________________
४८६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
પણ કર્મશત્રુ સાથેના સંગ્રામમાં મોહમહારાજા કે સેનાપતિનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીના સાતે કર્મોનું બળ ન તૂટે. સેનાપતિ મરાતાં કે શરણે થતાં, લશ્કર આપોઆપ નાસી જાય કે શરણે આવે, તેમ મોહસેનાપતિ જિતાતા બાકીનાં સાતેય કર્મો આપોઆપ જલદી જીતાઈ જાય છે. બીજી રીતે મોહનીયને શરીરની ધોરી નસની પણ ઉપમા આપી શકાય.
ઉપરની ભૂમિકા એટલા માટે કરી કે—અહીંઆ ‘મોક્ષ’ તત્ત્વ અને તેની પ્રાપ્તિ અંગે વાત કરવાની છે, એ મોક્ષપ્રાપ્તિ તેને જ થાય કે જેને કેવલજ્ઞાન—સર્વજ્ઞત્વ અને કેવલદર્શન—સર્વદર્શિત્વ મેળવ્યું હોય ! કારણકે પ્રાપ્તિ પહેલાં આ બેની જરૂર અનિવાર્ય મનાઈ છે. અને આ કેવળજ્ઞાન અને કેવળદર્શન ત્યારે થઈ શકે કે જ્યારે તેના પ્રતિબંધકસ્વરૂપ ચાર ઘાતીકર્મોનો નાશ થાય.
અહીં એક વસ્તુ સમજી લેવી જરૂરી છે કે આ વિશ્વમાં જૈનપરિભાષામાં ‘કાર્મણ વર્ગણા'ના નામથી ઓળખાતા અનંતાનંત જડ પરમાણુઓ—પુદ્ગલો સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરેલા પડ્યાં છે. આ પરમાણુઓ આપણા દ્રશ્ય ચક્ષુથી અદ્રશ્ય હોય છે. આપણે જોઈ શકતા નથી. પ્રત્યેક આત્મા ક્ષણે ક્ષણે ૧ મિથ્યાદર્શન (અસત્ વિચાર—શ્રદ્ધા),૨ અવિરતિ–(અત્યાગ) ૩ પ્રમાદ, ૪ કષાય (ક્રોધ–માન—માયા—લોભ) અને ૫ યોગ, (મન–વચન—કાય) કર્મબંધના આ પાંચ હેતુઓ દ્વારા જ્યારે જ્યારે શુભ કે અશુભ પ્રવૃત્તિ કરે છે તે જ વખતે આત્મા ઉક્ત કાર્યણવર્ગણાના પુદ્ગલો પોતાના તરફ ખેંચે છે અને તે જ વખતે (તે અણુઓમાં કર્મપરિણામ ઊભો થાય છે.) તે પરમાણુઓનું આત્મપ્રદેશો સાથે જોડાણ થાય છે, જે વખતે જોડાણ થયું તે જ વખતે તે અણુઓમાં શુભાશુભ ફળ, તે આપવાની સમયમર્યાદા આદિ, સાથે સાથે જ નક્કી થઈ જાય છે. આ રીતે કર્મનો બંધ થાય છે.
જ્યારે તેથી પ્રતિપક્ષી સમ્યગ્દર્શન, વિરતિ (ત્યાગ), અપ્રમાદ, કષાયત્યાગ (ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ) ઇત્યાદિ હેતુઓથી કર્મબંધના હેતુઓનો અભાવ થવાથી નવીન કર્મબંધ થતો અટકે છે.
અહીં સાધક આત્મા માટેનો સાધનાક્રમ એવો છે કે, પ્રથમ તો તેને ક્ષણે ક્ષણે બંધાઈ રહેલાં કર્મોને અટકાવવાનું કાર્ય કરવું પડે છે. એ માટે ઉપર કહેલા પ્રતિપક્ષી ચારિત્રાદિક ગુણો દ્વારા કર્મનો સંવર–રોકાણ કરી દે. આથી નવાંને તો અટકાવ્યાં, હવે કરવું ? તો હવે સત્તામાં રહેલાં પૂર્વ—સંચિત અનંત કર્મો છે તેની તપ–સ્વાધ્યાય—ધ્યાનાદિક દ્વારા નિર્જરા કરી નાંખે છે. આ પ્રમાણે બંધાયેલા કર્મને ક્ષય કરવાની સામાન્ય સ્થૂલ પ્રક્રિયા સમજાવી.
એ રીતે જ સર્વજ્ઞ થનાર આત્મા આઠ કર્મ પૈકી ચાર ઘાતીકર્મોનો બંધ હેતુઓનો અભાવ અને નિર્જરા આ બે પુરુષાર્થ દ્વારા સામાન્ય નહીં પણ આત્મનિક ક્ષય કરી નાંખે છે.
આ ચારમાં ઉપર કહી આવ્યા તેમ મોહ એ સૌથી વધારે બળવાન કર્મ છે. એથી સહુથી પ્રથમ તેનો સર્વથા વિનાશ થાય, ત્યાર પછી જ શેષ ઘાતીકર્મોનો નાશ શક્ય અને સુલભ બની જાય છે. એટલે સાધક પ્રથમ અધ્યવસાયોના ઊર્ધ્વમાન વિશુદ્ધ પરિણામથી, રાગદ્વેષાદિ સ્વરૂપ મોહ જોદ્ધાને સખત શિકસ્ત—હાર આપીને‘ પછીના અંતર્મુહૂર્તમાં જ બાકીનાં ત્રણ ઘાતીકર્મોનો ઝડપથી સર્વથા નાશ કરે છે. એટલે કે આત્મપ્રદેશમાંથી સદાયને માટે વિદાય લે છે. પ્રતિબંધકોનાં કારણો નષ્ટ થતાં તે તે કાર્યરૂપ આવરણો પણ નષ્ટ થયાં અને તે જ વખતે વિશ્વના ત્રૈકાલિક સમસ્ત દ્રવ્યો—પદાર્થો અને તેના પર્યાયો—અવસ્થાઓને આત્મસાક્ષાત્ કરનાર અથવા પ્રકાશ પાડનાર અનંત એવા કેવલજ્ઞાન-કેવલદર્શન, બીજા શબ્દોમાં સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વને પ્રાપ્ત કરે છે. +. અહીં સુધી આત્મા માત્ર છદ્મસ્થ વીતરાગદશાવાળો છે; હજુ સર્વજ્ઞ થયો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org