________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૯૭
બસ, પ્રાર્થનાનો દીવો કરવાની જ વાત છે ને ! એ જ્યારે પણ થાય ત્યારે અજવાળાં આપે જ આપે. પ્રાર્થના આત્માનીબારી છે એ એક એવું માધ્યમ છે કે જે અંધકારને હઠાવે છે ને પ્રકાશને પ્રગટાવે છે. એ આત્માને ઉજ્જવળ કરે છે ને જીવનને જ્યોતિર્મય બનાવે છે. અંતરની આરત :
મારે પ્રાર્થના કેવી રીતે કરવી જોઇએ ? સ્વામી ચિન્મયાનંદને એક જર્મન શિષ્ય પૂછ્યું.
પૂરા હૃદયથી, સાચા ભાવથી. એ સાચું પણ પ્રાર્થના કેમ બેસીને કરવી જોઇએ. એ પૂછું છું.
ફાવે તે રીતે બેસવું. વ્યવસ્થિત આસન અને એકાન્ત હોય તો સારી વાત છે. પણ એ અનિવાર્ય નથી જ. તમારા અંતરમાં પ્રાર્થના માટેનો ઊંડો ઉમેશ જાગે એ જ મહત્વનું છે.
'આ ઉમેષ એટલે અંતરની આરત. મીરાં કહેતી તેમ, ઐસી લગન લગાઓ, કહાં તું જાસી ઐસી લગન લગાઓ. રોમરોમમાં આ રણકાર જાગે ત્યારે પ્રાર્થનાની ઉચ્ચતમ અવધિ આવી ગઈ ગણાય. ઇચ્છાની અભિવ્યક્તિ :
કેટલાક લોકોને આવી આરત ઊગતાં વાર લાગે છે. એ પ્રાર્થનામાં સરળ ભાવે પોતાની ઇચ્છાઓ જ રજૂ કરે તો પણ ચાલે.
ઇમર્સન કહેતો : પોતાની નવી નવી ઇચ્છાઓની જાહેરાત કરતાં પહેલાં માણસે પરમાત્માએ અગાઉ કઇ કઇ ઇચ્છાઓ પૂરી કરેલી તે માટે ખૂબ આભાર માનવાનું રાખવું જોઇએ.
આવો કૃતજ્ઞતાનો ભાવ હૃદયમાં જાગે છે એટલે હૃદયમાં સાચી પ્રાર્થના માટે આપોઆપ મોકળાશ પેદા થાય છે. યાદ રાખો કે આપણી કોઇપણ ઇચ્છા પૂરી કરવાનું કામ પરમાત્મા માટે સરળ છે. માટે એની શકિત વિશે શંકા લાવ્યા વગર પ્રાર્થના કર્યે જ જવી. મનની મધુરતા ઃ