Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ગયા છે, જાય છે અને જશે તે બધા ભવ્ય જ હોવાના. અભવ્ય કદી મોક્ષે નહીં જ જાય. અભવ્ય કદી પણ સમ્યકત્વ પામતો જ નથી અને તેથી તે ક્યારે પણ મોક્ષે જતો નથી. અભવ્ય અને જાતિભવ્ય જીવો ક્યારે પણ મોક્ષે જતા જ નથી. અભવ્ય અને જાતિભવ્ય જીવો ક્યારે પણ સંસારપરિભ્રમણમાંથી છૂટતા નથી, તેમનો મોક્ષ કદાપિ થતો નથી.
અનંત કાળ વીતી જશે પછી પણ અનંતા ભવ્ય જીવો સંસારમાં હશે. ત્યારે પણ અનંતા ભવ્ય જીવો મોક્ષે નહીં ગયા હોય. અનંત કાળમાં અનંતા ભવ્ય જીવો મોક્ષે ગયા હોવા છતાં, અનંતા જીવોથી ભરેલો નિગોદનો એક ગોળો પણ હજી ખાલી થયો નથી અને એવા તો નિગોદના અસંખ્ય ગોળા લોકમાં છે. તેથી અનંતો કાળ વીતવા છતાં પણ સંસારમાં ભવ્ય જીવો તો રહેવાના જ છે. અનંત કાળે પણ એવો દિવસ નથી આવવાનો કે જે દિવસે આ સંસારમાં કોઈ ભવ્ય જીવ જ નહીં રહે.
અમોક્ષવાદીઓ અન્ય એક દલીલ એમ કરે છે કે વ્યાપક આત્માને મુક્તિગમન અસંભવિત છે, માટે મોક્ષ નથી. આનું સમાધાન એ છે કે આત્માની વ્યાપકતા અનુમાનપ્રમાણથી બાધિત છે, તેથી જીવાત્માને વ્યાપક માની શકાય નહીં. તે આ પ્રમાણે - દેહમાં જ આત્માના ગુણો ઉપલબ્ધ થતા હોવાથી આત્મા દેહાકાર જ માનવો જોઈએ. આત્માનો કોઈ પણ ગુણ, સુખ-દુઃખનો અનુભવ દેહથી બહાર કોઈ પણ આકાશપ્રદેશમાં થતો નથી. વળી, એવો નિયમ છે કે જેનો ગુણ જ્યાં હોય છે ત્યાં જ તેનું દ્રવ્ય હોય છે. જ્યાં ગુણ ન હોય ત્યાં દ્રવ્ય પણ નથી હોતું. માટે આત્માને આકાશમાં સર્વત્ર વ્યાપક માની ન શકાય. શરીરથી બહાર આત્માના ગુણો અનુપલબ્ધ હોવાથી આત્મા શરીરવ્યાપી જ છે, સકળ આકાશમાં તે વ્યાપ્ત નથી. એ પ્રમાણે જો મુક્તાત્માનો વિચાર કરવામાં આવે તો મુક્તાત્મા આકાશપ્રમાણ વ્યાપક વિસ્તારવાળા નથી, કારણ કે મોક્ષમાં જતી વખતે તેમણે જે શરીર છોડ્યું હોય તેના ૨/૩ ભાગપ્રમાણની જ તેમની અવગાહના હોય છે અને એટલા જ આકાશપ્રદેશને તે આત્મા સ્પર્શ કરે છે. તે આત્મા એટલી જ જગ્યામાં રહે છે, માટે મુક્તાત્મા પણ સર્વવ્યાપી નથી.
આત્માને સર્વવ્યાપી માનનારના મત અનુસાર તો જીવનું પરભવમાં ગમન અશક્ય બનવાથી તેનો સંસાર જ ઘટી શકતો નથી, કેમ કે એક ભવમાંથી બીજા ભવમાં સંસરણ કરવાનું જેમાં હોય તે સંસાર છે. વળી, સર્વવ્યાપી માનવાથી સિદ્ધક્ષેત્રમાં પણ ગમન અસંભવિત બનવાથી મોક્ષ પણ ઘટી શકતો નથી. જૈન દર્શન ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૩૦
'नैतद्वयं वदामो यद्भव्यः सर्वोऽपि सिध्यति । यस्तु सिध्यति सोऽवश्यं भव्य एवेति नो मतम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org