________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૩૫
જીવ, મે કરીને એવી દશાનેય પામે છે કે-ધર્મ સિવાય એને ચેન પડતું નથી. આથી જ ઉપકારિઓએ ચરમાવર્ત કાલને ધર્મયૌવનકાલ' ની ઉપમા આપી છે.
યુવાનીમાંર્ય સામગ્રીના અભાવે ભોગરાગ જન્મે નહિ વલ્કલચીરીનું ઉદાહરણ :
સામાન્ય રીતિએ એમ કહેવાય કે-જુવાની આવે એટલે ભોગરાગ આવે, પણ એવું ય બને છે કે-જુવાની આવવા છતાંય કેટલાંક કારણોસર ભોગરાગ જન્મતો નથી. તેવા પ્રકારની સામગ્રીના અભાવમાં પણ જુવાની આવવા છતાંય, ભોગરાગ જન્મે નહિ, એ સુશકય છે. જેમ આપણાં શાસ્ત્રોમાં શ્રી વલ્કલચીરી નામના એક પુણ્યાત્માનો પ્રસંગ આવે છે.
એમનો જન્મ જંગલમાં થયો હતો. એ જંગલ પણ એવું કે-પ્રાયઃ ત્યાં કોઇ સ્ત્રીનો સમાગમ જ થાય નહિ. સ્ત્રી નજરે પણ ચઢવા પામે નહિ, કેમકે-ત્યાં વટેમાર્ગુઓનો પણ ખાસ પગરવ નહિ.
બનેલું એવું કે-એના પિતા સોમચંદ્ર રાજા હતા. એ રાજા એક વાર ગવાક્ષ એટલે ઝરૂખામાં બેઠા હતા અને તેમનાં પતિભકતા રાણી ધારિણી પોતાના સ્વામીના કેશોનું સંમાર્જન કરતાં હતાં. રાજાના કેશોનું સંમાર્જન કરતાં કરતાં, રાજાના માથામાં ઉગેલો એક ધોળો વાળ રાણીના જોવામાં આવ્યો. એથી રાણીએ કહ્યું કે- 'સ્વામિન્ ! દૂત આવ્યો.' રાજાએ બધી દિશાઓએ નજર ફેરવી જોઇ, પણ દૂત જેવું કાંઇ નરે પડ્યું નહિ. એટલે રાજાએ રાણીને પૂછ્યું કે- ‘કયાં છે દૂત ?’ રાણીએ ધીરે રહીને રાજાના માથામાંના પેલા ધોળા વાળને ઉખેડ્યો અને તે રાજાના હાથમાં મૂક્યો.
માણસને પોતાના માથામાં અથવા તો પોતાના સ્નેહી આદિના માથામાં, વૃદ્ધાવસ્થાને સૂચવનારા ધોળા વાળને આવેલો જોઇને, કાંઇક વિચાર તો આવે ને ? એ ધોળા વાળના દર્શનની કાંઇકને કાંઇક અસર તો થાય ને ? તમે વિચાર કરી જૂઓ કે-તમને એ વખતે શું થાય ?