________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્લીપતિએ રસોઈયા સામે જોઈને પૂછ્યું: “તું સ્પષ્ટ વાત કર. રાજકુમારીનું અપહરણ કેવી રીતે થયું?”
રસોઈયાએ કહ્યું: “સાંભળો, યુદ્ધ શરૂ થયું. શાન્તિમતીને તંબૂમાં મૂકીને, રાજકુમાર ભીલ-સેના સાથે લડવા ગયા. સાર્થના માણસો બીજી દિશા તરફ ભાગવા લાગ્યા. ઘણા ભીલ-સૈનિકો સાથેના પડાવમાં ધસી આવ્યા હતાં. સાર્થના રક્ષકો પાછા પડતાં જતાં હતાં, સાર્થની સારભૂત વસ્તુઓ ભીલ-સૈનિકો લૂંટવા લાગ્યા. એ વખતે શાન્તિમતી તંબૂની બહાર નીકળી અને “આર્યપુત્ર.. આર્યપુત્ર...” વિલાપ કરતી અટવી તરફ દોડી. રાજકુમારે મને જતી વખતે સુચના આપી હતી કે, “આને એકલીને બહાર ના જવા દેવી.' એટલે હું એની પાછળ દોડ્યો પણ માર્ગમાં એક ભીલ-યુવકે મારા માથા પર લાકડાનો પ્રહાર કર્યો. હું જમીન પર પડી ગયો. હું મૂછિત થઈ ગયો.
થોડીવાર પછી મને ચેતના આવી. હું ઊભો થયો. મારી ગભરામણનો પાર ન હતો. હું રાજકુમારીને ચારે બાજુ શોધવા લાગ્યો. સર્વ દિશાઓમાં ખોળવા લાગ્યો છતાં રાજકુમારી મને ના મળી. ક્યાંય જોવામાં ના આવી. હું નિરાશ બની ગયો. મારું મન ખૂબ વ્યથિત થઈ ગયું. “રાજ કુમારને હું શો જવાબ આપીશ?' હું વિહ્વળ બનીને, અહીં દોડી આવ્યો.”
રસોઈયાને મુખે રાજકુમારી ગુમ થયાની વાત સાંભળીને, સેનકુમાર ભૂછિત થઈ ગયો, બેહોશ બની જમીન ઉપર ઢળી પડ્યો. પલ્લીપતિ તરત જ કુમારની પાસે બેસી ગયો. ઠંડી હવા નાખવા માંડ્યો. ઠંડા પાણીથી એનું મોટું ભીનું કર્યું. ધીરે ધીરે કુમારે પોતાની આંખો ખોલી. પલ્લીપતિએ એને આશ્વાસન આપવા માંડયું:
મહારાજ કુમાર, આપ વિષાદ છોડો. આ અરણ્યને હું અને મારા આ બધા જ સુભટો જાણે છે. અરણ્યમાં છુપાવાનાં પણ સ્થાનો બધાં જાણે છે. પવનવેગે તેઓ ફરી વળશે. જ્યાં રાજ કુમારી હશે ત્યાંથી સન્માનપૂર્વક, મારા સુભટો અહીં લઈ આવશે. હું પણ દેવીની શોધ કરવા માટે જ જાઉં છું.”
સાનુદેવને ઉદ્દેશીને કહ્યું: “સાર્થવાહપુત્ર, હવે અત્યારે પલ્લીદર્શન કરવાનો સમય નથી. તમે અમારા આ સ્વામીને આશ્વાસન આપો. તેમને સાત્ત્વના આપો. તમે અહીં જ એમની પાસે રહેજો. હું જાઉં છું. જલદી પાછો આવી જઈશ.'
પલ્લીપતિએ જતાં-જતાં પોતાના વિશ્વાસપાત્ર દસ સુભટોને કુમાર પાસે રાખ્યા. કુમારને કહ્યું: “આપ નિરાશ ના થશો. ઉત્સાહ રાખજો. અમે દેવીને ખોળવા જઈએ છીએ.”
સાનુદેવે કહ્યું: “હે વિરપુરુષ, તમે દેવીને ઓળખી શકો તે માટે તમને હું મારો એક માણસ આપું છું. એ દેવીને ઓળખી લેશે.” સાનુદેવે પોતાનો એક માણસ પલ્લીપતિની સાથે મોકલ્યો.
૧૭૪
ભાગ-૩ + ભવ સાતમાં
For Private And Personal Use Only