Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધરાવે છે. અલબત્ત જીવનભરના વતના કારણે તે માતા થવાની નથી તે વાત ચોક્કસ છે. આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારી સાધ્વી સંતાનને જન્મ આપવાની યોગ્યતા ધરાવતી હોવા છતાં તેવા પ્રકારના પુરુષસંયોગરૂપ કારણના અભાવથી તે સંતાનને જન્મ આપતી નથી. આ પ્રમાણે ત્રણ કન્યાની યોગ્યતા-અયોગ્યતાના દૃષ્ટાંતથી ત્રણ પ્રકારના જીવો છે તે સમજી શકાશે – (૧) પહેલી કન્યા કે જે લગ્ન પછી માતા બને છે, તેના જેવા ભવ્ય જીવો છે કે જે સપુરુષાર્થ કરીને મોક્ષ પામે છે. (૨) બીજી વાંઝણી કન્યા જેવા અભવ્ય જીવો છે. વાંઝણી કન્યા ક્યારે પણ માતા બનતી નથી, તેમ અભવ્ય જીવો ક્યારે પણ મોક્ષ પામતા નથી. (૩) સાધ્વી થયેલી કન્યા જેવા ત્રીજી કક્ષાના જાતિભવ્ય જીવો છે, જે ભવ્યની કક્ષાના છે, પરંતુ ક્યારે પણ મોક્ષે જવાના નથી. જેમ સાધ્વી થયેલી કન્યા કોઈ કાળે માતા બનતી નથી, તેમ જાતિભવ્ય જીવો કોઈ કાળે સિદ્ધ થતા નથી, કારણ કે તેમને મોક્ષ પામવાની સામગ્રી જ મળતી નથી.
મૂળભૂત સ્વભાવમાં જ ભિન્નતા હોવાથી જીવોમાં આ પ્રકારના ભેદ છે. આ ભેદ કર્મજન્ય નથી. જો આ ભેદ કર્મજન્ય માનવામાં આવે તો જ્યારે તે કર્મોનો ક્ષય થાય ત્યારે જીવોમાં રહેલા ભવ્યત્વ-અભવ્યત્વમાં પરિવર્તન આવી શકે અને અભવ્ય જીવ પણ મોક્ષે જઈ શકે. પરંતુ આમ થવું શક્ય નથી, કારણ કે આ ભેદ કર્મજન્ય નથી. જીવસ્વભાવગત આ ભેદો છે, માટે આને પરિણામિક ભાવજન્ય ભેદ કહેવાય છે. પારિણામિક ભાવના કારણે જીવ ક્યારે પણ અજીવ અને અજીવ ક્યારે પણ જીવ થતો જ નથી; એ જ પ્રમાણે ભવ્ય ક્યારે પણ અભવ્ય અને અભવ્ય ક્યારે પણ ભવ્ય બનતો જ નથી.
અહીં કોઈ શંકા કરે કે જીવ તો બધા સરખા જ છે, તો તેમાં ભવ્ય અને અભવ્ય એવો ભેદ શા માટે? જીવ બધા સરખા છતાં જેમ નારક, તિર્યંચ આદિ ભેદો છે, તેમ ભવ્ય અને અભવ્ય એવો ભેદ પણ સંભવે છે, તેમાં કશો જ વિરોધ આવતો નથી એમ કહી શકાય નહીં, કારણ કે જીવના નારકાદિ ભેદો કર્મકૃત છે, સ્વાભાવિક નથી; જ્યારે ભવ્ય અને અભવ્ય એવા ભેદ કર્મકૃત નહીં પણ સ્વાભાવિક છે. એટલે જ પ્રશ્ન છે કે જીવના એવા સ્વાભાવિક ભેદો માનવાનું શું કારણ? જીવત્વ તો બને જીવમાં સમાન હોવા છતાં એક જીવ ભવ્ય કહેવાય અને બીજો અભવ્ય કહેવાય એનું શું કારણ? જીવપણું સમાન છતાં ભવ્ય અને અભવ્યનો ભેદ શી રીતે થઈ શકે છે એ પ્રશ્નનું સમાધાન કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં લખે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org