Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને સચ્ચિદાનંદ સ્વરૂપની અનંત કાળ માટે પ્રાપ્તિ થાય છે. મોક્ષમાં જન્મ, મરણ, દુઃખ, સંતાપ, રોગ, શોક, ભય, જરા, રાગ, દ્વેષ આદિ કોઈ તત્ત્વો નથી અને ત્યાં, જેનું શબ્દોમાં વર્ણન ન શકે એવું અનંત અવ્યાબાધ સુખ છે.
આ અદ્ભુત મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ સરળ છે, સુગમ છે. મોક્ષની પ્રાપ્તિ વિકટ નથી. યથાર્થ દિશામાં પગલાં ભરતાં સરળતાથી તેની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ જો જીવ અણસમજણથી ખોટી દિશામાં પ્રયત્નો કરે તો તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. જીવ જો પોતાનો ઉપયોગ અંતર્મુખ કરે તો તેને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જીવ અંતર્મુખ થાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, બહિર્મુખ રહેતાં કદાપિ થતી નથી.
મોક્ષને યોગ્ય એવો ભવ્ય જીવ શુદ્ધાત્માના અવલંબન વડે આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે તો અનાદિની ભૂલ સુધરે અને સ્વાધીન જ્ઞાનદશા પ્રાપ્ત થાય. શુભાશુભ ભાવ દોષરૂપ છે. શુભાશુભ ભાવ કરવાથી કર્મબંધ થાય છે અને તે કર્મનું સફળપણું છે, અર્થાત્ તેના વડે સંસારફળ પ્રાપ્ત થાય છે. જીવ શુભાશુભ ભાવને ટાળી શકે છે. શુભાશુભ ભાવ કરવારૂપ દોષ વડે તે બંધાતો હતો, પરંતુ તે ભાવો છોડી દેવાથી કર્મબંધન છૂટતું જાય છે. કર્મબંધની જેમ કર્મનિવૃત્તિનું પણ સફળપણું છે, અર્થાત્ તેના વડે મોક્ષફળ પ્રાપ્ત થાય છે. સર્વ કર્મથી નિવૃત્ત થતાં આત્મા પોતાના સહજાનંદ સ્વરૂપમાં અખંડપણે સ્થિર રહે છે અને આ જ તેનો મોક્ષ છે.
વસ્તુવ્યવસ્થા જ એવી છે કે સ્વભાવનો અભાવ ક્યારે પણ ન થઈ શકે, પરંતુ યોગ્ય ઉપચાર વડે દોષનો અભાવ જરૂર થઈ શકે છે. કોઈ પણ દોષનો અભાવ કરતાં તેનો પ્રતિપક્ષી સ્વાભાવિક ગુણ પ્રગટે છે એ અનુભવસિદ્ધ તથ્ય છે. માટે કર્મચહણનો દોષ ટાળતાં કર્મથી મુક્તિરૂપ ગુણ પ્રગટે જ છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
ચેતન પોતાની અવસ્થાના દોષથી શુભાશુભ ભાવો કરે છે, તે ભાવો શુભાશુભ કર્મપદ છે અને તે જીવના કરવાથી થાય છે, એમ પણ તેં જાણ્યું અને તેથી તેનું ફળ સંસાર છે, નરકાદિ ગતિ છે, અર્થાત્ તેનું ભોક્તાપણું છે એ પણ તે બરાબર જાણ્યું છે. હવે શુભાશુભ ભાવ એ દોષ છે, તે નહીં કરવાથી અથવા તે કર્મ નિવૃત્ત કરવાથી નિવૃત્તિ અથવા મોક્ષ થવા યોગ્ય છે, એ પ્રમાણે નિવૃત્તિનું પણ સફળપણું છે. જેમ શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી અને તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ, તું વિચાર કરીને નિર્ધાર કર.૧
શિષ્યની મોક્ષપદ વિષેની શંકાના ઉત્તરમાં શ્રીગુરુ કહે છે કે “હે વત્સ! તને એ ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, “આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ. ૨૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org