________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૫૫
ઉધ્ધતાઇનાં દર્શન થાય છે. એવાઓને તો ગુરૂઓ પણ પોતાને ગમતું જ બોલનારા જોઇતાહોય છે. ધર્મને તો પ્રાય: એવાઓ માનતા જ નથી અને માને તોય ફાવતી રીતિએ જ. દેવ, ગુરૂ અને ધર્મની સાથે જેઓની આ દશા હોય, તેઓ અન્યો સાથે ઔચિત્ય પૂર્વકની નમનશીલતા રાખી શકે, એ કયી રીતિએ સંભવિત થાય એવું છે ?
સ. બને જ નહિ.
આથી ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે ‘લોકપ્રિયતા' ગુણને મેળવવાને માટે અભિલાષી બનેલા આત્માઓએ, લોકવિરૂદ્ધ કાર્યોનો પરિત્યાગ કરવા પૂર્વક ત્યાગમય દાનના અને ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયના ઉપાસક બનવા સાથે, ઉત્તમ પ્રકારના સદાચારોના પણ ઉપાસક બનવું જોઇએ. ‘લોકાપવાદભીરૂતા, દીન અને અનાથોના ઉપકારનો પ્રયત્ન, કૃતજ્ઞતા, સુદાક્ષિણ્ય, સર્વત્ર નિન્દાનો સંત્યાગ અને સાધુપુરૂષોમાં વર્ણવાદ'- એ સદાચારોની સાથે ‘આપત્તિમાં અતિશય અદીનતા' એ રૂપ સદાચાર જેટલો જરૂરી છે, તેટલો જ ‘સંપત્તિના સમાગમમાં ઔચિત્ય પૂર્વકની નમનશીલતા' રૂપ આ સદાચાર પણ જરૂરી છે. ‘આપત્તિમાં અતિશય અદીનતા' નામનો સદાચાર અને એની સાથે ‘સંપત્તિના સમાગમમાં ઉચિતપણાવાળી નમનશીલતા' નામનો સદાચાર જેનામાં હોય, તે ધર્મની પ્રાપ્તિ અને તેના પાલન માટે જરૂરી એવી લોકપ્રિયતાને જરૂર મેળવી શકે છે. શરત એટલી કે-તેવો કોઇ પાપોદય હોવો જોઇએ નહિ.
ન દીન બનો-ન ઉધ્ધત બનો
આપત્તિ જેમ અવિવેકિને અતિ દીન બનાવે છે, તેમ સંપત્તિ પણ અવિવેકિને ઉધ્ધત બનાવે છે. આપત્તિમાં દીન ન બનવું અને સંપત્તિમાં ઉધ્ધત ન બનવું, એ સામાન્ય કોટિના સદાચારો નથી. મહાપુરૂષોના સદાચારો આગળ આ સદાચારો ભલે સામાન્ય મનાતા હોય, પણ સામાન્ય મનુષ્યોની દ્રષ્ટિએ તો આ સદાચારો ઘણી જ ઉન્નત કોટિના છે. આપત્તિ