________________
૨૮૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આદમી એક જ કરે, એકી સાથે કરે, છતાં પણ આટલાં બધાં આસન કેમ ? -એમ કોઇપૂછે તો ઉત્તર શો ? સોનાં આસનોમાં મેળ હોય ? આદિથી અન્ન સુધી એકસરખું વર્તવાનું હોય, જ્યાં ઉભવાનું હોય ત્યાં બધાને ઉભવાનું અને બેસવાનું ત્યાં બધાને ક્રિયા માટે જરૂરી આસને બેસવાનું, છતાં બધાનાં આસન એકસરખાં હોય ? માનો કે માંદા વિગેરે બેઠા હોય, પણ બેસનારનું ય આસન ઢબસરનું હોય ને ? આ તો એકે આમ ટેકો દીધો હોય, બીજાનો હાથ. આમ હોય, તો ત્રીજાનો પગ જૂદી રીતિએ હોય ! એ શેનું દર્શન ? શિથિલતાનું. પહેલાં તો ક્રિયા કરવાની વાતમાં જ શિથિલતા. શિથિલતા, એ સુકૃતને દોષિત કરનારી વસ્તુ છે. શિથિલતાના યોગે કેટલીક વાર ક્રિયા ન થાય એમેય બને અને કેટલીક વાર થાય તો કહી છે તેમ ન થાય એમેય બને ઉભાં ઊભાં કરવાની ક્રિયા બેઠે બેઠે થાય, બેઠા યોગ્યાસને કરવાની ક્રિયા ટેકો દઈને વિચિત્રાસને થાય, એક ધ્યાને કરવાની ક્રિયા કરતાં બાર ધ્યાન હોય અને એ વખતે પણ ઇન્દ્રિયો કાબુમાં ન હોય, એ શું ? લાગે છે કે-આ દોષ જેટલા અંશે હોય, તેટલા અંશે તે દોષ ધર્મક્રિયાને બગાડે છે ? આટલો આટલો સમય વ્યાખ્યાનાદિ સાંભળવા છતાં પણ જવા જોઇએ તેવા જ્ઞાતા કેમ ન બન્યા ? સમયસર આવ્યા નહિ, બેઠા તેટલો વખત રીતસર સાંભળ્યું નહિ અને છેવટ સુધી ટકયા નહિ ! શરૂની ભૂમિકા આદિ સંભળાય નહિ એટલે વિષયનો પૂરતો ખ્યાલ આવે નહિ, છેવટ સુધી હાજરી નહિ એટલે વિષયનો ઉપસંહાર સંભળાય નહિ અને સાંભળતાં પૂરતી દત્તચિત્તતા નહિ એટલે વિષયના મર્મ સુધી પહોંચાય નહિ ! સમયસર આવવું નહિ, દત્તચિત્તે સાંભળવું નહિ, સાંભળેલું વિચારવું નહિ અને વિષયને સાંગોપાંગ સમજવા જેટલા ટકવું નહિ, એમાં શિથિલતા પણ કારણ રૂપ છે. વર્ષના બારે માસમાં, સામગ્રી હોય ત્યારે, નિયમિત શ્રવણ કરનારા કેટલા ? જેનો એક પણ દિવસ ન પડ્યો હોય એવા કેટલા મળે ?
સ. જવલ્લે કોઇ હોય તો.