________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનો સાથે સલામત હતો. પરંતુ શાન્તિમતી ખોવાઈ ગઈ હતી અને કુમાર ઘાયલ થઈને શત્રુને હાથે પકડાયો હતો-એથી એની મનોવેદના ઘણી વધી ગઈ હતી.
અરણ્યની ગીચ ઝાડીમાં છુપાયેલા કેટલાક ભીલોએ આવીને સાનુદેવને યુદ્ધની વાત કરી. સાનુદેવે કહ્યું:
હું વિશ્વપુર જઈશ. વિશ્વપુરના રાજાને મળીને, સેનકુમારનો પરિચય આપીને છોડાવીશ. તમે સહુ અહીં જ રહેજો. આ ભીલ-પુષ્પો તમારી રક્ષા કરશે, તમે તેઓને ભોજન આપજો.' સાર્થના પુરુષને ભલામણ કરી, સાર્થના ચાર યુવાનોને લઈ, સાનુદેવ વિશ્વપુર પહોંચી ગયો.
બીજી બાજુ સેનાપતિ, કુમારને અને પલ્લીપતિને રાજા સમરકેતુ પાસે લઈ ગયો. બંનેના અપૂર્વ પરાક્રમની રાજાને વાત કરી. રાજા કુમાર સામે જોઈ રહ્યો હતો. કુમારનું અદ્ભુત રૂપ જોઈને અને એના પરાક્રમની પ્રશંસા સાંભળીને રાજાએ વિચાર્યું: ‘આ રાજ કુમાર હોવો જોઈએ... અન્યથા રૂપ અને પરાક્રમનો મેળ બેસતો નથી. હું આની તપાસ કરાવું. બાકી આ બીજો તો ભીલ-પતિ છે. આ ધાડપાડુને તો મરાવી જ નાખું.”
રાજાએ સેનાપતિને આજ્ઞા કરી: “આ ધાડપાડુ ભીલને શૂળી પર ચઢાવી દો. એને મરાવી નાખો. આ કુમારને સારી રીતે રાખો. એનું શું કરવું, તે પછી નક્કી કરીશ.'
કુમારે રાજાની આજ્ઞા સાંભળી. તેના ચહેરા પર દૃઢતા તરી આવી. તે બોલ્યો: મહારાજા, પહેલાં મને મરાવી નખાવો પછી આ પલ્લીપતિને જે સજા કરવી હોય તે કરજો, પહેલાં મને માર.'
રાજાએ કુમારની સામે જોયું, વિચાર્યું: “ખરેખર, આ કુમાર માત્ર રૂપવાન છે. એટલું જ નહીં, ગુણવાન પણ છે. જરૂર કુમાર પર આ પલ્લીપતિ ભીલનો કોઈ ઉપકાર હશે! એ પોતાના ઉપકારીને બચાવી લેવા, સ્વયં મોત માગે છે! કેવી આની મહાનતા છે!”
રાજાએ કહ્યું: “હે કુમાર, મારે તારો પરિચય જોઈએ છે! તું અસાધારણ પુરુષ છે.' કુમારે આસપાસ ઊભેલા લોકો તરફ નજર કરી. ત્યાં ઊભેલા સાનુદેવ સાથે એની દૃષ્ટિ મળી. કુમારે રાજાને કહ્યું: “મહારાજા, મને ઓળખનાર એક પુરુષ અહીં છે. એ રાજપુરનો સાર્થવાહપુત્ર છે. આપ એને મારો પરિચય પૂછી શકો છો!”
રાજા બોલ્યો: “સાર્થવાહપુત્ર સાનુદેવ અહીં મારી પાસે આવો.” સાનુદેવ ભીડમાંથી નીકળીને, રાજા પાસે ગયો. વિનયથી રાજાને પ્રણામ કરી, તે ઊભો રહ્યો.
“સાર્થવાહપુત્ર, તું આ કુમારને ઓળખે છે?'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only