________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૦૧
છે. દિવ્યતાનો ધોધ વહાવવાનો, ચેતનાસભર બનવાનો આ ઉત્તમ રસ્તો છે. પ્રાર્થના ધરતી ઉપરનું એવું બળ છે, જે સ્વર્ગ ઉપર નિયંત્રણ ધરાવે છે. જીવનને નંદનવન જેવું બનાવવા માટે તેનો આશરો લઇએ.
જીવનના સર્વાગી વિકાસ માટે ને તમામ સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થનાકલાનો ઉપયોગ કરો ને ધન્ય જીવનના સ્વામી બનો.
ન જાણે કેમ, મન વળીવળીને પ્રાર્થનાનો જ વિચાર કરવા લાગી જાય છે. ધ્યાન અને પ્રાર્થનામાંથી મને વધારે શું ગમે એ પ્રશ્નનો જવાબ તરત જ આપતાં થોડી મુશ્કેલી પડે. પ્રાર્થના વિશે ઘણું વાંચ્યું. એનાં સુંદર અનુભવ પણ કર્યા. છતાં પ્રાર્થના વિશે જ્યારે પણ નવું વાચવાનું આવ્યું છે ત્યારે કોઇક નવું પ્રકાશકિરણ અવશ્ય મળ્યું છે.
પણ આ તો માનવમન ! સપાટ ધરતી પર સીધા ચાલવાનું એને ફાવે જ નહી ને ! પ્રાર્થના જેવી દિવ્ય છતાં પાર્થિવ બાબતોમાં ખૂબ જ ઉપયોગી પ્રક્રિયાને પણ સાવ યંત્રવત બનાવી દેવાનું આપણા કોઠે પડી ગયેલું છે. પછી એ એક સામાન્ય રસહીન, રોજિંદી ઘટમાળા બની જાય છે. ના કોઇ ઉલ્લાસ, ના કોઇ ચેતન. પ્રાર્થના કરવાની છે માટે કરી નાંખવાની. આનો ઝાઝો લાભ શી રીતે મળી શકે ?
એક મનોવૈજ્ઞાનિકને પ્રાર્થનામાં એટલો બધો રસ પડ્યો કે બધાં કામ છોડી દઇને આખું જીવન પ્રાર્થના કલાના સંશોધન અને ઉપાસના તરફ વાળી દીધું. ઘણા લોકો એમની પાસે માર્ગદર્શન માટે આવતા.
લગભગ બધા જ માણસોને એ પૂછતા : પ્રાર્થના વિશે તમે છેલ્લે છેલ્લે ખાસ નવું કંઇ વાંચ્યું છે કે ?
પ્રાર્થના માટે વાંચવાની શી જરૂર ? પ્રાર્થના એટલે પ્રાર્થના વળી. બસ, આટલા માટે વાંચવાની જરૂર. પ્રાર્થના એટલે પ્રાર્થના એવા એકઢાળા રાગમાં આપણે બેસી ગયા છીએ. એના વિશે ઘણાં નવા સંશોધનો થાય છે. જૂના વિધાનોનાં અવનવા અર્થો નીકળે છે. નવાનવા માણસોની અનુભૂતિઓમાંથી સાવ નવા ઉન્મેષો જાગે છે. આ બધાનો લાભ લઇએ