Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૨
છે. આત્મા શાસ્ત્ર - વિવેચન પણ સામાન્ય સ્થિતિનાં જ બંધાય છે. અત્યંત તીવ્ર અધ્યવસાયમાં જ ઉત્કૃષ્ટ સ્થિતિનાં કર્મો બંધાય છે. આ રીતે જીવ પ્રત્યેક સમયે કર્મ બાંધે છે. દરેક સમયનું દરેક કર્મ ભિન્ન ભિન્ન છે, સ્વતંત્ર છે. જેમ એક પ્રવાહબદ્ધ નદીનું પાણી ગામે ગામે જુદાં જુદાં નામથી ઓળખાય છે. ગામના નામ પ્રમાણે અથવા તો કોઈ અલગ નામથી ઓળખાય છે, પરંતુ મૂળમાં જોઈએ તો પ્રવાહથી પાણી એક જ છે. જે ગંગા સમુદ્રમાં મળી રહી છે અને જે ગંગા ગંગોત્રીમાંથી નીકળી રહી છે તે પ્રવાહથી એક જ છે. એમ એક કર્મ અત્યારે બાંધ્યું, એક આગલા સમયે બાંધ્યું, એક ગઈ કાલે, એક એનાથી પણ પહેલાં, એક કર્મ ગત જન્મમાં, વળી એક એનાથી પણ પહેલાંના જન્મમાં, હજી એનાથી પણ પહેલાંના જન્મમાં - એમ અનંત જન્મોમાં જીવે અનંતાં કર્મો બાંધ્યાં છે. આ અનંત કર્મોમાં પ્રથમ કયા કર્મનો બંધ ક્યારે થયો એ શોધવું સંભવિત નથી, કારણ કે નિગોદ અવસ્થામાં જ અનંતા જન્મ-મરણ થયાં છે અને નિગોદમાંથી બહાર નીકળ્યા પછી આ ચાર ગતિની ઘટમાળમાં પરિભ્રમણ કરતાં કરતાં પણ અનંત જન્મ-મરણ વીતી ગયાં છે. હવે જો કર્મબંધની પરંપરાનો વિચાર કરવામાં આવે તો તેનો અંત કશે પણ ન મળી શકે, માટે જીવાત્મા સાથે કર્મનો સંબંધ પરંપરાથી અનાદિ સિદ્ધ થાય છે. તે છતાં અત્યારે જીવ ઉપર ૭૦ કોડાકોડી સાગરોપમ પહેલાંનું તો એક પણ કર્મ રહ્યું નથી. તે કર્મો પોતપોતાની સ્થિતિ પૂરી થઈ ગયા પછી તો ક્ષય થઈ જ ગયાં છે. અનાદિ કાળથી કેટલાં બધાં કર્મો બંધાયાં છે અને તે બધાં કર્મો ક્ષય પણ થયાં જ છે.
આ પ્રમાણે કર્મ પરંપરાથી અનાદિ છે, તે છતાં વ્યક્તિગતરૂપે અનાદિ નથી. કર્મનો નાશ નિર્જરા વડે થતો જ જાય છે અને વળી, બીજાં નવાં કર્મો બંધાતાં પણ જાય છે. એટલે જ જીવ કર્મથી સદંતર મુક્ત થઈ શક્યો નથી. જૂનાં કર્મો ક્ષય થતાં જાય છે અને નવાં કર્મો બંધાતાં જાય છે. જૂનાં હજી પૂરાં ક્ષય ન થયાં હોય તે પહેલાં નવાં કર્મો તો બંધાયાં જ હોય, કારણ કે જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિ તો સતત ચાલુ જ રહે છે. જો એ પ્રવૃત્તિ ન અટકે તો કર્મનો બંધ કઈ રીતે અટકી શકે? પરંતુ આ ઉપરથી એમ શંકા ન કરવી કે જો બંધ સતત ચાલુ જ છે તો પછી મોક્ષ કઈ રીતે થશે? મોક્ષ થઈ ન શકે એવો સંશય કરવા યોગ્ય નથી. જીવનો મોક્ષ અવશ્ય થઈ શકે છે.
જીવ અને કર્મનો સંયોગ છે. જ્યાં સંયોગ હોય છે ત્યાં વિયોગ પણ થાય જ છે. જેનો સંયોગ થાય તેનો વિયોગ થાય જ છે. આંશિક નિર્જરામાં અમુક પ્રમાણમાં કર્મનો વિયોગ થાય છે, પણ સંવર ન હોવાથી ફરી નવાં કર્મનો સંયોગ થયા કરે છે. આમ હોવા છતાં જીવાત્માનો કર્મપુદ્ગલની સાથેનો સંયોગ સર્વથા નષ્ટ પણ થઈ શકે છે, અર્થાત્ સદંતર વિયોગ થઈ શકે છે. કર્મના આ સંપૂર્ણ વિયોગને જ મોક્ષ કહેવાય છે. જીવ જો નવીન કર્મોનું બંધન ન થવા દે અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરતો જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org