________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે પોતાના રથમાં લલિતાંગને બેસાડ્યો. પાછળ બે કન્યાઓના હાથમાં ચામર આપવામાં આવ્યાં. બીજા રથમાં કામાંકુર અને અશોક સાથે રાજપરિવારનાં બાળકોને બેસાડવામાં આવ્યાં. ત્રીજા રથમાં મહારાણી અને અન્ય રાજકન્યાઓ વગેરે બેઠી.
રાજમાર્ગ પર, રંગબેરંગી સુંદર વસ્ત્રો પહેરીને, વાજિંત્રો સાથે એક નૃત્યમંડળી પણ આવી પહોંચી. યુવરાજભા રથની આગળ, એ મંડળી નૃત્ય કરતી કરતી ચાલવાની હતી. આસપાસનાં રાજ્યનાં જુદાં જુદાં નગરોના રાજકુમાર પણ પોતપોતાના રથમાં બેસીને, આવી પહોંચ્યાં હતાં. સહુએ યુવરાજનું અભિવાદન કર્યું.
રાજમાર્ગની બંને બાજુ ઉજ્જવલ વસ્ત્ર ધારણ કરીને, હજારો સ્ત્રી-પુરુષો ઊભાં રહી ગયાં હતાં. મકાનોની બારીઓમાં કુલાંગનાઓ યુવરાજને ધારી ધારીને, જોઈ રહી હતી. “આ આપણા યુવરાજ સમરાદિત્ય છે.' એમ ઓળખાણ અપાતી હતી.
રાજકુમારો રથમાંથી ઊતરીને, કુમારના રથની આગળ ચાલવા લાગ્યાં. વિવિધ વાજિંત્રો વાગવા લાગ્યાં, નૃત્યમંડળી અને રાસમંડળી નૃત્ય કરવા લાગી. હવામાં કુંકુમ રજ ઊડવા લાગી. સર્વત્ર હર્ષ ઊછળવા લાગ્યો.
નગરના રાજમાર્ગ સ્વચ્છ હતાં. માર્ગની બંને બાજુએ નાનાં રમણીય વાસસ્થાનો અને વિહારસ્થાનો હતાં. નવયૌવનાઓ સંધ્યા સમયે વાપ્રમોદ માણવા નૂપુરઝંકાર કરતી, નિર્ભય રીતે ઉપવન તરફ જઈ રહી હતી. નગરમાં ઠેર ઠેર સુંદર બગીચાઓ બનેલા હતા. કુમાર સમરાદિત્યની વસંતયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી, નગરના પ્રમુખ દ્વારમાંથી રથ અને અશ્વો પસાર થયા. હવે માર્ગની બંને બાજુએ આમ્રત, આસોપાલવ ને લીંબડા-પીંપળાનાં મોટાં મોટાં વૃક્ષોની હારમાળા આવેલી હતી. વચ્ચે વચ્ચે બોરસલી, ચંપા અને કદંબવૃક્ષો, નાસિકાને તરબતર કરતા ઊભા હતાં. ત્યાં એક દેવકુલિકા ઉપર યુવરાજની દૃષ્ટિ પડી. દેવકુલિકાના ઓટલા ઉપર બેઠેલા એક કોઢરોગથી વ્યાપ્ત રોગી પુરુષને જોયો. તેની ચારે બાજુ હજાર માખીઓ બણબણી રહેલી હતી. એની આંખો લાલચોળ હતી અને બહાર આવી ગયેલી હતી. એનું નાક સડી ગયેલું હતું. તેના પગ ઉપર સોજા આવી ગયેલા હતાં. તેના મુખમાંથી લાળ ટપકી રહી હતી. આખું શરીર મલિન, ગંદું અને દુર્ગધમય હતું.
કુમાર સમરાદિત્યનું હૃદય કરુણાથી છલકાઈ ગયું. “અહો! પાપકર્મોનો કેવો વિપાક છે!” કુમારે સારથિને કહ્યું: “અરે સારથિ, આ કઈ જાતનું દશ્ય છે?'
યુવરાજે અંગુલિનિર્દેશ કરી, પેલા રોગી પુરુષને બતાવીને પૂછયું. સારથિએ કહ્યું:
મહારાજ કુમાર, આ કોઈ દશ્ય નથી વસંતોત્સવનું, આ તો કોઈ વ્યાધિગ્રસ્ત પુરુષ છે.
સારથિ, આ “વ્યાધિ' વળી કોણ છે?' શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૪૯
For Private And Personal Use Only