________________
ગાથા-૯૦
૭૯
ઓળંગવાનો પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. શુદ્ધ આત્મસ્વરૂપ અને તેની વર્તમાન પર્યાય વચ્ચે કોઈ દુર્ભેદ્ય દીવાલ નથી, પરંતુ ધુમાડાની એક પાતળી રેખા જ છે. જો તે ઇચ્છે તો ક્ષણમાં મિટાવી શકાય એમ છે, અન્યથા જન્મોજન્મ પર્યંત પણ તે અંતર યથાવત્ જ રહે છે. જો ધુમાડાની એ પાતળી રેખાને ફૂંક મારીને મિટાવવામાં ન આવે તો એ જીવને જન્મોજન્મ સુધી રઝળાવે છે. જો આ રઝળપાટનો હિસાબ લગાવવામાં આવે તો એવું જ લાગશે જાણે પોતાની અને સત્યની વચ્ચે અસંખ્ય હિમાલય ઊભા છે, પરંતુ એવું નથી. માત્ર ધુમાડાની એક પાતળી રેખા જ છે.
એ ધૂમરેખાને વિખેરવા માટે એક ફૂંક અલબત્ત સાચી જગ્યાએ મારવામાં આવે તો તે પર્યાપ્ત છે. તેના માટે કશે પણ જવાની જરૂર નથી. સ્વરૂપ સાથે અભેદતા સાધવા માટે કરોડો માઇલની યાત્રા કરવાની નથી. એક જ પગલાની જરૂર છે. એક જ ઝટકો લાગશે અને તાળું ખૂલી જશે! ચાવીને જે તરફ ફેરવવાથી તાળું ખૂલે, એની વિપરીત દિશામાં જ આજ સુધી પુરુષાર્થ થતો રહ્યો છે; તેથી એમ લાગવું સ્વાભાવિક છે કે આત્મપ્રાપ્તિ માટે ‘પ્રચંડ પુરુષાર્થ' કરવો પડશે. પરંતુ હકીકત જુદી જ છે. સાચી દિશામાં ચાવી ફેરવવામાં આવે તો સહજમાત્રમાં તાળું ખૂલી જાય છે.
આંખમાં રેતીનો એક કણ પણ જાય તો આંખ બંધ થઈ જાય છે અને કંઈ જ દેખાતું નથી. સામે ગમે તે હોય - મોટો પર્વત હોય, તોપણ તે દેખાતો બંધ થઈ જાય છે. આંખમાં કોઈ મોટી વસ્તુ આવી જતી નથી, માત્ર એક નાનકડો કણ આવે છે, પણ તેનાથી આંખ બંધ થઈ જાય છે. એ કણ કંઈ મોટી દુર્ઘટના નથી, મોટી સમસ્યા નથી. એને કાઢવો અધરો પણ નથી અને છતાં એ ન નીકળે ત્યાં સુધી કશું જોઈ શકાતું નથી. એ જ રીતે અંતર્ચક્ષુમાં પણ માત્ર મિથ્યા અભિપ્રાય આવી ગયો છે. એ હશે ત્યાં સુધી સત્યનું દર્શન થઈ શકતું નથી. એ કણ જ્યાં સુધી ન નીકળે, ત્યાં સુધી સત્યનાં દર્શન થઈ શકતાં નથી. પરંતુ જો એ ખ્યાલમાં આવી જાય કે બાધા બહુ નાની છે અને તેને દૂર કરનાર પોતે ખૂબ શક્તિશાળી છે, તો એ બાધા તૂટી જાય છે. સ્વરૂપની ઓળખાણ કરી, પરમાંથી દૃષ્ટિ હટાવી, સ્વમાં ઐક્ય કરવાથી ધુમાડાની એ રેખા, રેતીનો એ કણ નીકળી જાય છે અને સત્ય તેની સામે ઉદ્ઘાટિત થાય છે.
પરમાં થયેલું તાદાત્મ્ય નિદ્રા જેવું છે. એકઝાટકે તૂટી શકે છે. નિદ્રા ગમે તેટલી ગાઢ હોય પણ એક જ ઝાટકે ઉડાડી શકાય છે. વ્યક્તિ ગમે તેટલા કલાક નિદ્રાધીન રહે, જાગૃત થવાની પ્રક્રિયા તો ક્ષણની જ છે. કોઈ તેને ઉઠાડવા માટે હલાવે, બૂમ પાડે અને ઊઠવા માટે તે તૈયાર હોય તો ઊઠવાની પ્રક્રિયા કંઈ વર્ષો નહીં લગાડે. તેમ અનાદિની મૂર્છા ટાળી અમૂર્છિત અવસ્થામાં આવતાં વાર લાગતી નથી. જો મોહનું સામ્રાજ્ય જીવની સમજમાં આવી ગયું હોય અને કોઈ મહાપુરુષ તેને જગાડે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org