Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૯
૫૯ જેમ દ્રવ્યપણું સમાન છતાં પણ જીવત્વ અને અજીવત્વનો ભેદ છે, તેમ જીવપણું સમાન છતાં પણ ભવ્યત્વ તથા અભવ્યત્વનો ભેદ છે.'
જીવ અને અજીવ બે દ્રવ્ય છે, છતાં જેમ એક દ્રવ્ય જીવ કહેવાય છે, બીજું અજીવ કહેવાય છે; તેમ બધા જીવો જીવત્વ ધર્મથી એકસરખા હોવા છતાં ભવ્યત્વઅભવ્યત્વના કારણે જીવોમાં ભવ્ય-અભવ્યના ભેદો મૂળથી જ છે. કેટલાક ગુણધર્મો એવા હોય છે કે જે ભિન્ન ભિન્ન પદાર્થોમાં સમાનપણે હોય છે. દા.ત. આત્મા અને આકાશ એ બે દ્રવ્યો છે. જીવ અને આકાશ અને દ્રવ્યત્વ, પ્રમેયત્વ, યત્વે આદિ ધર્મોના કારણે સમાન છે; છતાં જીવત્વ અને અજીવત્વ, ચેતનત્વ અને અચેતનત્વ આદિ રૂપે જીવ અને આકાશમાં સ્વભાવભેદ છે. જીવ અને આકાશ બન્નેમાં દ્રવ્યપણું સમાન છતાં જેમ જીવત્વ અને અજીવત્વરૂપે જીવ અને આકાશમાં સ્વભાવભેદ છે, તેમ બધા જીવો જીવત્વને કારણે સમાન હોવા છતાં ભવ્યત્વ અને અભવ્યત્વના કારણે ભવ્ય અને અભવ્ય એવો જીવમાં સ્વભાવભેદ રહેલો છે.
આ ભેદ સ્વભાવથી છે. ભવ્યત્વપણું, અભવ્યત્વપણું એ કર્મજન્ય ભેદ નથી. નારકીપણું, દેવપણું એ કર્મજન્ય ભેદો છે. જીવ પોતે કરેલાં કર્મના કારણે તે ક્યારેક નરકમાં જાય છે, ક્યારેક સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી પછી બીજી ગતિમાં જન્મ લે છે. તે પછી નારકીપણું, દેવપણું નથી રહેતું, માટે આ કર્મકૃત ભેદ છે. પરંતુ ભવ્યઅભવ્યપણું એ કર્મકૃત ભેદ નથી પણ સ્વભાવજન્ય ભેદ છે. વળી, નારકીપણું, દેવપણું વગેરે કર્મજન્ય હોવાથી એક જ જીવ ક્યારેક નારક બને છે તો ક્યારેક દેવ પણ બને છે; પરંતુ ભવ્ય જીવ ક્યારે પણ અભવ્ય નથી બનતો અને અભવ્ય જીવ ક્યારે પણ ભવ્ય નથી બનતો, કારણ કે આ ભેદ સ્વાભાવિક છે.
જેમ એક જ છોડમાં ઊગેલા મગમાં પણ બે ભેદ હોય છે. મગ બાફવા મૂકવામાં આવે ત્યારે મગના અમુક દાણા સીઝે છે, જ્યારે અમુક દાણા બિલકુલ સીઝતા નથી. કલાકો સુધી પાણીમાં ઊકળતા જ રહે, છતાં પણ તે નથી સીઝતા. તેવા મગને કોરડુ મગ કહેવાય છે. આ ભેદ સ્વભાવથી છે. તે મગની જાતિ જ એવી છે કે જેથી તે કોરડુ જ રહે છે, તે ક્યારે પણ સીઝતા જ નથી. તેમ ભવ્ય અને અભવ્યના ભેદ સ્વભાવના કારણે મૂળભૂત ભેદો છે. ભવ્ય મોક્ષે જઈ શકે છે, જ્યારે અભવ્ય ક્યારે પણ મોક્ષે જતો નથી, સિદ્ધ થતો નથી. કોરડુ મગ કદી પણ સીઝતા જ નથી, તેમ અભવ્ય જીવ ક્યારે પણ સિદ્ધ થતો જ નથી. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, “અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૨૭
'द्रव्यभावे समानेऽपि जीवाजीवत्वभेदवत् । जीवभावे समानेऽपि भव्याभव्यत्वयोभिदा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org