________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૯૧
કોઇપણ વસ્તુ ઇષ્ટ હોઇ શકે જ નહીં. તેવા ઇષ્ટ ફળની સિદ્ધિને માટે પરમાત્માની નિરન્તર પ્રાર્થના કરવી અને તેને માટે સતત ઉદ્યમ કરવો એ દરેક ભવભીરૂને જરૂરનું છે. અખંડ નિરાબાધ સુખ તેથીજ પ્રાપ્ત કરી શકાય તેમ છે. માટે એ યાચના દરરોજ કરવાની જે રૂઢી ચૈત્યવંદનક્રિયામાં રાખવામાં આવેલી છે તે ઉપર આપણું લક્ષ યથાર્થપણે રાખવું અને શુદ્ધ ભાવથી તે મુજબ વર્તવું.
આ ત્રણે અપૂર્વ યાચનાઓ સફળ થાય તેટલા માટે હવે પછીની ગાથામાં જે વસ્તુનો ત્યાગ કરવો જોઇએ અને જેનો આદર કરવો જોઇએ તે દર્શાવીને ત્યાગ અને આદર આપણે સંપ્રાપ્ત કરીએ તે હેતુમાટે તે બાબતની વિશેષ યાચના કરવાનું જણાવવામાં આવેલું છે. જે આચરણ લોકવિરુદ્ધ છે તેનો ત્યાગ કરવો. વડીલનો સત્કાર કરવો, પરમાર્થ કરવા હંમેશા તત્પર રહેવું, શુદ્ધ ગુરૂનો સમાગમ રાખવો, અને તેમનાં વચન પ્રમાણે આપણું વર્તન રાખવું એ કૃત્યો ઉપર જણાવેલી ત્રણ યાચના પરિપૂર્ણ થવા માટે ખાસ જરૂરનાં હોવાથી જ્યાંસુધી સંસારમાં પરિભ્રમણ. કરવાનું મટે નહીં અને ઇષ્ટફળ-મોક્ષ સંપ્રાપ્ત થાય નહીં ત્યાંસુધી અખંડપણે આપણે કર્યા કરીએ એવી વિશેષ યાચના પરમકૃપાળુ પ્રભુની પાસે કરવામાં આવે છે. આ યાચનાઓ હમેશાં કરવાથી આપણી જીંદગીનું દ્રષ્ટિબિન્દુ કયાં છે અને તે સંપ્રાપ્ત કરવા માટે શાની શાની જરૂર છે તે આપણે પ્રગટપણે જોઇ શકીએ છીએ અને તે જોઇને આપણું વર્તન તે પ્રમાણે ચલાવવામાં ઉદ્યમ કરવા તત્પર થઇ શકીએ છીએ. તેવો ઉદ્યમ કરવામાં આવે તો પરમાત્માની કૃપાથી તે સફળ થયા વિના રહેજ નહીં. મહાપુરૂષોનો પ્રભાવ અવર્ણનીય છે. તેમના પ્રભાવથી જરૂર ફળપ્રાપ્તિ - થાય જ છે.
આ પ્રકારનાં ઉત્તમ પરિણામવાળી ક્રિયા હમેશાંનિશ્ચલ ધ્યાનથી અનન્ય દ્રષ્ટિથી કરવી આપણને ઉચિત છે. - ઇષ્ટફળની પ્રાપ્તિ કરવામાં સબળ સહાયકારી વિશેષ યાચના