________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૧ સ. જેના વચનને સમજી શકાય નહિ, તેના શિષ્ય બની જવાની તેમણે પ્રતિજ્ઞા કરી હતી.
એ જ વાત છે, પણ એ પ્રતિજ્ઞાને પાળવામાં એ જો અપ્રમાણિક બને તો કોઇ એમને બલાત્કારે શિષ્ય બનાવી શકે તેવું નહોતું. તેઓ જો પોતાની કરેલી પ્રતિજ્ઞાને બીનવફાદાર નિવડે, તો તેમની પ્રતિજ્ઞાનું તેમની પાસે પાલન કરાવી શકાય એવા સંયોગો જ નહિ હતા. વળી એવા સંયોગો જરૂર હતા, કે જે સંયોગો એમને જો એમની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ઢીલા બનવું હોય, તો ઢીલા બનાવવામાં અને પ્રતિજ્ઞાનો ભંગ કરાવવામાં પણ સહાયક બની શકે. એ સંયોગોનો વિચાર કરો. શ્રી હરિભદ્ર પુરોહિતને જ્યારે સાંભળેલી ગાથાનો ભાવ સમજાયો જ નહિ, એટલે એમણે એ ગાથાના ઉચ્ચારનારની પાસે જવાનો નિર્ણય કર્યો. એ મકાનમાં સાધ્વીઓનો નિવાસ હતો. એક વયોવૃદ્ધ સાધ્વીજી રાત્રિના સમયે સ્વાધ્યાય કરતાં હતાં અને એ સ્વાધ્યાય દરમ્યાન જ પેલી વાવિવશ' આદિપદવાળી ગાથા બોલાઇ હતી. શ્રી હરિભદ્ર પુરોહિત એ સાધ્વીજીની પાસે પહોંચ્યા અને જે માથાનો અર્થ પોતાને સમજાયો નહોતો, તે ગાથાનો અર્થ સમજાવવાની વિનંતિ કરી. એ વયોવૃદ્ધ સાધ્વીજી પણ મર્યાદાશીલ હતાં. એમને લાગ્યું કે - આમને એ ગાથાનો અર્થ મારાથી કહેવાય નહિ. આમને તો ગુરૂમહારાજની પાસે જ મોક્લવા જોઇએ. આથી એ વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી હરિભદ્ર પુરોહિતને કહે છે કે- “જો એ ગાથાનો અર્થ જાણવો હોય તો જાવ અમારા ગુરૂ મહારાજ પાસે.' વિચાર કરો સંયોગોનો. ગાથા બોલનાર કોણ? જૈન અને તેમાંય વયોવૃદ્ધ સાધ્વી, જ્યારે શ્રી હરિભદ્ર પુરોહિત એટલે શ્રી જૈનદર્શનના કટ્ટર વિરોધી અને સમર્થ વિદ્વાન પુરૂષ ! આમ છતાંય, એ નહિ સમજાએલી ગાથાને બોલનાર સાધ્વીજીની પાસે જઇને શ્રી હરિભદ્ર પુરોહિત એમને નમે છે, નહિ સમજાએલી ગાથાનો અર્થ પૂછે છે અને એ ગાથાનો અર્થ પોતાને સમજાયો નહિ એ માટે જ તેમના શિષ્ય બની જવાની તૈયારી દેખાડે છે !