________________
[ ૮૩ ]
ઉપર જણાવેલી વિગતો વાંચ્યા પછી ભૂગોળ-ખગોળના અભ્યાસીઓ સાધુ હોય કે શ્રાવક, તેમને જરૂર એમ થશે કે બંને માન્યતાઓ વચ્ચે આકાશ-પાતાળ જેટલું કે તેથી વધુ અંતર છે. જેમકે વિજ્ઞાને સૌરમંડળ બનાવીને સૂર્યને કેન્દ્રમાં રાખીને બાકીના બધા ગ્રહોને સૂર્યને પ્રદક્ષિણા આપતા જણાવ્યા છે. બીજા ગ્રહોની માફક પૃથ્વીને પણ ગ્રહ માનીને આકાશમાં ફરતી છે એમ કહ્યું, જ્યારે જૈનશાસ્ત્રોએ ચારસો લાખ યોજનના જંબૂદ્વીપની માન્યતાને રજૂ કરી તેના કેન્દ્રમાં મેરુપર્વત માન્યો અને તમામ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એ બધુંય જ્યોતિષચક્ર, સૂર્યને નહીં પણ મેરુને પ્રદક્ષિણા આપતું બતાવ્યું છે.
આ જ્યોતિષચક્ર જૈનમાન્યતા મુજબ મેરુની ચારે બાજુએ આકાશમાં ૫૧૦ યોજનમાં જ વિસ્તરેલું છે, જ્યારે વૈજ્ઞાનિકોનું જ્યોતિષચક્ર આકાશમાં અબજોનાં અબજો માઇલ સુધી વિસ્તરેલું બતાવ્યું છે. એક ગ્રહથી બીજા ગ્રહના અંતર પણ લાખો-કરોડો માઇલનાં બતાવ્યાં છે. જૈનધર્મે આકાશમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, વગેરે જે ગ્રહો દેખાય છે તે સ્ફટિકરત્નનાં વિમાનો જ છે અને એ સ્ફટિકરત્ન પ્રકાશમાન હોવાથી આપણે તેને તેજસ્વી જોઇએ છીએ, અને એમાં દેવોનો વસવાટ છે. આ વિમાનો અનાદિકાળથી સ્વાભાવિક રીતે જ અવિરત ગતિ કરતાં જ હોય છે. જ્યારે વિજ્ઞાને આ ગ્રહોને એમનાં દૂરબીનોથી કે બીજાં સાધનોથી વિમાનો છે એવું સ્વીકાર્યું નથી. તેમણે તો ગ્રહોને અગ્નિ, પહાડો, પથ્થરો, કુંડો, ખાડાઓ વગેરેથી યુક્ત ગોળા જેવા જ માન્યા છે. જૈનોએ ગ્રહોને આકાશમાં એક ઉપર એક રહેલા માન્યા છે અને એકબીજા ગ્રહો વચ્ચે ફક્ત ૧૦ યોજનથી લઇને ૮૦ યોજનનું અંતર બતાવ્યું છે. જ્યારે વૈજ્ઞાનિકોએ એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે લાખથી લઇને કરોડોનું અંતર અને મંગળ, ગુરુ જેવા ગ્રહો માટે કરોડો-અબજો માઇલનાં અંતર બતાવ્યાં છે. જૈનગ્રન્થોએ ગ્રહનાં વિમાનોને ઓછાં વ્યાસ-માપનાં બતાવ્યાં છે, જ્યારે વિજ્ઞાને સેંકડો માઇલ મોટાં બતાવ્યાં છે, એટલે આવી બધી ઘણી વાતો અત્યન્ત વિસંવાદી છે એટલે આપણે આપણી શ્રદ્ધા પ્રમાણે જૈનશાસ્ત્રોએ જે કહ્યું છે તે વાતોને કેન્દ્રમાં રાખીને જે વિચારવું ઘટે તે વિચારવું. વિજ્ઞાનની માન્યતાઓ કઇ સાચી અને કઇ ખોટી ? તેનો નિર્ણય શી રીતે કરી શકાય ? ખુદ વૈજ્ઞાનિકો પોતે પણ કહે છે કે આજનું અમારું સંશોધન આવતીકાલે ખોટું પડી શકે છે અને ફેરફાર પણ થઇ જાય. વિજ્ઞાન એ વિકસતું જ્ઞાન છે. તેનાં નિર્ણયો યન્ત્રો, ગણિત અને અનુમાનોનાં આધારે એટલે પરોક્ષ આંખે લેવાયા હોય છે, સ્વ આંખે પ્રત્યક્ષ જોઇને લેવાતા નથી. જેમકે પૃથ્વી સેંકડો વરસ સુધી દડા જેવી બરાબર ગોળ કહી. રોકેટ, ઉપગ્રહ, અવકાશયાનોનો યુગ શરૂ થતાં ઉત્તરધ્રુવ પાસે ગોળ નથી પણ નાસપતીની જેમ થોડી ઊંચી છે એમ એમણે જ જાહેર કર્યું એટલે ખગોળ વગેરે બાબતમાં ફેરફારોને જ્યાં પૂરો અવકાશ રહે છે. અલબત્ત બધી રીતનું પરીક્ષણ કરીને જે બાબતમાં ૧૦૦ ટકા સાચા નિર્ણયો લીધા હોય એમાં ફેરફારોને અવકાશ (પ્રાયઃ) ન હોઇ શકે. છતાં વાચકોએ દરેક બાબતો વિવેકપૂર્વક ગ્રહણ કરવી. વૈજ્ઞાનિકોની વાતો તેઓએ પ્રત્યક્ષ નહીં પણ દૂરબીન, ગણિત વગેરે સાધનોનો સહારો લઇ નક્કી કરી છે, પ્રત્યક્ષ આંખે જોએલી વસ્તુ નથી. આપણે ત્યાં ધરતીમાં સાત (નરક) પૃથ્વીઓ જણાવી છે પણ તે નજરે કે સાધનથી જોઇ-જાણી શકાતી નથી એટલે વિજ્ઞાનની નજરમાં એ પૃથ્વીઓ ન જ આવે તે સ્વાભાવિક છે અને આકાશમાં જ્યોતિષચક્ર પૃથ્વીની નજીક હોવાથી અને ગ્રહો પ્રકાશમાન હોવાથી એમની નજરમાં એ દેખાયું અને એની પાછળ સતત લાગી રહ્યા. તેમજ ૧. વિજ્ઞાન વિકાસની સાથોસાથ અવકાશ સંશોધને ભારે વેગ પકડ્યો છે. ધીમે ધીમે બધા ગ્રહોની માહિતી મેળવવા અવકાશયાનો વહેતાં મૂક્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org