________________
અધ્યાય-૫ : સૂત્ર-૨
૩૩
પહેલા જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય ધર્માદિ દ્રવ્યો અને અસકલ પર્યાયો છે એમ (અધ્યા. ૧/સૂ. ૨૭માં) કહ્યું છે. અર્થાત્ મતિ અને શ્રુતથી બધાં દ્રવ્યોનું જ્ઞાન થાય છે પણ બધા પર્યાયોનું ગ્રહણ થતું નથી.
તે દ્રવ્યોનું ગ્રહણ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી અને શ્રુતથી થાય છે. કારણ કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિય-અનીન્દ્રિય દ્વારા થાય છે. આથી ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી થતા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો છે પણ સર્વપર્યાયથી યુક્ત દ્રવ્યો નથી. આથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવિશુદ્ધ કહેવાય છે. સર્વ પર્યાયોથી સહિત સર્વ દ્રવ્યોનું ગ્રહણ કેવળજ્ઞાનથી થાય છે માટે કેવળજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાન છે. તેથી સર્વ વિશેષણોથી રહિત એવા કેવળજ્ઞાન વડે દ્રવ્યોનું યથાર્થ જે જ્ઞાન થાય છે તે સ્વનિમિત્ત છે એટલે વિશુદ્ધ કેવળજ્ઞાનથી દ્રવ્યોનું થતું જ્ઞાન છે તેને સ્વનિમિત્તથી દ્રવ્યની ઓળખાણ થઈ કહેવાય છે અને મતિ-શ્રુતથી જે દ્રવ્યોનું જ્ઞાન થાય છે તે ઈન્દ્રિયાદિથી થતું હોવાથી પરનિમિત્ત કહેવાય છે.
આમ ભાષ્યકારે પહેલા અધ્યાયમાં આ સ્વનિમિત્ત અને પરનિમિત્ત દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે. આ બતાવવાના અભિપ્રાયથી જ આ પંક્તિ મૂકી છે. આથી અમારું નિરૂપણ બરાબર છે, સાધાર છે. ભાગ્યકારના અભિપ્રાયને અનુસરનારું છે. આ રીતે ધર્માદિ દ્રવ્યો સ્વનિમિત્ત અને પરનિમિત્તથી ઓળખાય છે. આ પ્રતિપાદન દ્રવ્યાસ્તિકાયનયના અભિપ્રાયથી સમજવું.
અવતરણિકા :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ દ્રવ્યો છે. આવું જ્ઞાન બીજા સૂત્ર દ્વારા થયું. હવે એના વિશે ત્રણ પ્રશ્નો થાય છે.
(૧) શું ધર્માદિ પાંચે દ્રવ્યો ક્યારે પણ પોતાના સ્વભાવથી મુક્ત થાય છે? અર્થાત્ ધર્માદિ દ્રવ્યોનો સ્વભાવ બદલાય કે નહિ ?
(૨) કોઈ પણ કાલે આ પાંચ જ દ્રવ્ય રહે કે એ દ્રવ્યો પાંચ સંખ્યામાં ફેરફાર થાય ? અર્થાત્ પાંચની સંખ્યા રહે પણ ખરી અને ન પણ રહે. આવું સંભવે ?
(૩) આ દ્રવ્યો મૂર્ત-રૂપાદિવાળાં છે કે અમૂર્ત-રૂપાદિ વગરનાં છે? જિજ્ઞાસુના આ સંશયોને દૂર કરવા જ જોઈએ. આથી
(૧) ધર્માદિ દ્રવ્યો સ્વભાવથી અત થતાં નથી. (૨) ધર્માદિ દ્રવ્યો પાંચના પાંચ જ રહે છે. (૩) ધર્માદિ ચાર દ્રવ્યો અમૂર્ત છે અને પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. આવો દ્રવ્યો વિશેનો નિશ્ચય રહે માટે જ સૂત્રકાર સૂત્રનો પ્રારંભ કરે છે