________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોડા પર સવારી કરી. શસ્ત્રો તો મારી પાસે હતાં જ. મેં ચારેનો પીછો કર્યો. તેમને ખ્યાલ નહોતો આવ્યો કે હું એમની પાછળ છું! તે ચારે અહીં આવવા નીકળ્યા હતા. રસ્તામાં એક વાવ આવે છે.. દશ માઈલ પછી રસ્તાની જમણે સો હાથ છેટે વાવ છે. એ ચારે વાવ તરફ વળ્યા. મેં રસ્તા પર જ એક વૃક્ષની નીચે ઘોડાને બાંધ્યો અને હું ચાલતો વાવ તરફ ગયો. પેલા ચાર, ઘોડાઓને વાવ પાસેનાં વૃક્ષો નીચે બાંધીને, વાવનાં પગથિયાં પર બેઠા હતા. શરાબ પીવાતો હતો. એમાં જે સારંગ હતો, એણે ખૂબ દારૂ પીધો... બકવાસ કરવા માંડ્યો: “અરે, સેનકુમારને તો હું એકલો જ તલવારને એક ઝાટકે પૂરો કરી નાંખીશ.”
બીજો મિત્ર બોલ્યો: ‘આપણે ત્યાં પહોંચીશું ત્યારે એ તો ઊંઘતો હશે. હું એવો ઘા કરીશ કે એ જાગશે જ નહીં!”
બધા હસવા લાગ્યા.
બધાને નશો ચઢયો હતો. મારું લોહી ગરમ થયું હતું. એ ચારેનાં શસ્ત્રો ઘોડાઓ ઉપર હતાં. એમની પાસે તો માત્ર દારૂની મશકો હતી!
પહેલાં તો મેં એ ચારેને પરલોકે મોકલવાનો વિચાર કર્યો. પરંતુ મને આપનો ભય લાગ્યો. મેં એમને ખોખરા કરી વૃક્ષો સાથે બાંધી દેવાનો નિર્ણય કર્યો!
હું વાવાઝોડાની જેમ એ ચારે પર ત્રાટક્યો. એકને સખત લાત મારીને, જમીન ચાટતો કરી દીધો. બીજાના મોઢા પર ઘણ જેવો મુક્કો મારીને પછાડી દીધો. બીજા બે ભાગવા માંડ્યા. મેં બે હાથે પકડીને, એ બેનાં માથાં જોરથી ભટકાવીને જમીન પર પછાડી દીધા. એ બંનેને કળ વળે એ પહેલાં, મારી ખલેચીમાંથી દોરડું કાઢી, પહેલા બેને બાંધી દીધા. બાંધ્યા પછી, એક વડના ઝાડની ડાળી તોડી લાવ્યો અને એક એકને એવા ફટકાર્યા છે કે ભાનમાં આવતાં ૨૪ કલાક તો લાગશે! એમના ચારે ઘોડાઓને નગર તરફ ભગાડી મૂક્યા. અને હું અહીં આવવા નીકળ્યો. રસ્તામાં પાછળ જોતો જોતો આવ્યો.
એ લોકોની યોજના નિષ્ફળ ગઈ.
કુમાર, તમે સરળ છો. રાજમહેલોના કાવાદાવા ગજબ હોય છે. આપ વધુ પડતો વિશ્વાસ ધરાવો છો. ભલે આજ આપ મારા પર નારાજ થાઓ, પણ આજે હું આપને ખરેખરી વાત સંભળાવી દેવાનો છું.”
કુમાર, સિંહની વાત સાંભળીને, સ્તબ્ધ થઈ ગયો. તેણે સિંહનો હાથ પોતાના હાથમાં લઈને, ખૂબ ભાવસભર શબ્દોમાં કહ્યું : 'સિંહ, આજે તેં મારા પ્રાણ બચાવ્યા છે. તને સાથે ન લાવીને મેં ભૂલ કરી છે. પણ મને બીજી રીતે વિચારતાં એમ પણ લાગે છે કે મેં તને સાથે નહીં લાવીને સારું કર્યું છે! જો તું સાથે આવ્યો હોત તો આપણે બંને અહીં ઊંધી ગયા હોત.... અને એ દુષ્ટો આપણને ઊંઘતા જ વધેરી નાખત.
ભાગ-૩ ૪ ભવ સાતમો
૧032
For Private And Personal Use Only