Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૯
૬૧
જશે અને તેથી મોક્ષનો પણ અભાવ થશે. મોક્ષપ્રાપ્ત કરવાની યોગ્યતા ભવ્ય જીવોમાં છે અને તે સર્વ ભવ્ય જીવો ઘણા કાળ પછી મોક્ષે ચાલ્યા જ જશે, તેથી કોઈ ભવ્ય જીવ બાકી રહેશે નહીં; એટલે મોક્ષનો અભાવ થઈ જશે. ભવ્ય જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા હોવાથી ઘણા કાળ પછી એક એવો કાળ આવશે જ્યારે આ સંસારમાં એક પણ ભવ્ય જીવ રહેશે નહીં. સંસારમાં માત્ર અભવ્ય જીવો જ હશે.
આ દલીલનું સમાધાન આપતાં આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં લખે છે કે અનાગત કાળ અને આકાશની જેમ ભવ્યો પણ અનંત છે, તેથી સંસાર ભવ્યોથી કદી ખાલી થઈ શકશે જ નહીં. અનાગત કાળના સમયરાશિમાંથી પ્રત્યેક ક્ષણમાં એક એક સમય વર્તમાનરૂપ બનવાથી તે રાશિમાં પ્રત્યેક ક્ષણે હાનિ થવા છતાં, તે રાશિ અનંત સમયપ્રમાણ હોવાથી જેમ તેનો ઉચ્છેદ કદી સંભવતો નથી; અથવા તો કલ્પના વડે આકાશના અનંત પ્રદેશોમાંથી પ્રતિ સમયે એક એક પ્રદેશ અલગ કરવામાં આવે તોપણ આકાશપ્રદેશનો જેમ ઉચ્છેદ થતો નથી, તેમ ભવ્ય જીવો પણ અનંત હોવાથી પ્રત્યેક સમયે તેમાંથી મોક્ષે જાય તોપણ ભવ્યરાશિનો કદી ઉચ્છેદ થતો નથી. વળી, અતીત કાળ અને અનાગત કાળનું પરિમાણ સરખું છે, તેમજ અતીત કાળમાં ભવ્યોનો અનંતમો ભાગ જ સિદ્ધ થયો છે, જે નિગોદના જીવોનો અનંતમો ભાગ જ છે; તેથી અનાગત કાળમાં પણ તેટલો જ ભાગ સિદ્ધ થઈ શકશે, કારણ કે તેનું પરિમાણ અતીત કાળ જેટલું જ છે. તેથી સંસારમાંથી કદી પણ ભવ્ય જીવોનો ઉચ્છેદ સંભવતો નથી, સંપૂર્ણ કાળમાં પણ ભવ્ય જીવોના ઉચ્છેદનો પ્રસંગ આવશે જ નહીં. ભવ્યો અનંત છે અને સર્વ કાળ મળીને પણ તેમનો અનંતમો ભાગ જ મુક્ત બને છે એ વસ્તુની સિદ્ધિ કેવી રીતે થાય છે? આ પ્રશ્નનો ઉત્તર એમ છે કે જેમ કાળ અને આકાશ અનંત છે, તેમ ભવ્ય જીવો પણ અનંત છે અને જેમ કાળ અને આકાશનો ઉચ્છેદ થતો નથી, તેમ ભવ્ય જીવોનો પણ ઉચ્છેદ થાય નહીં; માટે માનવું જોઈએ કે ભવ્ય જીવોનો અનંતમો ભાગ જ મુક્ત થાય છે.' ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૮૨૭-૧૮૩૦
‘एवं भव्बुच्छेतो कोट्ठागारस्स वावचयतो त्ति । तं णाणंतत्तणतोऽणागतकालंवराणं व ।। जं चातीताणागतकाला तुल्ला जतो य संसिद्धो । एक्को अणंतभागो भव्वाणमतीतकालेणं ।। एस्सेण तत्तियो च्चिय जुत्तो जं तो वि सवभब्वाणं । जुत्तो ण समुच्छेदो होज्ज मता किध मतं सिद्धं ।। भव्वाणमणंतत्तणमणंतभागो व किध व मुक्को सिं । कालादओ व मंडिय! मह वयणातो व पडिवज्ज ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org