Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન છે. સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય તે જ મોક્ષ છે. સર્વ કર્મોનો પ્રકૃષ્ટપણે સંપૂર્ણતઃ સર્વથા નાશ થવો તેને જ મોક્ષ કહ્યો છે.
જ મોક્ષ કહ્યો છે. ધર્મની ઉત્પત્તિને સંવર, વૃદ્ધિને નિર્જરા અને પૂર્ણતાને મોક્ષ કહે છે. વાસ્તવમાં આત્મશુદ્ધિ જ ધર્મ છે, તેથી એમ પણ કહી શકાય કે શુદ્ધિની ઉત્પત્તિ તે સંવર, શુદ્ધિની વૃદ્ધિ તે નિર્જરા અને શુદ્ધિની પૂર્ણતા તે મોક્ષ છે. ભેદજ્ઞાન થવું અને આત્માની અનુભૂતિપૂર્વક શુદ્ધિની ઉત્પત્તિ થવી તે ભાવસંવર છે અને તેના નિમિત્તે કર્મો આવતાં રોકાય તે દ્રવ્યસંવર છે. આત્મધ્યાનરૂપ શુદ્ધોપયોગથી શુદ્ધિની વૃદ્ધિ થવી તે ભાવનિર્જરા છે અને તે નિમિત્તે પૂર્વબદ્ધ કર્મોનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે. આત્મસ્વભાવની પૂર્ણ શુદ્ધિનું પ્રગટવું તે ભાવમોક્ષ છે અને તદનુસાર સંપૂર્ણ દ્રવ્યકર્મોથી મુક્ત થઈ જવું તે દ્રવ્યમોક્ષ છે. જેમ વૃક્ષની ઉત્પત્તિ વિના તેની વૃદ્ધિ અને પૂર્ણતા સંભવતી નથી, તેમ આત્મશુદ્ધિની ઉત્પત્તિ વિના તેની વૃદ્ધિ અને પૂર્ણતા સંભવતી નથી. તેથી નિર્જરા સંવરપૂર્વક જ હોય છે.
સંવર અને નિર્જરા દ્વારા સર્વ કર્મો નષ્ટ કરી, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લેવું એ મોક્ષ છે. આત્માની સાથે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ અનાદિથી લાગેલાં છે. આ કર્મોના કારણે આત્માના સ્વાભાવિક ગુણ પ્રગટ થઈ શકતા નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ આત્માના ગુણો છે. આઠ કર્મોનો નાશ થવાથી આત્મા ઉક્ત ગુણો પ્રાપ્ત કરે છે અને તે સદાને માટે સંસારના બંધનથી છૂટી જાય છે.
જીવ રાગાદિ વિભાવ કરે તો તેને કર્મબંધ થાય છે અને સ્વભાવનું અવલંબન લે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જીવ રાગાદિ વિભાવભાવ કરે તો તે શુભાશુભ કર્મને ગ્રહણ કરે છે અને એ કર્મો પોતાના ઉદયકાળે તેને તે પ્રકારે ફળ આપે છે. શુભાશુભ કર્મ જીવને સુખ-દુઃખરૂપ ફળ આપી તેનાથી છૂટાં પડે છે. કર્મયુક્ત એવો જીવ પોતે કરેલાં શુભાશુભ કર્મનાં સુખ-દુઃખાદિ ફળનો ભોક્તા બને છે. જેમ શુભાશુભ કર્મ સફળ છે, તેમ તેની નિવૃત્તિ પણ સફળ છે. જીવ સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થ દ્વારા શુભાશુભ કર્મની નિવૃત્તિ કરે તો તેનું ફળ અવશ્ય મળે છે અને તે ફળ મોક્ષ છે. જીવ સર્વ કર્મથી નિવૃત્ત થાય તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આના ઉપરથી મોક્ષ છે એમ સિદ્ધ થાય છે.
કેટલાક લોકો આત્માના બંધ અને મોક્ષનો અસ્વીકાર કરે છે. તેઓ કહે છે કે જીવદ્રવ્ય અમૂર્ત હોવાથી આકાશની જેમ અબદ્ધ અને અમુક્ત જ હોવું જોઈએ. આકાશ કોઈ વસ્તુથી બંધાતું નથી. જો આકાશમાં બંધ નથી તો તેની મુક્તિ પણ નથી, કારણ કે મુક્તિ બંધસાપેક્ષ હોય છે. મોક્ષ થવા માટે પહેલાં બંધ હોવો જરૂરી છે. બંધ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org