________________
૧૪૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
નહોતાં. આથી રથને જોડેલા અશ્વોને જોઇને વલ્કલચીરીએ રથિકને કહ્યું કે- ‘તાત ! આ મૃગોને તમે કેમ રથે જોડ્યા છે ? મુનિને આ છાજે નહિ.' રથિકે સ્મિત કરીને કહ્યું કે- ‘આ મૃગલાઓનું આ જ કામ છે, એટલે આમાં દોષ જેવું કાંઇ નથી.'
આ વાતો ઉપરથી તમે સમજી શકશો કે વલ્કલચીરી કેટલો બધો મુગ્ધ હતો ? તેના આવા મુગ્ધપણાના યોગે જ, તેને પહેલાં ભોગરાગ ગાવે એવી સામગ્રી મળી હતી તોય, તેનામાં ભોગરાગ જાગ્યો નહોતો. પેલી વેશ્યાઓની સાથેનો પહેલો પરિચય, એ ભોગરાગ જગાવે એવી સામગ્રી હતી ને ? આ જ રીતિએ, જીવ ચરમાવર્તને પામેલો હોય તો પણ, જો એ અતિ મુગ્ધ હોય છે, તો તેને શુદ્ધ ધર્મનો રાગ પ્રગટાવે તેવી સામગ્રી મળી જાય તોય, તે તરત ધર્માગને પામી શકતો નથી. ચરમાવર્તને પામેલા આત્માઓમાં આવા મુગ્ધ આત્માઓ પણ ન જ હોય, એવું તો કોઇ પણ સુજ્ઞ કહી શકે નહિ. ખૂબી તો એ છે કે-વલ્કલચીરીનો જીવ એ જ ભવમાં ધર્મરાગથી માંડીને તે શુદ્ધ ભાવધર્મને પામી, ક્ષપકશ્રેણિને પામી, વીતરાગ બની, કેવલજ્ઞાન પામીને મોક્ષને પામેલ છે. જે ભવમાં એ જીવ મોક્ષ રૂપ પરમ લર્ન પામનાર છે, તે ભવની આ મુગ્ધતા છે !
પછી રથિકે વક્કલચીરીને લાડવા ખાવાને માટે આપ્યા. વલ્કલચીરી તે ખાઇને તેના આસ્વાદથી ખૂબ આનંદમગ્ન બન્યો થકો કહેવા લાગ્યો કે‘પોતનાશ્રમમાં રહેનારા મહર્ષિઓએ આવાં જ વનફલો મને આપ્યાં હતાં અને તે મેં ખાધાં હતાં.'
આ રીતિએ વાતો કરતા કરતા તેઓ ચાલ્યા જતા હતા, ત્યાં રસ્તે તેમને એક બળવાન ચોર મળ્યો. એ ચોર અને રથિક વચ્ચે યુદ્ધ જામ્યું. તેમાં રથિકે ગાઢ પ્રહાર કરીને તે ચોરને હણી નાખ્યો. ચોરે મરતાં પહેલાં રથિકને કહ્યું કે- ‘દુશ્મનનો પણ ઘા જ વખાણાય છે. પ્રહારથી તેં મન જીતી લીધો, તેથી હું તુષ્ટ થયો છું. અહીં મારૂં જે વિપુલ ધન છે, તેને તું ગ્રહણ કર !' આથી ત્રણેય મળીને ચોરનું ધન રથમાં ચઢાવ્યું.