________________
૨૦૧
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
વ્યવહારને સારી રીતિએ ચલાવવાને માટે પણ જોઇએ છે, કુટુંબને નિભાવવાને માટે પણ જોઇએ છે અને ઘરના કેટલાક રિવાજોને જાળવવાને માટે પણ જોઇએ છે, તે ગુણ શું ધર્મને મેળવવામાં નહિ જોઇએ ? જરૂર જોઇએ - આમ છતાં પણ આજે કેટલાકોમાં ધર્મ પામવાને માટે પણ જે ગુણ જરૂરી ગણાય, તે ગુણ નથી. જો એ ગુણ હોત તો આજે જે પારકા દોષો અને પોતાના અછતા પણ ગુણો જોવાની ટેવ પડી છે તે પડત નહિ. આની જેમ વગર જોયે, વગર જાણ્યે, વગર તપાસ્ય, વગર વિચાર્યે નિર્ધા કરવાની ટેવ, ધર્મ પામવાને લાયક આત્માઓમાં પણ હોય નહિ, તો ધમિમાં તો હોય જ શાની ? ગંભીરતા અને ધીરતા વિના, સામાના અછતા દોષો પણ બોલાય છે, ત્યાં સામાના દબાવવા યોગ્ય દોષોને પણ હૈયામાં પચાવવાની તાકાત આવે જ ક્યાંથી ? આવશ્યક ગંભીરતાનો અભાવ અને નિન્દાવૃત્તિ, એ ભયંકરમાં ભયંકર દુર્ગુણ છે. આપણે સ્હેજ ગંભીરતા તજીએ, તેમાં ય બીજા આત્માને કેટલું નુકશાન થાય, એનો કદિ વિચાર કર્યો છે ? સજ્જન પ્રાયઃ દોષ તરફ દ્રષ્ટિ કરે નહિ અને દોષ દેખાઇ જાય, તો પણ હિત જ્માય તો જ બોલે, નહિતર ગમે તેવા પારકાના દોષને બોલે પણ નહિ. એ માટે પ્રશાન્તાત્મા વિજ્યનો પ્રસંગ દરેકે વિચારવા જેવો છે.
શ્રી વિજય શેઠનું દ્રષ્ટાંત :
આ ભરતક્ષેત્રમાં વિજ્યવર્ધન નામનું એક પુર હતું. એ પુરમાં વિશાલ નામનો એક શ્રેષ્ઠી હતો અને તે સુપ્રસિદ્ધ હતો. વિશાલ નામના એ સુપ્રસિદ્ધ શ્રેષ્ઠિને એક પુત્ર હતો એનું નામ “વિજ્ય” હતું. એ વિજ્ય, કર્યો છે ક્રોધ રૂપ યોદ્ધાનો વિજ્ય જેણે એવો પ્રશાન્તાત્મા હતો. ઉત્તમ આત્માઓ જન્મથી શાંત સ્વભાવવાળા હોય છે. સ્વભાવથી પ્રશાન્ત આવા આત્માઓને, જો સામગ્રી સુંદર મળી જાય, તો તો ક્રમશઃ તેઓનો એ ઉત્તમ સ્વભાવ ખૂબ જ ખીલી ઉઠે, એ પણ સ્વાભાવિક જ છે. મહા ભાગ્યવાન વિજ્ય માટે પણ એમ જ બન્યું છે.