________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૬૧
વૈરાગ્ય એ સંસારના મૂળમાં જ ઘા કરે છે, અનાદિની મોહવાસનાઓને તોડી નાંખે છે. વૈરાગ્યના માર્ગમાં શ્રી વીતરાગદેવનું શરણ છોડી અન્યનું શરણ સ્વીકારવું, એ હાથમાં આવેલ નાવને છોડી ભરસમુદ્રમાં પત્થરની શિલાને પંકડવા જેવું છે. શ્રી વીતરાગદેવનું શરણ એટલે તેમણે ફરમાવેલી આજ્ઞાનું પાલન. શ્રી વીતરાગદેવની આજ્ઞા જાણવાનું સાધન આગમ છે અને એ આગમનું રહસ્ય સમજાવનાર ગીતાર્થ મુનિવરો છે. તેઓની નિશ્રા સ્વીકારી જે કોઇ આત્માઓ દત્તચિત્તે શ્રી નિભાષિત ગ્રહણ અને આસેવન શિક્ષાનો અભ્યાસ કરશે, તે આત્માઓ મોહરાજાના મર્મોથી માહિતગાર થઇ, તેના પ્રત્યેક મર્મોને ભેદવાનું અવિકળ સામર્થ્ય પ્રાપ્ત કરી શકશે. વૈરાગ્ય એક મહાન્ સગુણ છે, એ કહેવાનું તાત્પર્ય પણ એ જ છે. વિના વૈરાગ્યે મોહની જાળમાંથી છૂટવું એ પંડિતો માટે પણ અશકય છે. શ્રી જિનપ્રવચન એ વૈરાગ્યરસનો ભંડાર છે. કલ્યાણકામી આત્માઓ તેનું ઘુંટડા ભરી ભરીને પાન કરો. એ અમૃતરસનું પાન છે અને જન્મ-રા-મરણનો વિનાશ કરવા માટેનું રસાયણ છે. શ્રી જિનવૈદ્ય તેના દાતાર છે. એ વૈદ્યના શરણે જઇ સૌ કોઇ પોતાના દુઃખને કાપવાનો અને સુખને શોધવાનો ઉદ્યમ કરો, એ જ એક અભ્યર્થના.