________________
પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન
૨૧
ભારતીય તર્કશાસ્ત્રના વિકાસના પ્રારંભનો યુગ હતો. તેમાં બધા દર્શનો પોતપોતાની તૈયારીઓ કરી રહ્યાં હતાં, પોતાનું તર્કશાસ્ત્ર વિકસાવી રહ્યાં હતાં. દર્શનક્ષેત્રમાં સૌપ્રથમ આક્રમણ બૌદ્ધો તરફથી થયું, જે આક્રમણના સેનાપતિઓ હતા નાગાર્જુન અને દિાગ. ત્યારે જ વૈદિક દાર્શનિક પરંપરામાં ન્યાયવાર્તિકકાર ઉદ્યોતક૨, મીમાંસાશ્લોકવાર્તિકકાર કુમારિલ ભટ્ટ વગેરેએ વૈદિકદર્શનના સંરક્ષણ માટે પર્યાપ્ત પ્રયત્નો કર્યા. આચાર્ય મલ્લવાદિએ દ્વાદશારનયચક્ર ગ્રન્થમાં વિવિધ ભંગો દ્વારા જૈનેતર દૃષ્ટિઓના સમન્વયનો સફળ પ્રયત્ન કર્યો. આ ગ્રન્થ આજ મૂલરૂપમાં ઉપલબ્ધ નથી. તેની સિંહગણિ ક્ષમાશ્રમણકૃત વૃત્તિ ઉપલબ્ધ છે. આ જ યુગમાં સુમતિ, શ્રીદત્ત, પાત્રસ્વામી આદિ આચાર્યોએ જૈનન્યાયના વિવિધ અંગો પર સ્વતંત્ર ગ્રન્થો અને વ્યાખ્યાગ્રન્થોના નિર્માણનો પ્રારંભ કર્યો.
વિક્રમની સાતમી અને આઠમી શતાબ્દી દર્શનશાસ્ત્રના ઈતિહાસમાં વિપ્લવનો યુગ હતો. આ સમયે નાલન્દા વિશ્વવિદ્યાલયના આચાર્ય ધર્મપાલના શિષ્ય ધર્મકીર્તિનો સપરિવાર ઉદય થયો. શાસ્ત્રાર્થોની ધૂમ મચી હતી. ધર્મકીર્તિએ સદલબલ પ્રબળ તર્કબળથી વૈદિક દર્શનો પર પ્રચંડ પ્રહારો કર્યા. જૈનદર્શન પણ તેમના આક્ષેપોમાંથી બચ્યું ન હતું. જો કે અનેક મુદ્દાઓમાં જૈનદર્શન અને બૌદ્ધદર્શન સમાનતન્ત્રીય હતાં પરંતુ ક્ષણિકવાદ, નૈરાત્મ્યવાદ, શૂન્યવાદ,વિજ્ઞાનવાદ આદિ બૌદ્ધવાદોનો દૃષ્ટિકોણ ઐકાન્તિક હોવાના કારણે બન્નેમાં સ્પષ્ટ વિરોધ હતો અને તેથી તેમનું પ્રબળ ખંડન જૈનન્યાયના ગ્રન્થોમાં મળે છે. ધર્મકીર્તિના આક્ષેપોના ઉદ્ધારાર્થ આ જ સમયે પ્રભાકર, વ્યોમશિવ, મંડનમિશ્ર, શંકરાચાર્ય, ભટ્ટ જયન્ત, વાચસ્પતિ મિશ્ર, શાલિકનાથ આદિ વૈદિક દાર્શનિકોનો પ્રાદુર્ભાવ થયો. તેમણે વૈદિક દર્શનોના સંરક્ષણ માટે ભરચક પ્રયત્નો કર્યા. આ જ સંઘર્ષયુગમાં જૈનન્યાયના પ્રસ્થાપક બે મહાન આચાર્ય થયા. તે છે અકલંક અને હરિભદ્ર. તેમનો બૌદ્ધો સાથે જોરદાર શાસ્ત્રાર્થ થયો. તેમના ગ્રન્થોનો મોટો ભાગ બૌદ્ધદર્શનના ખંડનથી ભરેલો છે. ધર્મકીર્તિના પ્રમાણવાર્તિક અને પ્રમાણવિનિશ્ચય આદિનું ખંડન અકલંકના સિદ્ધિવિનિશ્ચય, ન્યાયવિનિશ્ચય, પ્રમાણસંગ્રહ અને અષ્ટશતી આદિ પ્રકરણોમાં મળે છે. હરિભદ્રના શાસ્રવાર્તાસમુચ્ચય, અનેકાન્તજયપતાકા અને અનેકાન્તવાદપ્રવેશ આદિમાં બૌદ્ધદર્શનની પ્રખર આલોચના છે. એક વાત વિશેષ ધ્યાન દેવા યોગ્ય એ છે કે જ્યાં વૈદિક દર્શનના ગ્રન્થોમાં ઇતર મતોનું માત્ર ખંડન જ ખંડન છે ત્યાં જૈનદર્શનના ગ્રન્થોમાં ઇતર મતોનો નય અને સ્યાદ્વાદની પદ્ધતિથી વિશિષ્ટ સમન્વય પણ કરવામાં આવ્યો છે