________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે પુત્ર પિતા બની શકે છે, પિતા પુત્ર બની શકે છે. માટે તું સંસારની આવી આવી વિષમતાઓનું ચિંતન કર અને સંસારના હેતુભૂત પાપોનો ત્યાગ કર. હજુ આ મૂલ્યવાન મનુષ્યજીવન તારી પાસે છે, માટે ધર્મપુરુષાર્થ કરીલે.'
ચિંતામણિએ પૂછ્યું: ‘ભગવંત, દુઃખમય સંસાર પર રાગ થવાનું કારણ?'
મહર્ષિએ કહ્યું: ‘જે જીવો મોહમદિરા ઠાંસી ઠાંસીને પીએ છે, તેમની બુદ્ધિ નાશ પામે છે, તે બુદ્ધિહીન જીવો એવા સંસાર પ્રત્યે રાગી બને છે કે જે સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખ, ચિંતાઓ અને રોગોની અગ્નિજ્વાળાઓમાં પ્રતિદિન બળ્યાં કરે છે.'
ચિંતામણિએ ભાવવિભોર બનીને પૂછ્યું: ‘ભગવંત, ખરેખર, આ સંસાર ઇન્દ્રજાળ છે. એમાં કંઈ જ સાચું નથી... હવે એમાંથી બહાર નીકળવાનો ઉપાય બતાવો...’
‘ભદ્રે, તું તારા મનમાં જિનવચનોનું ચિંતન કર. એ જિનવચનો જ તને સંસારનાં બંધનોથી મુક્ત કરશે. તું સમતાયોગમાં સ્થિર બનીને, મુક્તબનીશ. બુદ્ધ બનીશ. શાશ્વત સુખ પ્રાપ્ત કરીશ.'
ઉપદેશ પૂર્ણ કર્યો. મહર્ષિ ઊભા થયાં.
ચિંતામણિ અને નયના પણ ઊભા થયા, મહર્ષિને, મસ્તકે અંજલિ જોડી, વંદના કરી. અશોકમુનિ સાથે મહર્ષિ સમરાદિત્યે ત્યાંથી ગામ તરફ ચાલવા માંડયું. પાછળ પાછળ ચિંતામણિ અને નયનાએ પણ ચાલવા માંડયું. ઉદ્યાનની બહાર નીકળી, તે બંને ઊભા રહી ગયા, મહર્ષિ દેખાતા બંધ થયા પછી તે બંને રથમાં બેઠાં. નયનાએ રથના પડદા પાડી દીધાં, સાજનસિંહે રથને હંકાર્યો. રથ હવેલીના દ્વારે આવીને ઊભો રહ્યો.
કેવા સંયોગો સર્જાયા?
ચિંતામણિનું અંતઃકરણ ખરેખર નિર્મળ બની ગયું. સંસારના રંગરાગ તરફ એના ચિદાનંદે એને વિરક્ત બનાવી દીધી. તેણે સાધ્વી બનવાનો નિર્ણય હવેલીમાં જાહેર કર્યો અને જ્યારે દાસ-દાસીઓએ પોતાની સ્વામિની સાધ્વી બનવાની છે, એ વાત સાંભળી, ત્યારથી તેમની આંખમાં શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યાં. તેઓએ પણ સ્વામિનીની પાછળ નીકળી પડવાનો નિર્ણય કરી લીધો, વર્તમાન પાપમય જીવન છોડીને નવું ધર્મમય જીવન જીવવાનો નિર્ધાર કર્યો.
ચિંતામણિને એના નવા પંથે જતાં કોઈ રોકી ના શક્યું. બાકી આ રૂપજીવિનીઓના સંસારમાં આવ્યાં પછી, એમાંથી છૂટવું મુશ્કેલ કામ હોય છે. છૂટીને નિર્ભય રીતે જીવવું, અશક્ય હોય છે,
ચિંતામણિએ જોતજોતામાં કેટલુંય વેચી દીધું, કેટલુંય અર્પણ કરી દીધું... ને કેટલુંય વહેંચી દીધું! તેણે મહાદાન આપી, બધું જ ધન ખર્ચી નાખ્યું. અકિંચન બની ગઈ... અને મહર્ષિ સમરાદિત્યનાં શરણે પહોંચી ગઈ.
૧૪૪૨
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only