયા ભિન્ન છે. જીવ શ્રવણના લક્ષ ઉપરથી ખસીને સ્વલક્ષ તરફ ઢળે અને પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવનો મહિમા લાવીને અંતર્મુખ થાય તો તે ધર્મની ક્રિયા છે.
અન્ય એક દૃષ્ટાંત વડે આ વાત વધુ સ્પષ્ટ થશે. ઉપવાસ કરવાની ભાવના થવાથી જીવે આહાર ગ્રહણ કર્યો નહીં. દિવસ દરમ્યાન ભૂખ લાગતાં તેના ભાવ બગડ્યા, વળી બોધની સ્મૃતિના કારણે ભાવ સુધર્યા અને આગળ વધતાં સ્વલક્ષ પણ થયો. અહીં નીચે મુજબ ક્રિયાઓ થઈ – ૧) પેટમાં આહાર ન પડ્યો તે જડની ક્રિયા છે. ૨) પેટમાં આહાર ન પડ્યો, તેથી ભૂખની પીડાથી તેને જો અણગમો થાય કે ઉપવાસ તો કર્યો પણ કાલ જેવી આજે મજા નથી', તો આ તેનાં અશુભ પરિણામ છે, તેથી વિકારી ક્રિયા છે અને તેને અશુભ (પાપ) બંધ થાય છે. ૩) તે વખતે જો મન વાળી લઈ તપાદિ સત્સાધન સંબંધી શુભ વિચાર કરવામાં આવે તો તેને મંદ કષાયરૂપ શુભ પરિણામ થાય છે, તેથી આ પણ વિકારી ક્રિયા છે, પરંતુ અહીં તેને શુભ (પુણ્ય) બંધ થાય છે. ૪) તે વખતે જો જીવ આહારનું, શરીરનું અને શુભાશુભ ભાવનું લક્ષ છોડીને પોતાના ત્રિકાળી આત્મસ્વભાવની ઓળખાણપૂર્વક તેમાં સ્થિર થાય તો તે ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org