________________
ભારતીય દર્શનને જૈનદર્શનનું પ્રદાન
૫૩
આજ સુધીનો વિજ્ઞાનનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે મનુષ્ય ન તો અનન્ત વિશ્વના એક અંશને પણ પૂર્ણપણે જાણી શક્યો છે કે ન તો તેના ઉપર પૂરું નિયંત્રણ પણ રાખી શક્યો છે. આજ સુધીનો તેનો સઘળો પુરુષાર્થ અનન્ત સમુદ્રના એક બિન્દુ સમાન છે. વિશ્વ પોતાના પારસ્પરિક કાર્યકારણભાવોથી સ્વયં સુવ્યવસ્થિત અને સુનિયત્રિત છે.
મૂલતઃ એક સત્નો બીજા સત્ પર કોઈ અધિકાર નથી. તે બે છે એટલે તે બન્ને પોતપોતામાં પરિપૂર્ણ છે અને સ્વતન્ત્ર છે. સત્, ચેતન હો કે અચેતન, સ્વયં પોતામાં પરિપૂર્ણ છે અને અખંડ છે. જે કંઈ પરિવર્તન થાય છે તે તેની સ્વભાવભૂત ઉપાદાનયોગ્યતાની સીમામાં જ થાય છે. જ્યારે અચેતન દ્રવ્યોની આ સ્થિતિ છે ત્યારે ચેતન વ્યક્તિઓનું સ્વાતન્ત્ય તો સ્વયં નિર્બાધ છે. ચેતન પોતાના પ્રયત્નોથી ક્યાંક અચેતન પર એક હદ સુધી તાત્કાલિક નિયત્રણ કરી પણ લે તો પણ આ નિયત્રણ સાર્વકાલિક અને સાર્વદેશિક રૂપમાં ન તો સંભવે છે કે ન તો શક્ય છે. તેવી જ રીતે એક ચેતન પર બીજા ચેતનનો અધિકાર યા પ્રભાવ વિશિષ્ટ પરિસ્થિતિમાં થઈ પણ જાય તો પણ મૂલતઃ તેનું વ્યક્તિસ્વાતન્ત્ય સમાપ્ત થઈ જતું નથી, થઈ શકતું નથી. મનુષ્ય પોતાના સ્વાર્થના કારણે વધુમાં વધુ ભૌતિક સાધનો અને ચેતન વ્યક્તિઓ પર પ્રભુત્વ જમાવવાની ચેષ્ટા કરે છે પરંતુ તેનો આ પ્રયત્ન સર્વત્ર અને સર્વદા માટે આજ સુધી સંભવ બની શક્યો નથી. આ અનાદિસિદ્ધ વ્યક્તિસ્વાતન્ત્યના આધારે જૈનદર્શને કોઈ એક ઈશ્વરના હાથમાં આ જગતની ચોટલી આપી નથી. સૌ પોતપોતાના પર્યાયોના સ્વામી અને વિધાતા છે. જ્યારે જીવિત અવસ્થામાં વ્યક્તિનું પોતાનું સ્વાતન્ત્ય પ્રતિષ્ઠિત છે અને તે પોતાના સંસ્કારો અનુસાર સારી યા ખરાબ અવસ્થાઓને સ્વયં ધારણ કરતો જાય છે, સ્વયં પ્રેરિત છે, ત્યારે ન કોઈ ન્યાયાલયની જરૂરત છે કે ન કોઈ ન્યાયાધીશ ઈશ્વરની. સૌ પોતપોતાના સંસ્કારો અને ભાવનાઓ અનુસાર સારા કે નરસા વાતાવરણની સૃષ્ટિ સ્વયં કરે છે. આ સંસ્કાર જ ‘કર્મ’ કહેવાય છે, જેમનો પિરપાક સારી યા બૂરી પરિસ્થિતિઓનું બીજ બને છે. આ સંસ્કાર વ્યક્તિ વડે સ્વયં ઉપાર્જિત કરવામાં આવ્યા છે, તેથી તેમનું પરિવર્તન, પરિવર્ધન, સંક્રમણ અને ક્ષય પણ વ્યક્તિ પોતે જ કરી શકે છે. આનો અર્થ એ કે મનુષ્ય પોતાના કર્મોનો એક વાર કર્તા બનીને પણ કર્મોની રેખાઓને પોતાના પુરુષાર્થથી મિટાવી પણ શકે છે. દ્રવ્યોની સ્વભાવભૂત યોગ્યતાઓ, તેમની પ્રતિક્ષણ પરિણમવાની પ્રવૃત્તિ અને પરસ્પર પ્રભાવિત થવાનું લવચીકપણું આ ત્રણ કારણોથી વિશ્વનો સમસ્ત વ્યવહાર ચાલી રહ્યો છે.